વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ ર૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને નક્કી કરાયેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૨૨માં દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ ૩૪ અરજીઓ અંતર્ગત રૂ. ૧૭ લાખ સહાય પેટે ચુકવવામાં આવ્યાં હોવાનું મંત્રીશ્રીએ ગૃહમાં જણાવ્યું હતું.
દિવ્યાંગ લગ્ન સહાય માટે દિવ્યાંગતાની ટકાવારી મુજબ ર૧ પ્રકારની દિવ્યાંગતાની વિગતવાર માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતામાં અંધત્વ, ઓછી દૃષ્ટી, આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય, રક્તપિત-સાજા થયેલ, એસિડના હુમલાનો ભોગ બનેલા, હલનચલન સાથેની અશક્તતા, સેરેબલપાલ્સી, વામનતા, બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ ધરાવતા દિવ્યાંગોને સહાય આપવામાં આવે છે. જ્યારે ૭૧ થી ૧૦૦ ટકા પ્રમાણમાં સાંભળવાની ક્ષતિ ધરાવતા દિવ્યાંગોને, તેમજ ૫૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતાના કિસ્સામાં ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ, સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ, ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા, બૌદ્ધિક અસમર્થતા, હિમોગ્લોબિનની ઘટેલી માત્રા, દીર્ઘકાલીન અનેમિયા, માનસિક બિમારી, ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા, વાણી અને ભાષાની અશકતતા, ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ, મલ્ટીપલ ડિસેબીલીટીઝને આ યોજનાનો લાભ આપવામાં આવે છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ સહાયની રકમ અંગે કહ્યું હતું કે, દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિના લગ્નના કિસ્સામાં રૂ.૫૦૦૦૦/- + ૫૦૦૦૦/- મળીને કુલ રૂ.૧૦૦૦૦૦/-(રૂપિયા એક લાખ) સહાય આપવામાં આવે છે અને દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિના લગ્નના કિસ્સામાં રૂ.૫૦૦૦૦/-(રૂપિયા પચાસ હજાર) સહાય આપવામાં આવે છે. આ સહાયની રકમ જિલ્લા કક્ષાએથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે લાભાર્થીના બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.
મંત્રીશ્રીએ સહાયનાં ધોરણોમાં થયેલાં સુધારાની વિગતો આપતા કહ્યું હતું કે, તા. ૨૧/૦૫/૨૦૧૬ના ઠરાવથી સહાયની રકમ રૂ.૨૦ હજારથી વધારીને રૂ.૫૦ હજાર કરવામાં આવી છે.