દેશમાં અને હાલ આપણાં ગુજરાતમાં જે રીતે ધારાસભ્યો માટે એક ખાસ પ્રકારનું ખરીદવેચાણ સંઘ સક્રિય બન્યું છે, તેને લઈ રાજકીય નેતાઓ પર જનતાનો વિશ્વાસ ડગમગી ન જાય, તેને ધ્યાને રાખી વડનગરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાતની જનતાને આહ્વાન કરતા એક ખુલ્લો પત્ર લખ્યો છે. ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી આવી રહી છે, તે પહેલા ગુજરાતના રાજકારણમાં આવેલા ભૂકંપને જોતા જિગ્નેશ મેવાણીએ આકરા શબ્દોમાં નિંદા કરતો પત્ર લખ્યો છે. જિગ્નેશ મેવાણીએ આ પત્રની શરૂઆતમાં લખ્યું છે કે, શરમપૂર્વક હું આ પત્ર લખી રહ્યો છું. રાજ્યસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસ પાર્ટીના અમુક ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામા આપ્યા છે, આ લોકો પૈસા લીધા વગર પક્ષપલટો કરે તે હું માનતો નથી. જો કે, શરમ એ વાતની છે કે, રાષ્ટ્રવાદની વાતો કરતી પાર્ટી પણ આવા ધારાસભ્યોને મો માગ્યા રૂપિયા આપતા અચકાતી નથી. હકીકત તો એ છે કે, ભારતીય જનતા પાર્ટી આખા ગામનો ઉકરડો હોય તેમ કચરો સ્વિકારવા સદા તૈયાર જ હોય છે. સવાલ તો એ પણ છે કે, આવા ધારાસભ્યોને 50-50 કરોડમાં ખરીદવાના રૂપિયા ભાજપ પાસે આવે છે, ક્યાંથી ?
જિગ્નેશે આગળ જણાવ્યું છે કે, તમે તો રામના પરમભક્ત હોવાનો દાવો કરો છો, ભારતમાતાના સિપાઈઓ છો, રાષ્ટ્રભક્તિના ઠેકેદારો પણ છો, તમારી પાસે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાના આટલા રૂપિયા આવે છે ક્યાંથી ? હું ભાજપના કાર્યકરોને પૂછવા માગુ છું કે, તમે જે વર્ષોથી કામ કરો છો, તો તમારે શું કોંગ્રેસના આવા દોગલા નેતાઓ માટે પાથરણા જ પાથરવાના છે કે શું ? જિગ્નેશ મેવાણીએ ગુજરાતની જનતાને આહ્વાન કરતા પ્રશ્ન પૂછ્યો હતો કે, ગુજરાતની જનતાએ વેચાવા માટે તૈયાર થયેલા આ નેતાઓ પૂછવું જોઈએ કે, આ દેશની જનતાને તમે શું સમજો છો. જનતાએ તમને જે આ ખોબલે-ધોબલે મત આપ્યા અને વિધાનસભામાં પહોંચાડ્યા તેમના પ્રત્યે કોઈ વફાદારી છે કે નહીં ? તમારામાં જમીર જેવુ કાંઈ બચ્યું છે કે, નહીં ? જનતાને અપીલ કરતા મેવાણીએ લખ્યું છે કે, આપણે એવા નેતાઓને ચૂંટવાના છે, જેનામાં લાલચ ન હોય, છેલ્લામાં છેલ્લા માણસનું કામ કરવાનો જોશ હોય, જેનામાં બંધારણીય વિચારધારા હોય, તેવા લોકસેવકોને આપણે પંચાયતથી લઈ સંસદ સુધી ચૂંટીને મોકલવાના છે. નેતાઓને જ્યારે ખબર પડી ગઈ કે, તેઓ ગમે તેવા કાળા કામ કરે, તેમ છતાં પણ જનતા તેમને ચૂંટીને મોકલવાની છે, પછી એમનામાં બીક ક્યાંથી હોય ? છેલ્લે મેવાણી લખ્યું છે કે, રવિ શંકર મહારાજ, ઈન્દુલાલ યાજ્ઞિક અને સરદારનું આ ગુજરાત છે. પોતાને વેચીને નવરા થયેલા આ ધારાસભ્યોએ ગુજરાતની અસ્મિતા અને ગુજરાતને કલંકિત કર્યું છે. ત્યારે આવા ધારાસભ્યો કે, જેમણે પોતાનું ઈમાન વેચી નાખ્યું છે, તેમના ગાલ પર એવો તમાચો મારો કે, તેના નિશાન જોઈ બીજા ધારાસભ્યોનું ઈમાન પણ ડગવાનું નામ ન લે.