‘સ્વચ્છ ભારત મિશન’ને વ્યવહારમાં મૂકનારું સિક્કિમ સૌપ્રથમ રાજ્ય છે. સિક્કિમે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સૌથી પહેલો પ્રતિબંધ મૂક્યો હતો, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાનો અંગત અનુભવ વર્ણવતા કહ્યું હતું કે, ” હું મારા પરિવાર સાથે સિક્કિમના પ્રવાસે હતો. અમે સિક્કિમની ટેક્સીમાં બેઠા હતા. આગળ જતી એક કારમાંથી કોઈએ નાસ્તો કર્યા પછી ખાલી પડીકું બહાર ફેંક્યું. એ કાર તો આગળ ચાલી ગઈ, પણ અમારી કારના ડ્રાઈવરે તરત કાર ઊભી રાખી. ડ્રાઈવર નીચે ઉતર્યો. પહેલાં તો મને લાગ્યું કે કારમાં કંઈ ખરાબી થઈ છે, પરંતુ અમારી કારના ડ્રાઈવરે ઉતરીને આગળવાળી કારમાંથી બહાર ફેંકાયેલું એ પડીકું ઉપાડ્યું અને પોતાની કારમાં એક કોથળીમાં ભરીને વ્યવસ્થિત મૂક્યું.”
“ડ્રાઇવરની આવી ચેષ્ટા માટે મેં અહોભાવ વ્યક્ત કર્યો, તો તરત જ સિક્કિમના એ ડ્રાઇવરે કહ્યું કે, “હું જ માત્ર નહીં, સિક્કિમની દરેક વ્યક્તિ આટલી જ ચોકસાઈપૂર્વક અને જવાબદારી પૂર્વક સ્વચ્છતા માટે કામ કરે છે. અમારો પ્રદેશ બહારથી આવતા પ્રવાસીઓનો આભારી છે. જો અમારું સિક્કિમ સુંદર નહીં હોય તો કોણ અહીં આવશે ?”
“સિક્કિમના એક સામાન્ય નાગરિકની આ વાત મને અત્યંત સ્પર્શી ગઈ. સમગ્ર દેશનો દરેક વ્યક્તિ જો આવી જવાબદારી લે તો આખો દેશ સિક્કિમ જેવો સ્વચ્છ થઈ જાય.” એમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું.