રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહેલું છે. બિપરજોય વાવાઝોડું 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે. બિપરજોય વાવાઝોડું દ્વારકાથી 300 કિલોમીટર દૂર છે. જ્યારે પોરબંદરથી 350 કિમી દૂર વાવાઝોડું કેન્દ્રિત છે. વાવાઝોડું જખૌથી 290 કિલોમીટર દૂર છે.
જ્યારે નલિયાથી 310 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 135 થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જ્યારે જખૌથી 125 થી 135ની પ્રતિકલાકની ઝડપે પસાર થાય તેવી સંભાવના છે. ગુરુવારે સાંજે કચ્છના જખૌમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે. વાવાઝોડાના જોખમના પગલે દરિયાકાંઠાના તમામ સ્થળો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયા અને ખાડીમાં 2થી 3 મીટર પાણી આવી શકે તેવી સંભાવના છે.
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. જેના પગલે આજે ગાંધીનગરમાં યોજનારી કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે. તેમજ મુખ્યપ્રધાન દ્વારા તમામ પ્રધાનોને સોંપવામાં આવેલા જિલ્લામાં જ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહેલું છે. તેવામાં અદાલતી કાર્યવાહી બાબતે ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ જે દેસાઈના નિર્દેશથી હુકમ બહાર પાડવામાં આવ્યો છે.તમામ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વાવાઝોડાની અસરના સમયે પોતાના જિલ્લાની અદાલતો માટે સ્વયં નિર્ણય લઈ શકશે. વાવાઝોડાની અસર સમય દરમિયાન અદાલતો ચાલુ રાખવી કે બંધ રાખવી તે અંગેના નિર્ણય લેવાની સત્તા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજને આપવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાને લઈને યોજાયેલ મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્ય પ્રધાનના સચિવ અવંતિકા સિંઘ, રાહત કમિશનર આલોક પાંડે, મહેસુલ વિભાગ અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદિપ વસાવા, પ્રાથમિક શિક્ષણ નિયામક એમ આઈ જોશી સહીતના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.