ગુજરાતના દરિયાકાંઠે ગુરુવારે રાત્રે ‘બિપરજોય’ વાવાઝોડું ટકરાયા બાદ પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ શુક્રવારે સવારે સીધા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. SEOC ખાતે મુખ્ય સચિવશ્રી સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી મુખ્યમંત્રીશ્રીએ વિગતવાર માહિતી મેળવી હતી.
રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ આ બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આગોતરા આયોજન, મુખ્યમંત્રીશ્રીના સતત માર્ગદર્શન અને સૌના સહિયારા પ્રયાસોથી ગુજરાતમાં મોટી જાનહાનિ ટળી છે. રાજ્યમાં વાવાઝોડાના પરિણામે એક પણ માનવમૃત્યુ નોંધાયું નથી. આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકારે પ્રભાવિત વિસ્તારોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા, આ સ્થળાંતર કદાચ ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા સ્થળાંતરમાનું એક હશે. લગભગ પાંચ દિવસ સુધી કુદરતી આફત સામે ઝઝુમી આજે આપણે હજારો જીવન બચાવી શક્યા છીએ.
રાહત કમિશનરશ્રીએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પાસેથી જિલ્લાવાર સ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી. વાવાઝોડાના પરિણામે પ્રભાવિત જિલ્લાઓમાં પાણી, કમ્યુનિકેશન સિસ્ટમ, વીજળી અને રોડ રસ્તાને વેહલમાં વહેલી તકે પૂર્વવત કરવા સહિતની સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત પ્રાથમિક નુકસાનીનો અંદાજ મેળવવા, અસરગ્રસ્તો માટે કેશડોલ, ઘરવખરી, ઝુંપડા સહાય અને પશુ સહાય જેવી વ્યવસ્થાઓ કરવા પણ ઉચ્ચ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં આર્થિક નુકશાન છે, પરંતુ તેમાંથી પણ ઝડપભેર બહાર આવીશું, તેમ કહેતા શ્રી પાંડેએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના પરિણામે રાજ્યમાં ૧૧૩૭ જેટલા વૃક્ષો ધરાશાયી થતાં ૨૬૩ રસ્તાઓ બંધ થયા હતા. આ તમામ વૃક્ષોને હટાવીને ૨૬૦ રસ્તાઓ પુનઃ કાર્યરત કરાયા છે, જ્યારે ૩ રસ્તામાં નુકશાન થયું હોવાથી તેને પૂર્વવત કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.
તેમણે ઉમેર્યું કે, ભારે પવન કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૫૧૨૦ જેટલા વીજ થાંભલાઓ પડી જતા ૪૬૦૦થી વધુ ગામમાં વીજળી ઠપ્પ થઈ હતી, જેમાંથી ૩૫૮૦ જેટલા ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. PGVCLની ટીમો દ્વારા ચાલુ વરસાદે પણ બાકીના ગામોમાં વીજળી ચાલુ કરવા માટે સતત કામ કરી રહી છે.
તેમણે નુકશાની અંગે માહિતી આપતા ઉમેર્યું હતું કે, પ્રભાવિત જિલ્લાઓમાં ૨૦ કાચા મકાન, ૯ પાકા મકાન અને ૬૫ જેટલા ઝૂંપડા સંપૂર્ણ રીતે ધરાશાયી થયા છે. જ્યારે ૪૭૪ જેટલા કાચા મકાન અને ૨ પાકા મકાનને અંશતઃ નુકશાન થયું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું સાંજે ગુજરાતને ઓળંગશે, ત્યારબાદ ધીરે ધીરે પવનની ગતિ ઘટશે. હજુ પણ પ્રભાવિત જિલ્લાઓમાં પવનની ગતિ વધુ હોવાથી કચ્છ, દ્વારકા, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવશ્રી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી, મહેસૂલ અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીઓ સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારનાં આગોતરા આયોજન સામે બિપોરજોય વાવાઝોડું પરાસ્ત્ત
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments