અમદાવાદ
અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરી 2023ના રોજ છઠ્ઠી અર્બન20 (U20) સાઇકલની સિટી શેરપા બેઠકની પ્રારંભિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 40 શહેરોમાંથી 70થી વધુ પ્રતિનિધિઓ અને સહભાગી તેમજ નિરીક્ષક શહેરોના 200થી વધુ સહભાગીઓએ હાજરી આપી હતી, તેમજ U20 સંયોજકો, વિવિધ કાર્યકારી સમૂહોના પ્રતિનિધિઓ અને G20ના જોડાણ સમૂહો, સરકાર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય આમંત્રિત મહેમાનોએ પણ તેમાં ભાગ લીધો હતો.કાર્યક્રમના બીજા દિવસે, લગભગ 40 પ્રતિનિધિઓએ વિશ્વ ધરોહરમાં સમાવવામાં આવેલા અમદાવાદ શહેરના કોટ વિસ્તારની મુલાકાત લીધી હતી, જ્યાં તેમના માટે વહેલી સવારે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.બીજા દિવસે ઔપચારિક સત્રોની શરૂઆત ચર્ચા-વિચારણા સાથે થઇ હતી જે સિટી શેરપાઓની બેઠક તરીકે ઓળખવામાં આવતી કોઇપણ U20 સાઇકલમાં કેન્દ્ર સ્થાને હોય છે. દિવસ પૂર્વાર્ધમાં U20 સંયોજકો દ્વારા સંચાલિત સત્રમાં, અમદાવાદ શેરપાએ છઠ્ઠી U20 સાઇકલ માટે સૂચિત છ અગ્રતાના ક્ષેત્રો રજૂ કર્યા હતા અને ત્યારબાદ દરેક અગ્રતા પર ચર્ચાના રાઉન્ડ યોજવામાં આવ્યા હતા. સંખ્યાબંધ સહભાગી અને નિરીક્ષક શહેરોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા અને સંખ્યાબંધ સૂચિત અગ્રતા ક્ષેત્રોને સમર્થન આપ્યું હતું. શહેર પ્રમુખ અને અમદાવાદ શેરપા શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા આની નોંધ લેવામાં આવી હતી અને આ સહયોગને આગળ વધારવા તેમજ સામૂહિક રીતે ફાઇનલ સંદેશાવ્યવહારનો મુસદ્દો તૈયાર કરવા માટે U20 શહેરોના સમર્થનનું આહ્વાન કર્યું હતું.બીજા સત્રમાં, પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય શ્રી સંજીવ સાન્યાલના માર્ગદર્શન હેઠળ, G20ના અન્ય જોડાણ સમૂહો અને U20ની પ્રાથમિકતાઓ વચ્ચે એક કેન્દ્રિતાના ક્ષેત્રોનું અન્વેષણ કરવામાં આવ્યું હતું. સત્રમાં અનુક્રમે સ્ટાર્ટ-અપ 20 જોડાણ સમૂહ, થિંક 20 જોડાણ સમૂહ અને યુવા 20 જોડાણ સમૂહમાંથી શ્રી ચિંતન વૈષ્ણવ, શ્રી જ્હાન્વી ત્રિપાઠી અને શ્રી આકાશ ઝા દ્વારા રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનનો સમાવેશ થાય છે. આ સત્રમાં ગુજરાત સરકારના આર્થિક બાબતોના અગ્ર સચિવ શ્રી મોના ખંધાર દ્વારા ગુજરાતની G20 જોડાણ અંગે રજૂ કરાયેલું પ્રેઝન્ટેશન પણ સામેલ છે.
સમાપન સત્રમાં, અમદાવાદના માનનીય મેયર, શ્રી કિરીટકુમાર જે. પરમારે કાંકરિયા તળાવ ખાતે યોજવામાં આવેલા વિદાય ડીનર (રાત્રિભોજન) માટે તમામ પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું હતું. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસને અમદાવાદમાં લેવામાં આવેલી શહેરી પહેલો વિશે વાત કરી હતી, જેના પગલે તેમણે શહેરના પ્રતિનિધિઓ સાથે ઇન્ટરેક્ટિવ સત્ર માટે માળખું ખુલ્લુ મૂક્યું હતું. શહેરના પ્રતિનિધિઓએ અમદાવાદ દ્વારા આપવામાં આવેલ અદ્ભુત આતિથ્યની ખૂબ પ્રશંસા કરી હતી. ત્યારબાદ અમદાવાદ શહેર શેરપા દ્વારા આપવામાં આવેલા આભાર વચન સાથે સત્રને સમાપ્ત કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ પ્રતિનિધિઓ, G20 નેતૃત્વ, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, ગુજરાત સરકાર, અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કમિશનર અને તમામ અધિકારીઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે U20 સંયોજકો, રાષ્ટ્રીય શહેરી બાબત સંસ્થા અને અન્ય સંગઠનાત્મક ભાગીદારો દ્વારા નિભાવવામાં આવેલી ભૂમિકાનો પણ સ્વીકાર કર્યો હતો.
અમદાવાદના માનનીય મેયર દ્વારા U20 પ્રતિનિધિઓ માટે કાંકરિયા તળાવ ખાતે યોજવામાં આવેલા ભવ્ય વિદાય ડીનર સાથે દિવસનું સમાપન થયું હતું. ડીનરની સાથે સાથે ગુજરાતના પરંપરાગત નૃત્યોનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
U20 સિટી શેરપા બેઠકની મુખ્ય બાબતો નીચે મુજબ છે
યુ 20 ઇન્સેપ્શન મીટિંગમાં વિશ્વભરના 200થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો.
સિટી શેરપા મીટિંગમાં 42 શહેરોના પ્રતિનિધિઓ અને શેરપાએ ભાગ લીધો હતો, જે યુ20 એન્ગેજમેન્ટ ગ્રૂપની શરૂઆતથી અત્યાર સુધીમાં યુ20 સહભાગી અને નિરીક્ષક શહેરોમાંથી સૌથી મોટી ભાગીદારી છે.
ઉદ્ઘાટન સત્રમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જી20 શેરપા શ્રી અમિતાભ કાંતે તેમનાં ઉદ્ઘાટન સંબોધનમાં, આર્થિક વિકાસને આગળ ધપાવવા માટે ટકાઉ શહેરીકરણનાં મહત્વ પર ભાર મૂક્યો હતો અને આયોજિત અને વૈજ્ઞાનિક રીતે સંચાલિત વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એકઠા થયેલા તમામ પ્રતિનિધિઓને એક એવી દુનિયાના રાજદૂત બનવા હાકલ કરી હતી, જે શહેરોને ડી-ગ્લોબલાઇઝિંગ, ડિકાર્બનાઇઝિંગ અને ડિજિટાઇઝ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે યુ20 એન્ગેજમેન્ટ ગ્રૂપને જી20ના નેતાઓ દ્વારા વિચારણા કરી શકાય તેવી સ્પષ્ટ, ચોક્કસ અને કાર્યવાહી કરી શકાય તેવી ભલામણો પૂરી પાડવા વિનંતી કરી હતી અને ખાતરી આપી હતી કે જી-20નો એજન્ડા અસરકારક પરિવર્તન લાવવામાં શહેરોનાં મહત્વને ચોક્કસપણે પ્રતિબિંબિત કરશે.
ભારત સરકારના કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ તેમનાં વર્ચ્યુઅલ સંબોધનમાં વૈશ્વિક શાસનનાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાવિચારણા અને કામગીરીનું નેતૃત્વ કરવામાં ભારતની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે યુ20 જૂથને વૈશ્વિક પીઅર લર્નિંગ અને એક સ્વપ્નદ્રષ્ટા રોડમેપ બનાવવાની તક તરીકે રજૂ કર્યું જે જી ૨૦ એજન્ડાને આગળ ધપાવી શકે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જી-20ના નેતાઓ સમક્ષ આપણે રજૂ કરવા માગીએ છીએ તે મુખ્ય પ્રાથમિકતાઓ પર વિચાર-વિમર્શ કરવા અને સંયુક્ત સ્થિતિ વિકસાવવા માટે શેરપા બેઠકનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયના સચિવ શ્રી મનોજ જોશીએ શહેરી આયોજન માળખામાં સુધારા માટે હાકલ કરી હતી અને સ્થાયી જાહેર પરિવહન, આબોહવામાં પરિવર્તન સંક્રાંતિઓ અને સ્થાયી પાણી અને કચરાનાં વ્યવસ્થાપન માટે માળખાગત નાણાંની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ માટે એકીકરણનાં સંભવિત ક્ષેત્રો, આપત્તિ અનુકૂલનમાં સુધારો કરવા, શહેરોમાં શમન અને પ્રતિક્રિયા અને ડિજિટલ ગવર્નન્સને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ત્રણ જી20 કાર્યકારી જૂથોના અધ્યક્ષો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપ, ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રૂપ અને ડિજિટલ ઇકોનોમી વર્કિંગ ગ્રૂપનો સમાવેશ થાય છે.
યુ20 અને જી20નાં અન્ય સંલગ્ન જૂથો વચ્ચે સમન્વયનાં ક્ષેત્રો, ખાસ કરીને શહેરો યુવાનોને જોડવામાં અને તેમના માટે તકો ઊભી કરવામાં, એક મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સુવિધા પૂરી પાડવામાં અને પર્યાવરણ, આબોહવા ધિરાણ, જળ સુરક્ષા અને ડિજિટલ ગવર્નન્સનાં ક્ષેત્રોમાં નવીન વ્યૂહરચનાઓને પ્રોત્સાહન આપવા માટે શહેરો ભૂમિકા ભજવી શકે છે, એના પર સ્ટાર્ટઅપ 20ના અધ્યક્ષ અને યુથ 20 અને થિંક 20ના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદના સિટી શેરપા શ્રી પ્રવીણ ચૌધરીએ ચેર સિટી દ્વારા પ્રસ્તાવિત છ પ્રાથમિકતાવાળાં ક્ષેત્રો પ્રસ્તુત કર્યાં હતાં અને ઝીરો-ડ્રાફ્ટ વાતચીત અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે અગાઉનાં યુ20 ચક્ર હેઠળ કરવામાં આવેલાં કાર્યને સ્વીકાર્યું અને છઠ્ઠાં ચક્ર દરમિયાન ‘ઇરાદાથી ક્રિયા’ તરફ આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
પ્રાથમિકતાનાં ક્ષેત્રો આ મુજબ છે (1) પર્યાવરણ પ્રત્યે જવાબદાર વર્તણૂકોને પ્રોત્સાહન આપવું, (2) જળ સુરક્ષાની ખાતરી કરવી, (3) આબોહવા નાણાંવ્યવસ્થાને વેગ આપવો, (4) ‘સ્થાનિક’ ઓળખને ચેમ્પિયન બનાવવી, (5) શહેરી શાસન અને આયોજન માટે પુનઃસંશોધક માળખું ઘડવું અને (6) ડિજિટલ શહેરી ભવિષ્યોનું ઉત્પ્રેરણ કરવું.
વિવિધ સહભાગી અને નિરીક્ષક શહેરોના શહેરના પ્રતિનિધિઓએ ચેર સિટી અમદાવાદ દ્વારા સૂચિત છ અગ્રતાવાળાં ક્ષેત્રો પર વિચાર-વિમર્શ કર્યો હતો. શહેરના શેરપાએ તમામ છ અગ્રતાવાળા વિસ્તારો માટે પ્રચંડ સમર્થન વ્યક્ત કર્યું હતું અને અર્બન20ની સ્થાપનાની બેઠકમાં સહયોગી એજન્ડાને આગળ વધારવા માટે એકતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ અને વરિષ્ઠ વિષય નિષ્ણાતો દ્વારા અમદાવાદ અને ગુજરાતનાં અન્ય શહેરોમાં અમલમાં મૂકવામાં આવેલી અનેક નવીન પહેલ વહેંચવામાં આવી હતી. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, એફોર્ડેબલ હાઉસિંગ ઇનિશિયેટિવ્સ, બીઆરટીએસ અને મેટ્રો રેલ, હેરિટેજ મેનેજમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
આ ઇવેન્ટ દરમિયાન મુખ્ય સીમાચિહ્નો સાથે યુ20 ચક્ર માટેની યોજના શેર કરવામાં આવી હતી. ચેર સિટીએ જાહેરાત કરી હતી કે મેયરલ સમિટ તે 7-8 જુલાઈ 2023 ના રોજ યોજાશે જેમાં જી -20 નેતાઓને અંતિમ જાહેરાત રજૂ કરવામાં આવશે.