
સરકારે દરિયામાં આવા કેમિકલ યુક્ત કદડાને નાંખવાની યોજના પડતી મુકે : મોઢવાડિયા
ગાંધીનગર
ગુજરાત દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે અને જેટલી ધરતી ઉપરના સંસાધનો અને જીવસૃષ્ટિની વિવિધતા છે, એટલી વિવિધતા દરિયામાં રહેલી છે. તેમાં પણ શાર્ક અને ડોલ્ફિન માછલીઓ દરિયાની શોભા વધારે છે, આ શાર્ક અને ડોલ્ફિનના શિકાર ઉપર પ્રતિબંધ છે, ગુજરાતના માછીમારો આ શાર્ક અને ડોલ્ફિનને બચાવવાનું કામ કરે છે, પરંતુ તાજેતરમાં ગુજરાતના દરિયા કિનારે ડોલ્ફિનનો શિકાર કરતી ગેંગ પોરબંદર નજીકથી ઝડપાઈ તે ખતરાની ઘંટડી સમાન છે, ત્યારે વિધાનસભામાં પોરબંદરના કૉંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ નિયમ-116 મુજબ ડોલ્ફિનના શિકાર અને ઉદ્યોગોનો કેમિકલ યુક્ત કડદો દરિયામાં ઠાલવવા અંગે સરકારનું ધ્યાન દોરી દરિયાઈ જીવસૃષ્ટિની સુરક્ષા અંગે માંગ કરી હતી. કૉંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતનો દરિયા કિનારો જીવ સૃષ્ટિ અને સંશાધનોથી સમૃદ્ધ છે, આપણે ધરતી ઉપરની જીવ સૃષ્ટિ અને સંશાધનોને બચાવની કામગીરી સઘનપણે કરીએ છીએ, પરંતુ દરિયાની અંદરની જીવ સૃષ્ટિ અને સંશાધનોન અંગે જે સંશોધનો અને તેને બચાવવાની કામગીરી થવી જોઈએ તે થતી નથી. ગુજરાતના દરિયા કિનારે મળી આવતી વ્હેલ શાર્ક અને ડોલ્ફિન માછલીઓ રેર સ્પીસીસ ગણાય છે. આપણું સદ્દભાગ્ય છે કે ગુજરાતના માછીમારો આ માછલીઓને મારવાનું કામ કરતા નથી, ક્યારેક ભુલથી આ માછલીઓ તેમની જાળમાં પકડાય તો આર્થિક નુકશાનના ભોગે પણ પોતાની જાળી કાપી નાખીને તેમને બચાવે છે. પરંતુ બહારથી આવી શિકારીઓ આપણા દરિયા કિનારામાં તેમનો શિકાર કરે તે દુર્ભાગ્યપુર્ણ છે. જેથી આવા તત્વોથી ડોલ્ફિન અને વ્હેલ શાર્કની સુરક્ષા માટે નક્કર કામગીરી થવી જોઈએ. આગાઉ ગીરના જંગલમાં સિંહોના શિકારની ઘટનાઓ પણ સામે આવી હતી. ત્યારે સ્થાનિક માલધારીઓ સાથે સંયોજન સાધી વન વિભાગ દ્વારા સુરક્ષા નેટવર્ક ઉભુ કરવામાં આવ્યુ અને સિંહોનો શિકાર કરતી ગેંગોને નાબુદ કરી. ત્યારે ડોલ્ફિન અને વ્હેલ શાર્કનો શિકાર અટકાવવા માછીમારો સાથે સંયોજન સાંધી સુરક્ષા નેટવર્ક ઉભુ કરવાની જરુર છે. આપણે ત્યાં વન વિભાગ, ઇકોલોજી વિભાગ ધરતી ઉપર આવા જે કંઈ બનાવો બને તેને રોકવા માટે કામ કરે છે, પરંતુ દરિયામાં આવી પ્રવૃત્તિઓને રોકવા ૨૨ મરીન પોલીસ સ્ટેશન છે, તેઓ આ અંગે વન વિભાગને જાણ કરે છે અને આખી પ્રક્રિયા ખુબ લંબાય છે, જેથી મરીન પોલીસ સ્ટેશનો ઉપર વન વિભાગના કર્મચારીઓ પણ મુકવા જોઈએ અને તેમને મરીનની તાલીમ આપવી જોઈએ. આ માટે મરીન કોસ્ટલ સિક્યુરિટી ડિવિઝન હેઠળ આખી ચેન ઉભી કરી શકાય.
સરકાર ઉદ્યોગોનો કેમિકલ યુક્ત કડદો પાઈલાઈન મારફતે દરિયામાં ઠાલવવા માંગે છે, આવા ઝેરી કેમિકલ યુક્ત કડદાથી પણ ગુજરાતની દરિયાઈ જીવ સૃષ્ટિ અને સંશાધનોને ભારે નુકશાન થવાનો ખતરો ઉભો થયો છે. જેના કારણે ભવિષ્યમાં મત્સ્યઉદ્યોગ મૃતપાય બને તેવો ખતરો રહેલ છે. જેના કારણે સરકારે દરિયામાં આવા કેમિકલ યુક્ત કડદાને નાંખવાનું ટાળવુ જોઈએ. અર્જુન મોઢવાડિયાના પ્રશ્નોના જવાબમાં સરકાર તરફથી શ્રી મુળૂભાઈ બેરાએ ખાતરી આપી છે કે સ્થાનિક માછીમારો સાથે સંકલનમાં રહીને એક નેટવર્ક ઉભુ કરીને રેગ્યુલર રીતે પેટ્રોલીંગ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા સરકાર વિચારણા રહી છે.