મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાતને ગ્રોથ એન્જીન બનાવવામાં અને ગુજરાતની કલામય સંસ્કૃતિના જતનમાં ભરવાડ સમાજનું બહુમૂલ્ય યોગદાન છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ”ના મંત્ર સાથે નાનામાં નાના માણસને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાની ચિંતા કરે છે. આ મંત્રને આત્મસાત કરીને ગોપાલક સમાજે પણ વિકાસ સાધ્યો છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે પંચામૃત મહોત્સવના શુભારંભ પ્રસંગે પ્રેરક હાજરી આપી પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપત્તિઓને આશીર્વાદ આપ્યા હતા. તેમણે સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી સ્થાન શ્રી ગ્વાલીનાથ મહાદેવના ચરણે શીશ નમાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વધુમાં કહ્યું કે, થરા સમૈયો -પંચામૃત મહોત્સવમાં ધર્મ, ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ રચાયો છે. પૂજ્ય મહંત બ્રહ્મલીન શ્રી શિવપુરી બાપુના દિવ્ય પ્રતાપ અને પ્રેરણાથી આ શક્ય બન્યું છે. ભરવાડ ગોપાલક સમાજે કૃષ્ણમય સંસ્કૃતિને જીવંત રાખી છે, ભગવાન શ્રી કૃષ્ણ એમની સાથે હોવાનો આત્મવિશ્વાસ આ સમાજને આત્મનિર્ભર બનાવે છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભરવાડ સમાજ કે અન્ય કોઇ પણ સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે સરકાર દરેક સમાજની સાથે છે. ભરવાડ સમાજ આગવી પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આઝાદીના અમુત મહોત્સવ પ્રસંગે આત્મનિર્ભર ગુજરાત અને વિકસીત ગુજરાત બનાવવામાં સૌએ યોગદાન આપવાનું છે.
સમસ્ત ગોપાલક-ભરવાડ સમાજની ગુરુગાદી શ્રી ગ્વાલીનાથ ધામના મહંત શ્રી ઘનશ્યામપુરીજી મહારાજે આ પ્રસંગે સમસ્ત ભરવાડ સમાજ અને ગુરૂગાદી વતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવકાર્યા હતા.
પ્રાસંગિક ઉદબોધન કરતા તેમણે કહ્યું કે, ૯૧૪ વર્ષ પહેલાં અહીં થરાની ધરતી પર ૩૦૦૫ દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા. ફરી એકવાર ઈતિહાસનું પુનરવર્ત થયું છે ને આજે ૩૦૦૧ દીકરીઓના સમૂહ લગ્ન સૌના સાથ સહકાર સેવા અને સમર્પણથી સંપન્ન થયા છે. આ પ્રસંગે તેમણે સમાજના પરંપરાગત પહેરવેશ એવા પાઘડી અને કોટી પહેરાવી મુખ્યમંત્રીશ્રીનું હર્ષભેર સ્વાગત કર્યું હતું.
મહંતશ્રીએ ગોપાલક ભરવાડ સમાજ પણ અન્ય સમાજની સાથે વિકાસ સાધી શકે એ માટે શિક્ષણની જરૂરીયાત પર ભાર મુકતા સમાજને શિક્ષણનો વ્યાપ વધારવા અપીલ કરી હતી.
થરા સમૈયો- પંચામૃત મહોત્સવમાં ૩૦૦૧ દિકરીઓના સમૂહ લગ્ન, મહારૂદ્ર યજ્ઞ, ભંડારા મહોત્સવ, પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરાયું છે.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી, ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી, મહોત્સવના યજમાનશ્રી બેચરભાઇ ભરવાડ, ધારાસભ્યશ્રી માવજીભાઇ દેસાઈ અને શ્રી લવીંગજી ઠાકોર, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચાૈહાણ, શ્રી અણદાભાઇ પટેલ, કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત અધિકારી-પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.