કીડની, લીવર અને હ્રદય ટ્રાન્સપ્લાન્ટની સારવાર સંર્પૂણ ફ્રી
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દ્વારકા ચિંતન શિબિરને અંતે જાહેર કરાયેલ “દ્વારકા ઘોષણાપત્ર”માં નીર્દેશ કર્યા મુજબ આજે “તંદુરસ્ત નાગરીક-તંદુરસ્ત રાજ્ય” સંકલ્પપત્રની જાહેરાત કરતાં ગુજરાત પ્રદેક કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક ડો. સી. જે. ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણી પછી બનનારી કોંગ્રેસ સરકાર ગુજરાતના નાગરીકો માટે તમામ સરકારી દવાખાનાઓને ફાઈવ સ્ટાર કક્ષાનાં બનાવીને તમામ નાગરીકોને તમામ રોગોની સારવાર ફ્રી, માન્ય ખાનગી દવાખાનાઓમાં રૂ.૧૦ લાખ સુધીની સારવાર ફ્રી, કીડની, લીવર અને હ્રદય ટ્રાન્સપ્લાન્ટની સારવાર સંર્પૂણ ફ્રી, દરેક ગામો અને નગરપાલિકા વોર્ડોમાં આધુનિક સુવિધા સાથેના “જનતા દવાખાના”, આંતરીયાળ ગામોમાં ફરતાં દવાખાનાં, સરકારી દવાખાનાઓમાં નિષ્ણાંત ડોકટરોની નિમણુંક, જીલ્લા કક્ષાની હોસ્પિટલોમાં તમામ ગંભીર રોગોની વિના મુલ્યે સારવાર, મેડકીલ કોલેજો અને દવાખાનાઓમાં પુરા પગારથી ડોકટરો અને સ્ટાફની નિમણુંક, આયુષ પધ્ધતિથી સારવારને પ્રોત્સાહન અને વ્યવસ્થા, આરોગ્ય માનવ સુચકાંક સુધારવા સઘન પ્રયાસોના અમલ કરવાની ખાત્રી ચુંટણી ઢંઢેરાના ભાગ તરીકે આપીએ છીએ.
૨૦૨૨ની વિધાનસભાની ચુંટણીઓ પછી કોંગ્રેસ પક્ષની સરકાર માટેના નવા સંકલ્પપત્ર-ચુંટણી ઢંઢેરાની કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા અને ભાવનગર ખાતેથી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે બનાવેલ અને આજે અસ્તિત્વ ધરાવતાં મોટા ભાગના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા સીવીલ હોસ્પિટલોને ભાજપે ડોકટર અને નર્સીંગ સ્ટાફ વિહીન તથા ખંડેર બનાવી દીધા છે. કોંગ્રેસ પક્ષની સરકાર ભાજપની ખાનગીકરણની નિતિને ઉલટાવીને માનવજીવન સાથે સંકળાયેલ નવી આરોગ્ય નીતિ આપશે. આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાતને દેશનું પ્રથમ હરોળનું અવલ નંબરનું રાજ્ય બનાવવા માટે નીચે મુજબના મહત્વાકાંક્ષી સંકલ્પ પત્રની જાહેરાત કરી હતી.
(૧)ફાઈવ સ્ટાર કક્ષાની સરકારી હોસ્પિટલો અને વિના મુલ્યે સારવારઃ- ભારતીય જનતા પાર્ટીના ૨૭ વર્ષના શાસનમાં કોંગ્રેસ પક્ષે બનાવેલ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો, રેફરલ અને સીવીલ હોસ્પિટલોને ભાજપે ખંડેર જેવી બનાવી દીધી છે. આ હોસ્પિટલોને કોર્પોરેટ હોસ્પિટલોની સમકક્ષ NABH એક્રેડીશન મેળવીને ફાઈવ સ્ટાર કક્ષાની બનાવાશે તથા આ હોસ્પિટલોમાં તમામ પ્રકારના રોગોની સારવાર વિનામુલ્યે અપાશે.
(૨)રૂ. ૧૦ લાખ સુધીની સારવાર ખર્ચ આધુનિક સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર ફ્રીઃ- રાજ્યના નાગરીકોને ગુણવત્તાયુક્ત સારવાર આધુનિક સરકારી કે ખાનગી હોસ્પિટલમાંથી મેળવી શકે તે માટે દરેક નાગરીકનો રૂ.૧૦ લાખ સુધીનું વિમા કવચ મેળવીને દરેક માન્ય હોસ્પિટલોમાં રૂ.૧૦ લાખ સુધીની સારવાર વિનામુલ્યે મેળવી શકશે.
(૩)દરેક નાગરીક માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ફ્રીઃ- અત્યારે કીડની, લીવર અને હ્રદય જે નાગરીકોના નબળા હોઈ તેના કારણે વહેલાં મૃત્યુ થતાં હોય છે. મેડીકલ ટેકનોલોજી ઉપલબ્ધ થતાં કીડની, લીવર અને હ્રદય દાતા(ડોનર) પાસેથી અથવા તો જેનું બ્રેઈન ડેડ થયેલ હોય તેના અવયવો મેળવીને કીડની, લીવર અને હ્રદય હોય તેનામાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે પરંતુ આ સારવાર ખૂબ જ મોંઘી હોવાથી સામાન્ય નાગરીકોને પરવડતું નથી. સરકાર આ પ્રકારની તમામ સારવાર (ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સારવાર) સંર્પૂણ ફ્રી કરી આપશે. એટલું જ નહીં પરંતુ નાગરીકોમાં જાગૃતિ અને કાનુન ન હોવાના કારણે બ્રેઈન ડેડ નાગરીકોના ઓર્ગન મેળવી શકાતા નથી. જે નાગરીકોએ ઓર્ગન ડોનેશન કરવાની જીવિત અવસ્થામાં જાહેરાત કરી હશે તેમના ઓર્ગન મેળવી શકાય તે માટે કાયદો બનાવવામાં આવશે.
(૪)જીલ્લા કક્ષાની હોસ્પિટલોમાં ગંભીર પ્રકારના રોગોની વિના મુલ્યે સારવારઃ- હ્રદય રોગ, કીડની, કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર અન્યારે માત્ર મોટા શહેરોમાં ઉપલબ્ધ છે. કોંગ્રેસની સરકાર તમામ જીલ્લા કક્ષાની હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરો સાથેના આ પ્રકારના ગંભીર રોગોના વોર્ડ શરૂ કરીને સારવાર વિનામુલ્યે ઉપલબ્ધ કરાવશે.
(૫)દરેક સરકારી દવાખાનાઓ અને મેડીકલ કોલેજોમાં નિયમિત રીતે પુરા પગારથી ડોકટરો, નર્સીંગ સ્ટાફની પારદર્શક નિમણુંક કરાશે. કોન્ટ્રાકટ અને ફિકસ પગાર પ્રથા નાબૂદ કરીને શોષણ વ્યવસ્થા નાબૂદ કરવાની સાથે ગુણવતાવાળા સ્ટાફની નિમણુંક કરાશે.
(૬)દરેક ગામ અને શહેરના દરેક વોર્ડમાં સરકારી જનતા દવાખાના, સરકારી ડોકટરોની દરેક ગામો અને શહેરોના વોર્ડમાં નાગરીકોને ઘર આંગણે સેવા ઉપલબ્ધ થઈ શકે તે માટે સરકારી “જનતા દવાખાના”ની સ્થાપના કરાશે. સમગ્ર રાજ્યમાં આવાં ૧૦ હજાર દવાખાનાં ઉભાં કરાશે.
(૭)આંતરીયાળ-આદિવાસી વિસ્તારોમાં ફરતાં દવાખાનાઃ- આંતરીયાળ ગામો અને આદિવાસી વિસ્તારોમાં નાગરીકોને ઘરઆંગણે ડોકટરોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આધુનિક સુવિધાઓથી સજ્જ ફરતાં દવાખાનાઓ “હોસ્પિટલ ઓન વ્હીલ્સ” શરૂ કરાશે.
(૮)દરેક સરકારી હોસ્પિટલો તથા શહેરોમાં સસ્તા દરની ગુણવત્તા સાથેનો “જેનરીક મેડીકલ સ્ટોર”- બજારમાં મૂળ ભાવ કરતાં અનેકગણા ભાવે દવાઓનું માર્કેટીંગ કરીને વેચાણ થાય છે. મુળ ભાવ કરતાં આવી દવાઓના ૫-૧૦-૨૦ ગણા ભાવો લેવાય છે. સસ્તા ભાવે ગુણવત્તાવાળી દવાઓ મળી રહે તે માટે હોસ્પિટલો સાથે જોડાયેલ “જેનરીક મેડીકલ સ્ટોર” શરૂ કરીને દર્દીઓને તદ્દન વ્યાજબી ભાવે ગુણવત્તાવાળી દવાઓ ઉપલબ્ધ કરાવાશે.
(૯)આયુષ પધ્ધતિથી દર્દીઓની સારવારઃ- આર્યુવેદિક, યુનાની, હોમિયોપેથી અને નેચરોપથી આયુષ પધ્ધતિથી દર્દીઓને કોઈ આડઅસર વગર સારવાર કરી શકાય તે માટેની “આયુષ નીતિ” જાહેર કરીને આયુષ પધ્ધતિની સારવાર માટેની માળખાકીય અને નિષ્ણાંત ડોકટરોની સેવા ઉપલબ્ધ કરાશે. “ફરતાં આયુષ દવાખાનાં” શરૂ કરાશે. આયુષ પધ્ધતિનો અભ્યાસ અને સંશોધન સઘન બનાવાશે.
(૧૦)કુપોષણ નાબૂદીઃ- તંદુરસ્ત માતા-તંદુરસ્ત બાળક, તંદુરસ્ત બાકળ-તંદુરસ્ત દેશઃ- આ સુત્રને સાકાર કરવા માટે માતા અને બાળકોમાંથી કુપોષણને નાબૂદ કરવા માટે એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ જાહેર કરીને કુપોષણ ધરાવતા તાલુકાઓમાં કુપોષણ નાબૂદ કરવાનાં કેન્દ્રો શરૂ કરાશે. દરેક કુપોષિત માતા અને બાળકની નિયમિત મુલાકાત, પુરક આહાર અને દવાઓ નિયમિત આપીને કુપોષણને દેશવટો આપીને ગુજરાતને સૌથી કુપોષિત રાજ્યની નામાવલીમાંથી મુકત્ત કરાશે.
(૧૧)તંદુરસ્ત નાગરીક-તંદુરસ્ત રાજ્યઃ- “Prevention is better than cure”ના સિધ્ધાંત ઉપર દરેક નાગરીકને સશક્ત અને રોગમુક્ત રાખવા માટે દરેક ગામો અને વિસ્તારોમાં રમત-ગમતનાં મેદાનો, ઈન્ડોર રમતો માટેની સુવિધાઓ દરેક શાળા-કોલેજોમાં તથા ગામો અને શહેરી વિસ્તારોમાં શરૂ કરાશે અને આવા સેન્ટરોમાં નિષ્ણાંત સંચાલકો અને કોચની નિમણુંકો થશે.
(૧૨)દીકરા-દીકરીનો સમાન જન્મદરનો લક્ષ્યાંકઃ- દીકરા-દીકરીના અસમાન જન્મદરમાં ગુજરાત સૌથી પાછળની કક્ષાનું રાજ્ય છે. અમુક જાતિ-સમુહોમાં તો એક-એક ગામોમાં કન્યાના અભાવે અનેક યુવાનોનાં લગ્ન થતાં નથી એટલું જ નહીં કન્યા કેન્દ્રનું પ્રમાણ ખુબ વધી ગયું છે. સમાજમાં અનેક સામાજીક, માનસીક પ્રશ્નો ઉભા થયા છે.
જે વર્ગ-જાતિ-સમુહોમાં દીકરીઓના જન્મ દરનું પ્રમાણ ઓછું છે. તે જાતિ-સમુહોના પરિવારમાં માત્ર દીકરીઓ વાળા જ દંપતિઓની પુત્રીના નામે દર વર્ષે રૂ.૩૬,૦૦૦ દિકરીના એકાઉન્ટમાં જમા કરાવશે અને આ દિકરીઓ પુખ્ત ઉંમરની થશે ત્યારે દરેક દીકરીને રૂ.૩૦ લાખ મળવાપાત્ર થશે. આ મહત્વાકાંક્ષી કાર્યક્રમથી દીકરા-દીકરીનો જન્મદર સમાન કરવાના ધ્યેયને પ્રાપ્ત કરીને રાજ્યને પ્રથમ કક્ષાનું રાજ્ય બનાવાશે.
(૧૩)માતા અને બાળકોના મૃત્યુદર ઘટાડીને ગુજરાતને માતા અને બાળકોની તંદુરસ્તીમાં પ્રથમ નંબરનું રાજ્ય બનાવવાનું ધ્યેયઃ- માતા અને ૦-૫ વર્ષના બાળકોના મૃત્યુદરમાં ગુજરાત હજી પણ છેવાડાના રાજ્યોમાં સામેલ છે. ગુજરાતમાં ૦-૫ વર્ષના બાળમૃત્યુ દર (IMR) ૨૫ છે. જ્યારે કેરાલામાં IMR ૬ છે. તેજ રીતે પ્રસુતા માતા મૃત્યુદર (MMR) ૭૦ છે. જ્યારે કેરાલામાં MMR ૩૦ છે. ગુજરાતને માતા અને બાળકોની તંદુરસ્તી અને જીવીત રહેવાના દરમાં દરેક હોસ્પિટલોમાં ગર્ભવતી માતા અને બાળકોની તંદુરસ્તી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગર્ભવતી માતાની તેમના ઘરે જ સારવાર અને કાળજી લેવાની વ્યવસ્થા નિષ્ણાંત ડોકટરો અને નર્સીંગ કેરની વ્યવસ્થા અને પૂરક આહારની વ્યવસ્થા ગોઠવાશે. સરકારી હોસ્પિટલમાં ગાયનેક અને ચિલ્ડ્રન વોર્ડને આધુનિક બનાવીને IMR અને MMRનો આંક યુરોપ અને અમેરીકાની સમકક્ષ લવાશે.
(૧૪)ગુજરાતના જનતાના આરોગ્ય માટેનું બજેટ બજેટના ૭ ટકા રખાશેઃ- માતા-બાળકો-તરૂણો-યુવાનો-વડીલોનું આરોગ્ય અને સુખ સુવિધાને ટોચની અગ્રતા આપવા માટે આરોગ્ય વિભાગનું બજેટ નહીંવત છે તેને વધારીને ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’ના માપદંડ પ્રમાણે લઈ જવાશે અને આરોગ્ય માનવ સુચકાંકનાં વૈશ્વિક ધોરણોનું ધ્યેય પ્રાપ્ત કરાશે.
વર્તમાન ભાજપની ગુજરાત સરકારે ૨૭ વર્ષના શાસનમાં અને મોટા ઉદ્યોગ ગૃહોને રાજ્યની સંપતિ લુંટાવવામાં કશું બાકી રાખ્યું નથી. કોંગ્રેસના શાસનમાં આજે ઉપલબ્ધ છે તેમાંથી ૯૦ટકા પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સીવીલ હોસ્પિટલોની સ્થાપના કરી એટલું જ નહીં પુરા પગારથી પુરતા ડોકટરો અને સ્ટાફની નિમણુંક કરી હતી. સરકારી ફીથી મેડીકલ કોલેજોમાં એડમીશન મળતાં હતાં. કોંગ્રેસની સરકાર ફરીથી ઉત્તમ કક્ષાની વિના મુલ્યે આરોગ્ય સેવાઓ પુરી પાડીને ગુજરાતને માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું આરોગ્યના ક્ષેત્રમાં અનોખું મોડલ પુરું પાડશે.