ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
નશાખોરી માટે વપરાતા સાધનો ઓનલાઈન-ઓફ્લાઇન વેચવા પર પ્રતિબંધ માટે કોંગ્રેસના મિડિયા કોર્ડીનેટર હેમાંગ રાવલની વિનંતી
અમદાવાદ
ભાજપ સરકાર શરાબકાંડ – લઠ્ઠાકાંડને કેમીકલકાંડ બતાવીને તેના કારનામા – કરતુતો ઉપર પડદો નાંખવાનો પ્રયાસ કરી રહી છે.દારૂબંધીમાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર વિરૂધ્ધ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના સફળ પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્મા , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાની ઉપસ્થિતીમાં કાલે મંગળવારના રોજ બપોરે ૧-૦૦ કલાકે કલેક્ટર કચેરી પાસે, બત્રીસી હોલ, સુભાષબ્રીજ, અમદાવાદ ખાતે ધરણા પ્રદર્શન કરશે. પ્રોહીબીશન – એક્સાઈઝ અધિકારીઓ અને સરકારના આર્શિવાદથી મિથેનોલ, સહિતના ઝેરી દ્રવ્યોનો ગેરકાયદેસર કરોડો રૂપિયાની હેરફેર-વેપલો ચાલી રહ્યો છે. ભાજપ સરકારમાં દારુબંધી માત્ર કાગળ ઉપર છે તે ફરી સાબિત થયું છે. ભાજપના મળતિયાઓ, ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગતને લીધે ૭૦થી વધુ ગુજરાતના નાગરિકો પોતાનો જીવ ગુમાવ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ સુધી સિમીત હોય એવું આંકડા દર્શાવી રહ્યા છે.2 વર્ષમાં 200 કરોડ રૂપિયાથી વધુનો દારૂ ઝડપાયો છે એ પ્રમાણે દરરોજ સરેરાશ રૂ. ૨૯ લાખનો દારૂ ઝડપાય છે.રાજ્યમાં રોજનો ડ્રગ્સનો 8 કરોડ કારોબાર છે કે જેમાં ચરસ-ગાંજો 3 કરોડ અને 5 કરોડના પ્રતિબંધિત ડ્રગ્સ સામેલ છે. વાર્ષિક 3000 કરોડનો કારોબાર છે તેવું સમાચારોમાં દર્શાવાય છે. ગુજરાતના શાસકોએ નાર્કોટિક ડ્રગ્સ સંબંધિત એક્ટ અંતર્ગત નોંધાતા કેસોમાં ગુજરાતને 2,41,715 કેસ સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે પહોંચાડી દીધું છે.
ગુજરાતને જો સમૃધ્ધ – વિકસીત રાજ્ય અને આવનારા દિવસોમાં ગુજરાતની પેઢીઓને સમૃધ્ધ બનાવવી હશે તો ગુજરાતમાં ડ્રગ્સનું જે નેટવર્ક વધતું જઈ રહ્યું છે તેની સામે તાત્કાલીક કડક અંકુશ આવે એ માટેની કાર્યવાહી કરવામાં આવે, એ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવે અને ગુજરાતમાં એવા તો કોણ લોકો છે કે જેમના ડ્રગ્સના કનેક્શન છેક તાલિબાન સાથે જોડાયેલા છે? તેની પણ તપાસ થવી જોઈએ.
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કુલ 606,41,84,847 રૂપિયાના નશીલા પદાર્થો પકડવામાં આવ્યા જે ગુનાના 4,046 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. સરકારે આકરું વલણ અપનાવ્યાનો દાવો કર્યા પછી પણ તાજેતરમાં ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં 50થી વધુ મૃત્યુ થયેલ છે.
આજે ગુજરાતમાં દારૂ, ચરસ, ગાંજો અને હાઈ પ્રોફાઈલ ડ્રગ્સના રવાડે યુવાધન ચઢી ગયેલ છે, સાંસદ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં તારીખ 21 સપ્ટેમ્બરના રોજ 21000 કરોડ નું 3000 કિલો, 22 મે ના રોજ 500 કરોડનું 56 કિલો ગ્રામ અને જુલાઈ 22 ના રોજ 375 કરોડનું 75 કિલો ડ્રગ્સ ગુજરાતના મુદ્રા પોર્ટ પરથી પકડાયું હતું, એક જ પોર્ટ પર વારંવાર શા માટે ડ્રગ્સ મળી આવે છે અને ગુજરાતની કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા સાથે જ તેમણે પૂછ્યું હતું કે, ગુજરાતના યુવાનોને નશામાં ધકેલીને ડ્રગ્સ અને દારૂ માફિયાઓને સંરક્ષણ કેમ અપાઈ રહ્યું છે?
ગાંજો ડ્રગ્સ લેવામાં વપરાતા ગોગો સાધનને એમેઝોન દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પાર્સલ કરવામાં આવ્યું, ઓર્ડર નંબર 403-8593093-675314
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોર્ડીનેટર હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, યુવા પેઢીને નશાખોરીથી રોકવામાં આવે તેના માટે નશાખોરી માટે વપરાતા સાધનો જે ખુલ્લેઆમ GST બિલ સાથે મળી રહ્યા છે અને તેના પુરાવા રૂપે આવા જ સાધનને આજે મુખ્યમંત્રીશ્રીને ઓનલાઈન સેલિંગ એપ દ્વારા પ્રિપેઇડ ઓર્ડર કરવામાં આવેલ છે માટે સરકારને અપીલ છે કે આવા સાધનોનો સમગ્ર ગુજરાત અને દેશમાં વાપરવા/વેચવા માટે પ્રતિબંધ મુકવામાં આવે અને યુવા પેઢીને નશાખોરીના દુષણમાંથી બહાર કાઢવામાં આવે.