રોયલ બેંગાલ ટાઈગર માદા- બચ્ચાંનું નામ રંજના અને પ્રતિભા છે જેમની ઉંમર બે વર્ષ અને બે માસ છે
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાં મેયર કિરીટ પરમારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે જણાવ્યું હતું કે કાંકરિયા પ્રાણીસંગ્રહાલય, અમદાવાદ અને ઓરંગાબાદ ઝૂ સાથે પ્રાણી પક્ષીઓનો વિનિમય કરવામાં આવેલ હતો. જેમાં અમદાવાદ ઝૂ પાસે જરૂરિયાત કરતાં વધુ પ્રાણી પક્ષીઓ જેવા કે ભારતીય શિયાળ જીવ-૦૩, ભારતીય શાહુડી જીવ-૧૦, ઈમુ જીવ-૦૨ અને સ્પુનબીલ જીવ – ૦૬ હોવાથી તે પ્રાણી પક્ષીઓ આરંગાબાદ ઝૂને આપવામાં આવેલ હતા અને તેના બદલામાં ઓરંગાબાદ ઝુ એ કાળીયાર જીવ – ૦૬ અને રોયલ બેંગાલ ટાઈગર જીવ – ૦૨ (માદા- બચ્ચાં) અમદાવાદ ઝૂને આપેલ છે આ રોયલ બેંગાલ ટાઈગર પૈકી એકનું નામ રંજના અને બીજાનું નામ પ્રતિભા છે જેમની ઉંમર ૨ વર્ષ અને ૨ માસ જેટલી છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, નવી દિલ્હીના નીતિ નિયમો અનુસાર કવોરેન્ટાઈન કરવામાં આવેલા હતા. હવે તેમનો કવોરેન્ટાઈન પીરીયડ પુરો થયેલ હોવાથી પ્રાણીસંગ્રહાલય, કાંકરિયામાં આવતા મુલાકાતીઓને નીહાળવા માટે ખુલ્લા રાખવામાં આવનાર હોવાથી તેમના આર્કષણમાં વધારો થશે. પ્રાણીસંગ્રહાલય, કાંકરિયા, અમદાવાદમાં હાલમાં સિંહ-સિંહણ મળીને કુલ – ૦૩, સફેદ વાઘણ -૦૧ તથા રોયલ બેંગાલ ટાઈગર (વાઘ- વાઘણ) ની સંખ્યા – ૦૩, દિપડા-૦૪, હાથી-૦૧, શિયાળ-૧૬, હિપોપોટેમસ-૦૨ની સંખ્યા થયેલ છે. હાલમાં પ્રાણીસંગ્રહાલયમાં વન્ય પ્રાણી – પક્ષીઓની કુલ સંખ્યા-૨૦૦૬ છે.