રાજસ્થાનના બાડમેર નેશનલ હાઇવે નંબર 68 પર બે કાર વચ્ચે દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ સ્કોર્પિયો અને અર્ટિગા વચ્ચે જોરદાર ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા છે. ત્રણેય મૃતક મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના મલાલપુરના હોવાનું સામે આવ્યું હતું. તેમજ ત્રણેય કૌટુંબિક ભાઈઓ હતા.
જેમાં એક યુવકના તો ગયા મહિને જ લગ્ન થયા હતા. તેમજ બે પરિવારોએ એકનો એક દિકરો ગુમાવ્યો છે. જેથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. ત્રણ-ત્રણ યુવકોના મોત થતા ગામ હિબકે ચડ્યું છે.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મલાલપુર ગામના સંદીપ બાબુભાઇ ચૌધરી, સૌરભ વિજય ચૌધરી, વિશ્વાસ વિરસંગભાઈ ચૌધરી, ઉદયભાઈ રમેશભાઈ ચૌધરી, હિમાંશુ દેવેન્દ્રભાઈ ચૌધરી અર્ટિગા ગાડીમાં બેસી રણુજા જવા નીકળ્યા હતા. જ્યાં બાડમેર નેશનલ હાઇવે નંબર 68 પર ગાડી જતી હતી એ દરમિયાન લબ કુશ વિદ્યાલય પાસે નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો સાથે તેઓની અર્ટિગા ગાડી જોરદાર અથડાઈ હતી. જેથી ભયંકર અકસ્માત થયો હતો. જેમાં બન્ને ગાડીઓના ફૂરચા બોલી ગયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બે ગાડીઓમાં સવાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં અર્ટિગા ગાડીમાં સવાર સંદીપ ચૌધરી, સૌરભ ચૌધરી અને વિશ્વાસ ચૌધરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ હિમાંશુ ચૌધરી અને ઉદય ચૌધરીને સારવાર માટે સચોર ખસેડવામાં આવ્યાં હતા. આ ઉપરાંત સ્કોર્પિયો ગાડીમાં સવાર 8 લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ તરફ અકસ્માત સર્જાયા બાદ રાજસ્થાનના બાડમેરના સ્થાનિક લોકો ત્યાં આવી જતા બંને ગાડીઓમાં રહેલા ઘાયલોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અર્ટિગા ગાડીના આગળનો ભાગનો કૂરચો બોલી જતા ચાલક ફસાઈ ગયો હતો. તેમજ ગાડીમાં સવાર અન્ય લોકોને સ્થાનિક લોકોએ લોખંડની કોસો અને અન્ય સાધનો વડે દરવાજા તોડી, કાચ ફોડી ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. જે બાદ પીકઅપ ડાલા મારફતે તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.