અમદાવાદ
અમદાવાદની સાબરમતી નદીમાં આજે સાંજે ચાર વાગ્યે નર્મદાનું પાણી છોડવામાં આવશે. જેને પગલે અમદાવાદ જિલ્લાની આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી 10,000 ક્યુસેક પાણી છોડાશે. જેના કારણે નદીની પાણીની આવકમાં વધારો થશે. જોકે વાસણા બેરેજમાં પાણીનું લેવલ જાળવી રાખવામાં આવશે. સાબરમતી નદી ઉપર આવેલા વાસણા બેરેજની નિચાણવાળા વિસ્તાર તેમજ ધોળકા, દસક્રોઈ, બાવળા, વેજલપુર, સાણંદ, નારોલ સીટી, સાબરમતી અને ફતેહવાડી કેનાલ નજીક આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.નદીમાં હાલની સ્થિતિએ વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી 134.50 ફૂટ છે. પાણીનો કુલ જથ્થો 125 MCFT (મિલિયન ક્યુબિક ફિટ) છે. સાબરમતી નદીમાં કેટલીક જગ્યાઓ પર જળકુંભી છે. મોટા પ્રમાણમાં જળકુંભી હોવાને કારણે નવા પાણીની આવકમાં વધારો થશે.
વિપક્ષના નેતા શહેઝાદ પઠાણ
જળકુંભીના કારણે સાબરમતી નદી પ્રદૂષિત થઈ હોવાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદ પઠાણે આક્ષેપ કર્યો છે કે, નદીમાં કરોડો રૂપિયાનો ખર્ચ અને સાફ સફાઈના કોન્ટ્રાક્ટ બાદ પણ સાબરમતી નદી જળકુંભી પાણીની વેલથી છલોછલ ભરેલી છે. રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી આવવાના હોવાથી સાબરમતી નદીનું પાણી વાસણા બેરેજથી ખાલી કરી નર્મદા નદીનું નવું પાણી ભરવાની કાર્યવાહી આજે કરશે એક તરફ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી, જ્યારે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવવાના હોવાથી પાણી વેડફવામાં આવશે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે, સાબરમતી નદીમાં જળકુંભીની વેલ તથા અન્ય કચરો દુર કરવા મ્યુનિ.કોર્પો.દ્વારા રૂા.૫.૦૦ કરોડના ખર્ચે સ્વીમર મશીન વસાવેલાં છે.તેનાં મેઇન્ટેન્સ માટે વર્ષે રૂા.૧.૫૦ કરોડના ખર્ચે કામ પણ આપવામાં આવેલ છે.તો પછી નદીમાં રાતો રાત જળકુંભીની વેલ પથરાઇ જવા પામેલ નથી તો સમયાંતરે કેમ તે વેલ દુર કરવામાં આવી નહી મોટા ભાગના તંત્રના અધિકારીઓ તથા ભાજપના સત્તાધીશો દરરોજ નદી પરથી પસાર થાય છે ત્યારે તંત્રના અધિકારીઓ ભાજપના સત્તાધીશો તથા તે કામના કોન્ટ્રાકટરના ધ્યાનમાં આ બાબત કેમ આવી નહી . અમદાવાદના પૂર્વ વિસ્તારના કોતરપુર, નાના ચિલોડા, સહિત આસપાસના વિસ્તારોમાંથી ગટરના પાણી ગેરકાયદેસર રીતે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહયાં છે જેના કારણે સાબરમતી નદીનું પાણી પ્રદુષિત થવા પામેલ છે જેને કારણે અગાઉની કેન્દ્રની યુ.પી.એ. સરકાર દ્વારા સાબરમતી નદીને સ્વચ્છ તેમજ પોલ્યુશન મુક્ત કરવા બાબતે નેશનલ રિવર કોન્ઝર્વેશન પ્લાન હેઠળ તે સમયે રૂા.૧૦૦ કરોડથી પણ વધુ રકમની મદદ કરેલ જે તંત્રની બેદરકારીને કારણે વ્યર્થ ગઇ એક તરફ મ્યુનિ. કોર્પો સ્વચ્છતા સર્વેક્ષણ ના નામે કરોડો રૂા.નો વ્યય કરે છે તો બીજી તરફ સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજય ! આવી વિસંગતતા કેમ ?
રાજ્ય સરકાર પાસેથી પાણી ખરીદવા બાબતે પણ નાણાં ચૂકવવા પડે છે જેને કારણે મ્યુનિ.કોર્પો પર મોટું નાણાંકીય ભારણ આવે છે તે માટે મ્યુનિ કોપોના ભાજપના સત્તાધીશો તેમજ તંત્ર જ જવાબદાર છે. તેથી પ્રજાહિતમાં સાબરમતી નદી કાયમી રીતે સ્વચ્છ રાખવા બાબતના તમામ કામો ચોક્કસ સમયાંતરે થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ સાબરમતી નદીમાં હાલ જળકુંભીની વેલ નદીના મોટાભાગના પટમાં ફેલાઇ જવા પામેલ છે સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજય ફેલાઇ ગયેલ છે જેને કારણે નદી ખાલી કરવાની તંત્ર તથા સત્તાધીશોને ફરજ પડેલ છે તે માટે જે તે અધિકારી કોન્ટ્રકટર દ્વારા દાખવેલ બેદરકારી બાબતે જે કોઇ પણ જવાબદાર હોય તેની સામે તાકીદે કાર્યવાહી કરવા કૉંગ્રેસની માંગણી છે.