ચીનના વુહાનથી શરુ થયેલા કોરોનાએ દુનિયાના 127 દેશોમાં પગપેસારો કર્યો છે. ચીનમાં તો કોરોનાનો કેર ઘટી રહ્યો છે. પરંતુ દુનિયાના અન્ય દેશોમાં મૃત્યુ દર વધી રહ્યો છે. ઈટલીમાં અત્યાર સુધી એક હજારથી વધુ લોકો મોતને ભેટ્યા છે. કોરોનાથી દુનિયાભરમાં 4900થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ભારતમાં પણ 89 કેસો નોંધાયો છે. દિવસેને દિવસે કેસો વધતા જઈ રહ્યાં છે. સૌથી મોટી ચિંતા એ છે કે, પંજાબમાં 335 મુસાફરો લાપતા છે જેઓ શંકાસ્પદ છે. વિદેશથી આવ્યા બાદ ગુમ થઈ ગયા છે. આ સિવાય નાગપુરમાંથી 5 શંકાસ્પદો હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા છે. જેઓને શોધવા પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. દેશમાં 12 રાજ્યોમાં સ્કૂલ-કોલેજો બંધ કરી દેવાના આદેશ થયા છે. ગુજરાત માટે સમસ્યા એ છે કે મહારાષ્ટ્રમાં 19 કેસ પોઝિટીવ આવ્યા છે.
ચીન બાદ ઈટલી અને ઈરાનમાં સૌથી વધુ મોત થયા છે. ઈટલીમાં કોરોના વાયરસની મહામારીનું રૂપ લઈ ચુક્યુ છે. માત્ર બે અઠવાડિયામાં જ મૃત્યુ આંક એક હજારને પાર થઈ ગયો છે.. શુક્રવારના એક જ દિવસે 189 લોકોનાં મોત થયા..કોરોના વધુ ન ફેલાય તે માટે સરકારના તમામ પ્રયાસો છતાં મૃત્યુ આંક એક હજારને પાર કરી ગયો.. ચીન, ઈરાન અને ઈટલીમાં મહામારી બનેલા કોરોના વાયરસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ મહામારી જાહેર કરી છે.
કોરોના વારસની ઝપેટમાં આવેલા ઈરાનમાં પણ મહામારી જેવી સ્થિતિ છે. વિશ્વમાં ઈરાન ત્રીજો એવો દેશ છે જ્યાં કોરોનાથી વધુ લોકોના મોત થયા હોય. અત્યાર સુધી 425થી વધુ લોકોનાં મોત થયા છે.. વાયસર સંક્રમણને નિયંત્રિત કરવા માટે ઈરાન સરકારે સેનાને દેશભરની સડકો ખાલી કરાવવા આદેશ આપ્યો. સેના પ્રમુખ જનરલ મોહંમદ બગેરીએ ટીવી મીડિયામાં નિવેદન આપીને દુકાનો, મોહલ્લાઓ અને સડકો ખાલી કરવા અપીલ કરી હતી. તો બીજી બાજુ ઈરાનના વિદેશ પ્રધાને અમેરિકામાં ટ્રંપ પ્રશાસને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર લાગેલા પ્રતિબંધ તત્કાલ હટાવવા અપીલ કરી. તેમણે કહ્યું કે પ્રતિબંધોને કારણે તેના માટે દવાઓ અને મેડિકલ ઉપકરણો આયાત કરવું મુશ્કેલ બની ગયું છે.
પંજાબમાં અત્યારસુધીમાં 6,011 લોકો વિદેશથી આવ્યા છે. જે દેશોમાં હાલમાં કોરોનાનો પ્રભાવ છે. સરકાર હવે એવા 335 મુસાફરોને શોધી રહી છે જે સારવાર વિના જ ગુમ થઈ ગયા છે. એ મુસાફરો સરકારને મળી રહ્યાં નથી. આ મુસાફરોમાંથી એક પણ ને કોરોના હશે તો પંજાબમાં કોરોનાના કેસો વધી શકે છે.
મહારાષ્ટ્રમાં 19 કેસ પોઝિટીવ આવ્યા છે. મહારાષ્ટ્રમાં મોલ, મલ્ટિપ્લેકસ સેમિનારો રદ કરી દેવાયા છે. કેટલીક ખાનગી સ્કૂલોએ તો રજાઓ પણ જાહેર કરી દીધી છે. મહારાષ્ટ્રમાં સરકારે એલર્ટ હોવા છતાં સૌથી વધારે કેસો આ રાજ્યમાં થવાનો ડર સરકારને પણ સતાવી રહ્યો છે. નાગપુરમાંથી 5 શંકાસ્પદો ફરાર થઈ ગયા છે. જેમને શોધવા હવે પોલીસની મદદ લેવાઈ છે.
કોરોના વાયરસથી બચવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે રાજ્યનાં પાંચ શહેરોમાં કોરોનાવાયરસને રોગચાળો જાહેર કરી દીધો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈ, નવી મુંબઈ, નાગપુર, પુણે અને પિંપરી ચીંચવાડનાં કોરોના વાયરસને રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે જેથી હવે આ શહેરોમાં બધા જ જીમ, સિનેમા હોલ, સ્વીમીંગ પૂલ શુક્રવાર રાતથી 31 માર્ચ સુધી બંધ રહેશે. ભારતનાં સ્વાસ્થ્ય મંત્રીએ દેશમાં કોરોના વાયરસનાં 89 કેસની પુષ્ટિ કરી છે. કર્ણાટક રાજ્યમાં કોરોના વાયરસનાં કારણે પ્રથમ મોત થઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં 17 કેસ નોંધાયા છે. જેમાં 10 કેસ પુણેમાં છે. મુંબઈ અને નાગપુરમાં પણ કોરોના વાયરસનાં 3-3 કેસ નોંધાયા છે.