ગાંધીનગર જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગ માટે જમીન ફાળવવા પંચાયત મંત્રીને રજૂઆત કરાઈ હતી. તેમાં ગાંધીનગર મનપા વિસ્તારમાં ખાલી પડેલી જગ્યા સહિતની માહિતી સાથે મુખ્યમંત્રી, પંચાયત મંત્રી સહિતને રજૂઆત કરવાનું જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને વહીવટી તંત્રે નક્કી કર્યું છે.સમગ્ર રાજ્યનું સંચાલન જ્યાંથી કરવામાં આવી રહ્યું છે તેવા ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરી પાસે પોતાનું મકાન જ નથી. હાલમાં કાર્યરત ગાંધીનગર જિલ્લા પંચાયતનું મકાન ગાંધીનગર તાલુકા પંચાયતનું મકાન છે. હાલનું તાલુકા પંચાયતનું મકાન પણ સાડા ચાર દાયકા જૂનું હોવાથી રિપેરિંગ માગી રહ્યું છે.જાેકે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં સાડા ત્રણ દાયકા સુધી કાૅંગ્રેસનું શાસન રહ્યું છે જ્યારે રાજ્યમાં ભાજપ સરકાર હોવાથી રાજકીય કિન્નાખોરીને પગલે ગાંધીનગર જિલ્લા પંચાયતના નવીન મકાન માટે જમીન ફાળવવામાં આવી નથી. આથી અંદાજે બે દાયકા પહેલાં જિલ્લામાં માત્ર ગાંધીનગર એક જ તાલુકો હતો. પરંતુ હાલમાં દહેગામ, માણસા અને કલોલ તાલુકાઓનો સમાવેશ થયો છે. જેને પરિણામે જિલ્લાની વહીવટી કામગીરી પણ વધી જવા પામી છે. ઉપરાંત જિલ્લા પંચાયતનું મકાન પણ નાનું પડી રહ્યું છે. જ્યારે હાલમાં ગાંધીનગર જિલ્લા પંચાયત, રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ભાજપનું જ શાસન છે. ગાંધીનગર જિલ્લા પંચાયતને નવા મકાન માટે જમીન સરળતાથી મળી જશે તેવી આશા હતી પરંતુ જિલ્લા પંચાયતનું શાસન હસ્તક કર્યાને દોઢ વર્ષ જેટલો સમય થવા છતાં હજુ સુધી જિલ્લા પંચાયતના મકાન માટે જમીનનો કોઈ જ મેળ પડતો નથી. ત્યારે ગત બુધવારે જિલ્લા પંચાયતના આંકડાશાખાના પ્રારંભ માટે આવેલા પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની સામે જિલ્લા પંચાયતના નવા મકાન માટે રજૂઆત કરી હતી.
ગાંધીનગર જિલ્લા પંચાયતના નવીન મકાન માટે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં જમીનની વિગતો લઇને રજુઆત કરો અને ત્યારબાદ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરીને ર્નિણય લેવાશે તેમ પંચાયત મંત્રીએ જણાવ્યું હોવાનું જિલ્લા પંચાયતના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતના નવીન મકાન માટે લેકાવાડા, ચિલોડા, ડભોડા, તારાપુર સહિતના વિસ્તારોમાં અગાઉ જમીન આપવાની ચર્ચા ચાલી હતી. પરંતુ તેનાથી મુલાકાતીઓને હાલાકી પડી શકે છે. ઉપરાંત મનપા વિસ્તારમાં મકાન માટે જમીન આપવામાં આવે તો અન્ય કચેરીઓમાં જવાનું સરળ બને તેમજ ડેપો હોવાથી બસની સુવિધા પણ મળી શકે તે માટે મનપા વિસ્તારમાં જમીન માંગવી જરૂરી છે.