આ પ્રસંગે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી આર.કે.પટેલ, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અજય ભટ્ટ સહિત CEO કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા
અમદાવાદ
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સબંધીત કાયદા, નિયમોમાં તાજેતરમાં સુધારા જાહેર કરવામાં આવ્યા છે.આ કાયદા, નિયમોમાં થયેલા સુધારા અંગે રાજ્યના જિલ્લા ચૂંટણી અધિકારીઓને વિસ્તૃત માર્ગદર્શન મળી રહે તે માટે મહાત્મા મંદિર ખાતે ભારતના ચૂંટણી પંચના સિનિયર અધિકારીઓની ઉપસ્થિતિમાં વર્કશોપ યોજાયો હતો.આ વર્કશોપમાં 31 જિલ્લા ચૂંટણી અધિકારીઓ, 33 અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા 27 જેટલાં મતદાર નોંધણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ વર્કશોપમાં ભારતના ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં મતદારયાદી સબંધી કાયદા,નિયમોમાં જાહેર કરવામાં આવેલા સુધારા અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.જેમાં મતદારયાદી સુધારા અંગે સમજૂતિ આપવામાં આવી હતી.ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સબંધીત કેટલાંક ફોર્મ્સમાં સુધારા કરવામાં આવ્યા છે તે અંગે, તા.૨-૧-૨૦૨૨થી ૧-૧૦-૨૦૨૨સુધીમાં જન્મેલા હોય તેવા નવા યુવા મતદારો પણ મતદારયાદીમાં નામ નોંધાવી શકે તે માટે સમગ્ર વર્ષ દરમ્યાન લાયકાતની ચાર તારીખ નક્કી કરવામાં આવી છે તે અંગે, મતદારો હવે મતદારયાદીમાં પોતાનો આધાર નંબર લીંક કરાવી શકે તે માટે આધાર લીંકીંગ અંગે તથા મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ સબંધી ચૂંટણી અધિકારીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા તાજેતરમાં હાઉસ ટુ હાઉસ મુલાકાત લઇને મતદારયાદી સબંધી કામગીરી કરવામાં આવી છે.તેમાં ગરૂડા એપ્લિકેશનમાં મતદારોની વિગતો અપડેટ કરવામાં આવતી મુશ્કેલીઓ અંગે CDACના આસિસ્ટન્ટ ડાયરેકટર શ્રી સુનિલ ભાટીયા દ્વારા ચૂંટણી અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું.ચૂંટણી સુધારા વિષયક માર્ગદર્શન અંગેના આ વર્કશોપમાં ભારતના ચૂંટણી પંચના સિનિયર પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી નરેન્દ્ર બુટોલીયા પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી એસ.બી.જોશી, સચિવશ્રી અજોય કુમાર, સચિવશ્રી પવન દિવાન, ઉપસચિવશ્રી સંજય કુમાર ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી આર.કે.પટેલ, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અજય ભટ્ટ સહિત CEO કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. વર્કશોપ દરમ્યાન હાલમાં રાજ્યમાં BLO દ્વારા થયેલ રહેલી હાઉસ ટુ હાઉસ વીઝીટમાં મળેલ ફોર્મ તથા તા.૧-૧૦ ૨૦૨૨ના રોજ જેમના ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા સંભવિત મતદારોની ઓળખની કામગીરી સંદર્ભે તેમજ ગત ચૂંટણીમાં થયેલ મતદાનની વિગતોના આધારે આગામી ચૂંટણીમાં ચોક્કસ રણનીતિ નક્કી કરીને મતદાન વધે તે માટે થનાર કામગીરીની મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા ભારતના ચૂંટણી પંચ સાથે પરામર્શ કર્યા બાદ લોક પ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૦ (૧૯૫૦નો ૪૩મો)ની કલમ -૨૮માં મળેલી સત્તાની રૂએ મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦માં સુધારા અંગે તા.૧૭મી જૂન,૨૦૨૨ના જાહેરનામા દ્વારા જરૂરી અધિસૂચના જારી કરવામાં આવી છે. તે મુજબ મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦માં સુધારો કરવામાં આવતા હવે મતદાર નોંધણી (સુધારા) નિયમો, ૨૦૨૨ તરીકે ઓળખાશે. હાલની મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદાર અથવા તો નવા સામેલ થનાર મતદારો માટે આધાર નંબર સ્વૈચ્છિક રીતે દાખલ કરવા તથા મતદાર તરીકે યાદીમાં સુધારા-વધારા કરવા માટેના ફોર્મ નં. ૬, ૭, ૮ માં સુધારો કરી નવા ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. જે ૧લી ઓગસ્ટ,૨૦૨૨થી લાગુ પડશે.મતદારો ફોર્મ- દુખ ભરીને મતદારયાદીમાં આધાર નંબર ઉમેરી શકે છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉપરોક્ત નિયમોના નિયમ-૨૬માં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ નિયમ-૨૬ના પેટા નિયમ-૧એ મુજબ હવે મતદાર તરીકે નામ નોંધણી માટે વર્ષ દરમ્યાન ચાર જુદી-જુદી લાયકાતની તારીખો નક્કી કરવામાં આવી છે. એટલે કે, તા.૧લી જાન્યુઆરી, ૧લી એપ્રિલ, ૧લી જુલાઇ અને ૧લી ઓકટોબરના રોજ મતદાર તરીકેની યોગ્યતા ધરાવતા હોય એટલે કે ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તો મતદાર યાદીમાં નામ નોંધાવી શકાશે.