વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા ૧૮ મી જુનના રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ કરવાના છે. જેઓ ગાંધીનગરના રાયસણના વૃંદાવન બંગલોમાં હાલમાં રહે છે. ત્યારે રાયસણ પેટ્રોલ પંપથી ૮૦ મીટર સુધીના માર્ગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નામે નામકરણ કરવાની ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ આજે જાહેરાત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાને ૧૮ જૂને ૧૦૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. તે નિમિત્તે ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી ૮૦ મીટરના રોડને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ તરીકે નામાભિધાન કરાશે. ભવિષ્યમાં આવનાર પેઢી તેમના જીવનમાંથી ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાના બોધપાઠ લઈ શકે તે હેતુસર રાયસણ પેટોલ પંપથી ૮૦ મીટરના રોડને પૂજ્ય હીરાબા માર્ગ નામકરણ કરવાનું નક્કી કરાયુ છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબા શતાયુ વર્ષના થવા જઈ રહ્યા છે આગામી તારીખ ૧૮ જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત છે તે દિવસે જ તેમનો જન્મ દિવસ આવી રહ્યો છે, આ દિવસે વડનગર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના નથી પરંતુ સવારે તેઓ ચોક્કસ માતા હીરા બા ના ચરણસ્પર્શ કરવા તેમના ભાઈ પંકજભાઈ મોદીના નિવાસસ્થાને જશે.આ અંગે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા તા. ૧૮ મી જૂનનાં રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ કરવાના છે. ગાંધીનગરની જનતાની લોક માંગ હતી કે, વડાપ્રધાનના માતા હીરાબા રાયસણમાં રહે છે જેથી આ માર્ગને તેમનું નામ આપવામાં આવે. આમ લોક લાગણીને માન આપીને રાયસણ પેટ્રોલ પંપથી ૮૦ મીટરના રોડને હીરાબા માર્ગ તરીકે જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
હીરાબા આગામી તા. ૧૮ મી જૂનના દિવસે શતાયુ વર્ષમાં પ્રવેશ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી શતાયુ પ્રવેશ નિમિત્તે વડનગર ખાતે સુંદરકાંડ, શિવ આરાધના અને ભજન સંધ્યાનો ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુંદરકાંડના પાઠ કેતન થામલે શિવ આરાધના અનુરાધા પોડવાલ, ભક્તિ ભજન જીતુ રાવલ, લોક હાસ્ય ગુણવંત ચુડાસમા, સંગીત નિયોજક પંકજ ભટ્ટ દ્વારા કરવામાં આવશે. શનિવારે સાંજે સાડા સાત કલાકે હાટકેશ્વર મહાદેવ મંદિર વડનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગરજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.