રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 2000ની નોટને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ જે લોકોએ મોટી માત્રામાં 2000 ની નોટો સંગ્રહ કરી રાખી છે તેવા લોકો ટેન્શનમાં આવી ગયા છે પણ મધ્યમ વર્ગ કે તેનાથી નીચેના લોકોને કોઇ ફરક પડ્યો નથી.
બીજી તરફ અમદાવાદમાં તો જવેલર્સ શોપમાં કોઈ રૂ.2000ની નોટ લઇ આવેતો નહિ સ્વીકારવા નક્કી થઇ ગયું છે.
રૂ. 2000ની નોટોને બંધ કરવાના નિર્ણય બાદ આજથી જે પણ ગ્રાહક જ્વેલર્સમાં ખરીદી કરવા આવશે તેની પાસેથી 2000ની નોટ લેવાનું બંધ કરી દીધું હોવાનું વેપારીઓ જણાવી રહયા છે.
દરેક સ્ટાફને પણ સૂચના આપી દીધી છે કે હવેથી જે પણ ગ્રાહક આવે અને જો 2000 રૂપિયાની નોટ હોય તો તેઓને પ્રેમથી ના પાડી દેવાની કે હવે 2000 રૂપિયાની નોટ નહીં લેવામાં આવે, તમારે ઓનલાઇન અથવા તો 100,200 અથવા 500ની નોટથી જ ચૂકવણી કરવી પડશે. તેથી હવે કોઈપણ ગ્રાહકો પાસેથી 2000ની નોટ નહીં લઈએ તેમ કહેતા હવે 2000 ની નોટ રાખવી મુશ્કેલ બનશે.
બીજી તરફ રોકાણ માટે દોડાદોડી કરનારાઓ જમીન-પ્લોટ-મકાનમાં ઇન્વેસ્ટ કરવાના ચાન્સ પણ વધી જવાની શક્યતા વ્યક્ત થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે RBIએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બદલી આપવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે. હવેથી બેંકો 2000ની નોટ નહીં આપે.