અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા સરકારી ક્વાર્ટ્સ પર વર્ષો સુધી ગેરકાયદે દબાણ કરનારા નિવૃત્ત કર્મચારીઓ અને તેમના કુટુંબીજનો પ્રત્યે હાઇકોર્ટે અત્યંત નારાજગી વ્યક્ત કરી છે અને દરેક અરજદારને ૧૫-૧૫ હજારનો દંડ ફટકાર્યો છે. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે આ કેસમાં ચુકાદો આપતાં નોંધ્યું છે કે,‘અત્યંત દુખ સાથે ગેરકાયદે કબજેદારોને કહેવું પડે છે કે ‘ફરજ’ અને ‘અધિકાર’ બંને એક બીજા સાથે સંકળાયેલા છે. પ્રસ્તુત કેસના અરજદારોએ એ સમજવું જાેઇએ કે તેમણે સરકારી ક્વાર્ટ્સમાં વધુ સમય માટે કબજાે રાખતાં અન્યોના હકો પર તેમણે તરાપ મારી છે. કોઇ કાયદો કે આદેશ આવી વર્તણૂકને કંટ્રોલ કરી શકે નહીં, પરંતુ ગેરકાયદે કબજાે કરનારે આત્મચિંતન કરવું જાેઇએ. તમામ અરજદારોને તેમની વર્તણૂક માટે ૧૫-૧૫ હજારનો દંડ કરાય છે.’ હાઇકોર્ટે આ રકમ ૩૦ દિવસની અંદર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરિટી હાઇકોર્ટમાં જમા કરાવી દેવાનો આદેશ કરી, તમામ અરજીઓ ફગાવી કાઢી છે.
જસ્ટિસ ભટ્ટે વિસ્તૃત ચુકાદો આપતાં નોંધ્યું છે કે,‘પ્રસ્તુત કેસમાં કાયદા અને કોર્ટની પ્રક્રિયાનો એવા લોકો દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો છે, જેઓ કોઇ પણ પ્રકારનો હક ન હોવા છતાંય સરકારી ક્વાટર્સ પર ૧૦ વર્ષથી કબજાે જમાવીને બેઠા હતા. તેમણે કોઇ ભાડું પણ ભર્યું નથી. તેથી તમામ અરજદારોને ભારે દંડ કરવા માટેનો આ ફીટ કેસ બને છે. પરંતુ તમામ કર્મચારીઓ વર્ગ-ચારના હોવાથી હાઇકોર્ટ તેમને ભારે દંડ કરવાના બદલે દાખલો બેસાડવા ૧૫,૦૦૦નો દંડ કરે છે.’ હાઇકોર્ટે આ મામલે સરકારી અધિકારીઓને પણ ફટકાર લગાવી છે અને નોંધ્યું છે કે,‘આ કેસની ક્રોનોલોજી જાેતાં એવું જણાય છે કે પાણી માથા સુધી પહોંચી ગયું છે. ઓથોરિટીએ ક્વોર્ટસનો કબજાે પાછો લેવા માટેની કોઇ કાર્યવાહી કરી નહોતી કે તાકીદના પગલાં લીધા નહોતા. કોઇ કોર્ટનો વચગાળાનો સ્ટે ન હોવા છતાંય કોઇ પણ રાહત વિના આ પિટિશનો ૨૦૧૩થી પેન્ડિંગ પડી છે. અધિકારીઓને ભવિષ્યમાં આવા મામલે વધુ સાવચેત રહેવું.’
ગુજરાત સિવિલ સર્વિસિસના નિયમો મુજબ એકવાર કર્મચારી નોકરીમાંથી છૂટો થાય અને એના કારણો ગમે એ હોય, તેને સરકારે ફાળવેલું મકાન ખાલી કરી દેવું પડે. જ્યાં સુધી સરકારી હોદ્દા પર હોય, ત્યાં સુધી એ સરકારે ફાળવેલા મકાનને ભોગવી શકે.’હાઇકોર્ટે અત્યંત માર્મિક અવલોકન કર્યું હતું કે,‘આ ક્વાર્ટસ સરકારી છે અને સરકાર તેની માલિક છે. અરજદારો નિવૃત્ત થઇ ગયા છે, અથવા મૃત્યુ પામ્યા છે. તેમને ક્વાટર્સ ખાલી કરવા નોટિસો આપી પરંતુ તેમણે ક્વાટર્સ ખાલી કર્યા નથી કે આજ દિન સુધી ભાડું પણ ભર્યું નથી. તેથી અરજદારો ગેરકાયદે સરકારી ક્વાટર્સના કબજેદારો ગણાય. એ હકીકત પરત્વે પણ આંખ આડા કાન કરી શકાય નહીં કે સરકારે ખુદ રેકર્ડ પર જણાવ્યું છે કે ૧૨૦૦ જેટલા કર્મચારી સરકારી ક્વાટર્સની વાટ વર્ષોથી જાેઇ રહ્યા છે, અને બીજી તરફ આવા અરજદારો ક્વાટર્સ ખાલી કરતાં નથી. જેથી જે કર્મચારી હાલમાં સર્વિસમાં છે, તેમને સરકાર ક્વાટર્સ ફાળવી શકતી નથી.