ગુજરાતની સરકાર કહે છે કે, રાજ્યમાં દારુબંધીના કાયદાનું ચૂસ્તપણે પાલન કરવામાં આવે છે. દારુબંધીના કાયદા પછી પણ રાજ્યમાં અવાર-નવાર નબીરાઓ દારુ પાર્ટી કરતા ઝડપાય છે તો કેટલીક વાર બુટલેગર લાખો રૂપિયાના દારુના મુદ્દામાલની સાથે પકડાય છે. દારૂબંધી વાળા ગુજરાતમાં એક ગામ એવું છે કે, તેમને પોતાના ગામમાં દારુ પર પ્રતિબંધ લગાવ્યો છે. સંતાનોને દારૂના વ્યશનથી બચાવવા માટે ગામના લોકો દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા નવા ભાગા ગામે સરકારના દારુબંધીના કાયદાના અમલીકરણ પોલ ખુલી ગઈ છે. નવા ભગા ગામના લોકો પોતાના ગામમાં જ દારુ પર પ્રતિબંધ લગાવવામાં માટે મજબુર બન્યા છે. નવા ભગા ગામમાં દારુનું વેચાણ અને સેવન વધતા ગામના લોકોએ એકઠા થઈને એક નિયમ બનાવ્યો છે. આ નિયમ અનુસાર ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂનું વેચાણ કે, સેવન કરી શકશે નહીં અને જો કોઈ પણ વ્યક્તિ દારૂની સેવન કરતા ઝડપાશે તો તેની સામે આંકરા પગલાં ભરવાની સાથે દંડ પણ ફટકારવામાં આવશે. આ બાબતે ગામના તમામ લોકોએ સાથે મળીને સર્વાંનું માટે એક ઠરાવ પસાર કર્યો છે.
ગામના આગેવાન બાબુભાઈ નીનામાંએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારા ગામની અંદર દારુનું વેચાણ ખૂબ વધી ગયું હતું. તેના કારણે બાળકોને ભણવાના તકલીફ પડે છે. દારૂના કારણે યુવક અને યુવતીઓ ઘણા નુકશાનમાં આવે છે. દારૂના કારણે કોઈ નોકરી ધંધામાં ટકી શકતા નથી અને બાલ્ય અવસ્થા કેટલાક બાળકો મૃત્યુ પણ પામે છે તેથી ગામમાં દારુ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય અમે બધાએ હળીમળીને લીધેલો છે.