મળતી માહિતી અનુસાર એસટી નિગમ પાસેથી રાજ્ય સરકારને 3326.12 કરોડ રૂપિયાની રકમ પરત લેવાની નિકળે છે પરંતુ નિગમ આ રૂપિયા ચૂકવી શકતી નથી. આ રકમમાં લોનની રકમ 3146.07 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં એસટી નિગમ પેસેન્જર ટેક્સની જેની ભરપાઈ કરવાની બાકી છે તે 157.30 કરોડની રકમ ચૂકવી શકતું નથી.22.75 કરોડની રકમ ધરાવતો મોટર વ્હિકલ ટેક્સ પણ બાકી છે.
છેલ્લા બે વર્ષની માહિતી અનુસાર એસટી નિગમે સરકારને 52.81 કરોડની લોન ભરપાઇ કરી આપી છે જ્યારે પેસેન્જર ટેક્સની બાકી રકમ પૈકી માત્ર 174.33 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. પરંતુ એસટી નિગમ હજુ પણ મોટાભાગની બાકી રકમ ચૂકવી શક્યું નથી. જો કે સામે પક્ષે એસટી નિગમ સરકારી કાર્યક્રમો માટે તેની એસટી બસો ભાડે આપતી હોય છે ત્યારે પણ સરકારના વિભાગો એસટી નિગમને બાકી ભાડાની ચૂકવણી કરતાં હોતા નથી.
એસટી નિગમ ની વર્તાતી ખોટને લઇ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક તબક્કે એસટીનો વહીવટમાં સુધાર કરીને એસટી નિગમને નફો કરતું એકમ ઉભું કર્યું હતું. પરંતુ હવે એસટી નિગમ તેના સંચાલન માટેના ખર્ચને પહોંચી શકતું નથી તેથી સરકારની લોનની ભરપાઇ પણ કરી શકતું નથી. આ સંજોગોમાં સરકારે એસટી નિગમના રાજ્યભરમાં આવેલા એસટી બસ મથકોનું ખાનગીકરણ શરૂ કર્યું છે. એટલું જ નહીં રાજ્યના શહેરી વિસ્તારની બસ સર્વિસનું પણ ખાનગીકરણ કર્યું છે અને રાજ્યના પ્રત્યેક ગામડામાં જતી સરકારી એસટી બસોનું પણ ખાનગીકરણ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી હોવાની વિગતો સામે આવી રહી છે.