ગુજરાતમાં કેન્સરના કારણે રોજ ત્રણ કરતાં વધુ દર્દીઓનાં મોત થઈ રહ્યાં છે જ્યારે એઈડ્સથી બેથી વધુ અને ક્ષય (ટીબી)થી દરરોજ ૧૪ લોકોનાં મોત થઈ રહ્યા છે. ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં બે વર્ષમાં કેન્સરના ૩૪,૭૩૩ દર્દીઓ નોંધાયા છે, જેમાં ૨૨૫૦ના મોત થયાં છે. એઈડસના ૧૮,૦૯૧ દર્દીઓ નોંધાયા છે અને ૧૫૫૭નાં મોત થયા છે, ટીબીના ૨.૨૫ લાખ દર્દીઓ છે ૧૦,૧૨૦ના મોત થયાં છે. ગુજરાતમાં બે વર્ષમાં કેન્સરના કારણે ૨૨૫૦નાં મોત થયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૧૦૬૨ દર્દીઓનાં મોત થયાં છે, એ જ રીતે ગાંધીનગરમાં ૧૩૭, ભાવનગરમાં ૧૨૬, મહેસાણામાં ૧૧૫ અને રાજકોટ જિલ્લામાં ૧૧૨નાં મોત થયાં છે.
એઈડસના કારણે બે વર્ષમાં ગુજરાતના ૧૫૫૭ મોત પૈકી સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૧૯૬નાં મોત થયાં છે, એઈડ્સથી મોત મામલે સુરત જિલ્લો ૧૮૫ મોત સાથે બીજા ક્રમે અને ત્રીજા ક્રમે વડોદરા જિલ્લામાં ૧૦૩ના મોત થયાં છે. ટીબીથી સૌથી વધુ પંચમહાલમાં ૭૦૫, ખેડા જિલ્લામાં ૬૦૫ અને મહેસાણા જિલ્લામાં ૬૦૨ લોકોનાં મોત થયાં છે. સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં બાળરોગ નિષ્ણાત ડોક્ટરોની ૨૯ જિલ્લાઓમાં ૨૬૧ જગ્યાઓ મંજૂર થઈ છે, તે પૈકી ૧૪૦ જગ્યા ભરાયેલી છે અને ૧૨૧ જગ્યા ખાલી છે. દાહોદ, છોટાઉદેપુર, સાબરકાંઠા, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ભરૂચ એમ છ જિલ્લાઓમાં ૩૨ જગ્યાઓ મંજૂર છે, જોકે તે પૈકી તમામ જગ્યાઓ ખાલી છે, એક પણ જગ્યા ભરાયેલી નથી.