
મત્સ્યોઉદ્યોગ મંત્રીએ દુકાનોની હરાજી ન થઈ હોવાની કરી કબુલાત : મુળ ભાડુઆતોને પ્રધાન્ય આપીને કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરીને દુકાનોની ફાળવણી કરવામાં આવે
ગાંધીનગર
ગુજરાતની ભાજપ સરકારની માછીમાર વિરોધી નિતીના કારણે પોરબંદર સહિત સમગ્ર ગુજરાતના માછીમારો પાસેથી એક બાદ એક અધિકાર છીનવાઈ રહ્યા છે, એટલુ જ નહીં માછીમારોને લગતી યોજનાઓ અને કાર્યોમાં પણ લાલીયાવાડી જોવા મળી રહી છે. જેનો વધુ એક નમુનો પોરબંદર ફિશરીંગ ટર્મીનલ ઉપર પુનઃનિર્મિત ઓક્શન હોલમાં દુકાનો-ઓફીસ ફાલવણીન્ લઈને સામે આવ્યો છે. વિધાનસભામાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા પોરબંદર ફિશરીંગ ટર્મીનલ ઉપર ઓક્શન હોલની હરાજીને લઈને પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં ચોકવનારી વિગતો સામે આવી છે. અર્જુન મોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં મત્સ્યોઉદ્યોગ મંત્રીએ આપેલ જવાબ મુજબ પોરબંદર ફિશરીંગ ટર્મીનલ ઉપર ઓક્શન હોલની કામગીરી જૂન-2018 માં પૂર્ણ કરી દેવામાં આવેલ છે, જેને આજે પાંચ વર્ષ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં આજ દિવસ સુધી પોરબંદર ફિશરીંગ ટર્મીનલ ઉપર પુનઃનિર્મિત ઓક્શન હોલની એકપણ દુકાનની ફાળવણી કે હરાજી કરવામાં આવી નથી. માનનીય મત્સ્યોઉદ્યોગ મંત્રીશ્રી આ દુકાનોની ઈ-હરાજી 10/04/2023 થી શરૂ કરીને ઝડપથી પુરી કરી દુકાનો ફાળવાની ખાતરી આપી છે, પરંતુ સમગ્ર પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે તે અંગે ચોક્કસ માહિતી આપી નથી. પોરબંદર ગુજરાતનું એક મહત્વનું બંદર છે અને હજારો લોકો આ બંદર થકી પોતાની રોજગારી મેળવે છે, ત્યારે ફિશરીંગ ટર્મીનલ ઉપર ઓક્શન હોલ પાંચ વર્ષથી તૈયાર હોવા છતાં આજે દિવસ સુધી એકપણ દુકાનની હરાજી કરીને ફાળવવામાં આવી નથી તે સરકારની મત્સ્યઉદ્યોગ પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે. સમયસર દુકાનોની ફાળવી દેવાઈ હોત તો આજ દિવસ સુધી એનેક પરિવારો તેના થકી પોતાનો રોજગાર મેળવી શક્યા હોત અને આર્થિક રીતે પણ તે લાભદાઈ બન્યુ હોત. પરંતુ ભાજપ સરકારની ઉપેક્ષા ભરી નિતી અને લાલીયાવાડીના કારણે આ દુકાનો તૈયાર હોવા છતાં પાંચ વર્ષથી ધુળ ખાઈ રહી છે. સરકારે ઝડપથી આ દુકાનોની હરાજીમાં આ ઓક્શન હોલમાં મુળ કબ્જેદારો/ભાડૂતોને પ્રાધાન્ય આપીને તેની ફાળવણી કરી દેવી જોઈએ, જેથી અહીં મત્સ્યઉદ્યોગ સબંધીત વેપાર થકી લોકો આજીવીકા મેળવી શકે.
મત્સ્યોઉદ્યોગ મંત્રીએ કબુલાત કરી છે કે અત્યારે માત્ર પોરબંદર જ નહીં સમગ્ર રાજ્યમાં માછીમાર સમાજ માટે એકપણ આવાસ યોજના ચાલુ નથી. કોંગ્રેસ સરકારમાં માછીમાર સમાજ માટે ખાસ આવાસ યોજના ચલાવવામાં આવતી અને આ યોજના અંતર્ગત માછીમાર સમાજના લોકોને ઘરનું ઘર બનાવી આપવામાં આવતું હતું. પરંતુ રાજ્યમાં ભાજપ સરકાર બન્યા બાદ માછીમાર સમાજ માટેની આવાસ યોજના બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે હજારો માછીમાર સમાજના પરિવારો ઝુંપડપટ્ટીમાં રહેવા માટે મજબુર બન્યા છે. મોઢવાડિયાએ માંગ કરી છે કે સરકારે માછીમાર સમાજ આર્થિક રીતે પછાત છે, જેથી તેમના માટેની આવાસ યોજના સરકારે ફરી શરૂ કરવી જોઈએ.