કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે તેમાંય ગુજરાતમાં બે પોઝીટીવ કેસ નોંધાતા લોકોમાં ભય પ્રસર્યો છે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સહિત દેશભરના મોટા શહેરોને લોકડાઉન કરશે તેવા સોશિયલ મિડીયામાં મેસેજો વહેતાં થયાં હતાં જેના કારણે પરિસ્થિતી એવી થઇ કે,મોડી સાંજે વડાપ્રધાન પ્રજાજોગ સંબોધન કરે તે પહેલાં જ લોકો દૂધ-શાકભાજી,દવા સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા દોડયા હતાં. આમ, ગુજરાતમાં એક તબક્કે નોટબંધીની યાદ તાજા થઇ હતી. સમગ્ર વિશ્વના કેટલાંય દેશોમાં કોરોનાનો એટલો કહેર ફેલાયો છે કે,આખેઆખા શહેરોને લોકડાઉન કરી દેવાયાં છે.ઇટલી,ચીન સહિતના દેશોમાં લોકોને ઘરની બહાર નીકળવા પ્રતિબંધ મૂકી દેવાયો છે. ભારતમાં ય કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે. ગુજરાતમાં આખરે કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી છે.
આ તરફ, આજે સવારથી જ જાહેરાત થઇ હતીકે, મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાના સંદર્ભમાં પ્રજાજોગ સંબોધન કરશે. પણ બપોરે પછી સોશિયલ મિડીયામાં એવા મેસેજો વહેતાં થયાં કે, કોરોના વાયરસનો ભયંકર કહી શકાય તેવો ત્રીજો તબક્કો ટાળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રાતથી બે અઠવાડિયા સુધી ભારતના મોટા શહેરોને સંપૂર્ણપણે લોકડાઉન કરશે તેવી જાહેરાત કરી શકે છે.આ નિર્ણાયક પરિસ્થિતીનો સામનો કરવા માટે કૃપા કરીન ૧૫ દિવસ સુધી રસોડામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો સ્ટોક કરી લેશો.જાહેરહિતમાં પ્રસારિત. આ મેસેજોને પગલે લોકોમાં એવો ભય પેઠો હતોકે, શહેરીજનોએ ફોન કરીને સગાવ્હાલાઓને ફોન કરીને આ બાબતે પૃચ્છા કરી હતી.નોટબંધી જેવુ થશે તેવો મનમાં ડર રાખીને શહેરીજનોએ મોલ,દુકાનો અને મેડિકલ સ્ટોર્સની દુકાનો તરફ દોટ માંડી હતી. બે અઠવાડિયા સુધી અમદાવાદ શહેર બંધ રહેશે તેવા ભય સાથે શહેરીજનોએ દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણુ ખરીદ્યુ હતું. અમદાવાદમાં ઘણાં વિસ્તારોમાં અફવાએ એટલી હદે જોર પકડયું કે,મેડિકલ સ્ટોર્સ,કરિયાણા સ્ટોર્સ,મોલ્સ અને દુધની દુકાનો -શાકભાજીની લારીઓ પર ભીડ જામી હતીઆ જ પ્રમાણે, મેડિકલ સ્ટોર્સ પર સેનેટાઇઝર્સ અને માસ્ક ખરીદવા પણ ભીડ જામી હતી. અસ્થમા,ડાયાબિટીસ સહિતના દર્દીઓએ પણ અઠવાડિયાની દવાઓ મંગાવી લીધી હતી. શહેર લોકડાઉન કરાશે તેમ માનીને લોકોએ અઠવાડિયા સુધી ચાલે તેટલી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી કરી હતી.ખાસ કરીને રોજ આખરે મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરોને લોકડાઉન કરવાને બદલે લોકોને જરૂર વિના ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી.ત્યારે શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો.