‘મિશન લાઇફસ્ટાઇલ ફોર ધ એન્વાયર્મેન્ટ’ થીમ સાથે ગ્રામ્ય સ્તરે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ
ઊર્જા બચત, પાણી બચત, સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો, સસ્ટેનેબલ ફૂડ પર ભાર, સ્વચ્છતા, ઈ-વેસ્ટમાં ઘટાડો વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા થકી સમજ વિકસાવવા પ્રયાસો
ગ્રામસભા બાદ મહેમાનોના હસ્તે તમામ ગામોમાં વૃક્ષારોપણને વ્યાપક પ્રતિસાદ
અમદાવાદ
વિશ્વ પર્યાવરણ દિવસ પર અમદાવાદ જિલ્લાના ૯ ગ્રામ્ય તાલુકાઓનાં ૪૬૮ ગામોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાપક સ્તરે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરના જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ કમિશનરશ્રીના આદેશ અનુસાર રાજ્યવ્યાપી આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે દસ્ક્રોઈના પસુંજની મુવાડી ગામે ગ્રામસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતી અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર, ગ્રામપંચાયત મંત્રી, ગ્રામસેવક તથા પ્રાથમિક શિક્ષકો જે-તે ગામની ગ્રામસભામાં સંમિલિત થયા હતા.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રામ્ય સ્તરે પર્યાવરણને અનુરૂપ જીવન શૈલી અપનાવવા માટે તથા વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી જાગૃતિ વધારવા આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ઊર્જાની બચત, પાણીની બચત, સિંગલ યુઝડ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો, સસ્ટેનેબલ ફૂડ પર ભાર, સ્વચ્છતા, ઈ-વેસ્ટમાં ઘટાડો વગેરે મુદ્દાઓ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગ્રામસભા એ સરકારની વિવિધ યોજનાઓ, કાર્યપદ્ધતિ અને વિકાસલક્ષી પગલાંઓ બાબતે સરકાર અને લોકો વચ્ચે સંવાદની મહત્વની કડી છે. સમયાંતરે જે તે ગામ અધિકારીશ્રીઓ તથા સ્થાનિક આગેવાનોની અનુકૂળતા પ્રમાણે ગ્રામસભાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, ધરાસભ્યશ્રીઓ, સાંસદશ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેતા હોય છે. ત્યારે જૂન મહિનામાં પ્રથમ ગ્રામસભા વિશ્વ પર્યાવરણ દિવસે જ યોજવામાં આવે તેવું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું હતું.અમદાવાદના સાણંદ, વિરમગામ, બાવળા, ધોલેરા, દસ્ક્રોઇ, માંડલ, દેત્રોજ, ધોળકા, ધંધુકા તાલુકાના ૪૬૮ ગામડાઓમાં આ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભા પૂર્ણ થયા બાદ પ્રત્યેક ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.