૧૬ હજાર એડમીશન વધ્યા, ચાલી રહ્યું છે, વેઇટીંગ, દિલ્હીની સરકારી શાળા બાદ સ્માર્ટસીટીની શાળાનો ક્રેઝ,
પ્રાઇવેટ શાળાઓનો ક્રેઝ ડાઉન, સરકારી શાળાનો અપ, GJ-1સ્માર્ટસીટીમાં મનપાની સ્કૂલોની બોલબાલા,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓની એક સમયે સમાજમાં સારી છાપ નહોતી. મધ્યમવર્ગના પરિવાર પોતાના પેટે પાટા બાંધીને પણ બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવાનો જ આગ્રહ રાખતા હતા, જાેકે સમયની સાથે બધું બદલાય તેમ હવે મ્યુનિસિપલ સ્કૂલમાં અપાતા શિક્ષણનું સ્તર સુધર્યું છે, જેના કારણે મ્યુનિ. સ્કૂલ તરફનો ધસારો વધ્યો હોઈ વધુને વધુ બાળકો દર વર્ષે ખાનગી સ્કૂલ છોડીને મ્યુનિ. સ્કૂલમાં આવી રહ્યાં છે. કોરોનાકાળ પછી કથળેલી આર્થિક સ્થિતિ સાથે મ્યુનિ. સ્કૂલમાં પ્રવેશ મેળવવા પર ભાર અપાઈ રહ્યો છે, પરંતુ મુખ્ય કારણ તો ખાનગી શાળાઓને ભુલાવી દે તે પ્રકારની ૬૨ સ્માર્ટ શાળા અને મિશન ઓફ એક્સલન્સ હેઠળની ૨૧૭ શાળાઓથી ઉચ્ચતર મધ્યમવર્ગનાં વાલીઓ પણ પોતાનાં બાળકોને મ્યુનિ. સ્કૂલમાં દાખલ કરાવી રહ્યા છે, જેના કારણે નવા શૈક્ષણિક વર્ષના પ્રવેશોત્સવ દરમિયાન ગત વર્ષ કરતાં ૧૬૦૦૦થી વધુ બાળકોને બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશ અપાવવા માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ભાજપના શાસકોએ વિશ્વાસ દર્શાવ્યો છે.
મ્યુનિ. સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા આ અંગે વધુ વિગત આપતાં કહે છે, રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો ૨૦મો તબક્કો તા. ૧૨થી ૧૪ જૂન દરમિયાન યોજાશે, જેમાં નેશનલ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦ની ભલામણ મુજબ પ્રથમ વાર પાંચથી છ વર્ષની વયનાં બાળકોને બાલવાટિકામાં પ્રવેશ અપાશે. મ્યુનિસિપલ શિક્ષકો દ્વારા કરાયેલા સર્વે મુજબ બાલવાટિકા તથા ધોરણ-૧માં પ્રવેશ મેળવવા માટે ૩૦,૦૦૦થી વધુ બાળકોનું નામાંકન થઈ ચૂક્યું છે. ગત વર્ષે ધોરણ-૧માં કુલ ૨૪,૮૮૪ બાળકોને પ્રવેશ અપાયો હતો, જેમાં અંગ્રેજી માધ્યમમાં ૨૫૨૬, હિન્દી માધ્યમમાં ૪૨૪૧ અને ઉર્દૂ માધ્યમમાં ૧૭૮૧ બાળકોએ પ્રવેશ લીધો હતો. તેની સરખામણીમાં આ વર્ષે અંગ્રેજીમાં ત્રણ હજારથી વધુ બાળકો નોંધાયાં છે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન અમે ૧૩થી ૧૪ હજાર બાળકોને બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશ આપીશું, જ્યારે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં કુલ ૪૦,૦૦૦ બાળકોને પ્રવેશ આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.
મ્યુનિસિપલ સ્કૂલમાં સ્કોલરશિપ યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ, મધ્યાહ્ન ભોજન યોજના સહિતની અનેક યોજનાઓનો લાભ બાળકોને મળે છે. આધુનિક પ્રયોગશાળા, રમતગમતનાં સાધનો સાથેનાં મેદાન, તાલીમબદ્ધ શિક્ષકો વગેરેથી પણ વાલીઓ મ્યુનિ. સ્કૂલ તરફ વધુને વધુ આકર્ષાઈ રહ્યાં છે તેમ જણાવતાં મ્યુનિ. સ્કૂલ બોર્ડના શિક્ષણાધિકારી ડો. એલ.ડી.દેસાઈ કહે છે, ધોરણ-૧થી ૫માં પીટીસી અને તેથી વધુ ડિગ્રી અને ધોરણ-૬થી ૮ સુધીના વર્ગમાં બીએડ્થી નીચેની ડિગ્રી ધરાવતા એક પણ શિક્ષક નથી. ૫૦ શિક્ષક તો પીએચડી છે. બીએસસસી-બીએડ્ની ડિગ્રી ધરાવતા ૬૦૦ શિક્ષક અને એમકોમ-એમએડ્ની ડિગ્રી ધરાવતા ૭૦૦ શિક્ષક હોઈ બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ અપાઈ રહ્યું છે.
અત્યારે ૩૦થી ૪૦ મ્યુનિ. સ્કૂલ એવી છે કે જ્યાં બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશ મેળવવા માટે વેઇટિંગ લિસ્ટ ચાલતું હોવાનો દાવો શિક્ષણાધિકારી ડો. એલ.ડી. દેસાઈએ કર્યો છે. હવે વાલીઓ મ્યુનિ. શાળામાં પ્રવેશ મેળવવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના ભલામણપત્ર લઈને આવી રહ્યા છે. અધવચ્ચેથી પણ પોતાના બાળકને ખાનગી સ્કૂલમાંથી ઉઠાડીને મ્યુનિ. સ્કૂલમાં દાખલ કરાવી રહ્યા છે. શહેરના દરેક વોર્ડમાં ઓછામાં ઓછી એક સ્માર્ટ સ્કૂલ ધમધમી રહી છે. શહેરમાં કુલ ૪૫૯ શાળાઓમાં દોઢ લાખથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. મ્યુનિ. માલિકીનાં ૨૭૬ બિલ્ડિંગમાં આ બાળકો શિક્ષણ લઈ રહ્યાં છે. અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યામાં પણ દર વર્ષે વધારો થતો જતો હોઈ હાલ કુલ ૫૫ અંગ્રેજી માધ્યમની શાળા છે, જ્યારે ગુજરાતી માધ્યમની ૩૦૦ શાળાઓ ચાલી રહી છે.મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈએ એવો પણ દાવો કર્યો છે કે સ્કૂલ બોર્ડ દ્વારા પ્રત્યેક વિદ્યાર્થીના શિક્ષણ પાછળ દર વર્ષે રૂ.૨૦,૦૦૦ ખર્ચાઈ રહ્યા છે. શિક્ષણ પાછળ તંત્રએ ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હોઈ સમગ્ર રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનની શાળાઓ અવલ નંબરે છે.