લોકસભા 2024ની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસના નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. જેને લઈ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસ છોડીને જતાં લોકો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, જવાના કારણો મારા કરતાં મીડિયા સારી રીતે જાણે છે.જગદીશ ઠાકોરે કહ્યું, કોંગ્રેસ છોડી ગયા પછી એક મહિના બાદ શું પરિણામ આવે છે તે પણ જોયું છે. બે થી ત્રણ પ્રકારના લોકો કોંગ્રેસ છોડીને જાય છે. એક જેનું આર્થિક પાસુ હોય, બીજું જેની સામે સરકારમાં ગુન્હાઓ દાખલ થયા હોય અને ત્રીજા લોકો એવું કે જેમણે રાજકીય બાર્ગેનિંગ કરવું પડતું હોય છે. જેના ખોળે આખી જિલ્લાની કોંગ્રેસ રહી હોય તેવા લોકો પણ કોંગ્રેસ પાર્ટીને દગો અને વિશ્વાસઘાત કરી જાય છે.કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે એમ પણ કહ્યું, કોંગ્રેસ છોડીને જનારા લોકોની ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ઈચ્છા પૂરી થતી નથી, માત્ર ચૂંટણી પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે. ચૂંટણી પત્યા પછી જે લોકો ગયા છે તેમની શું દશા થાય છે તે પણ જોયું છે. ભાજપ પાસે એવું કોઈ નેતૃત્વ જ નથી કે જે ગુજરાત કે દેશને સાચવી શકે એટલે જ બીજા પક્ષોને ધાક ધમકી અને લાલચો આપી પોતે મજબૂત થવાનો દાવો કરે છે. જે દિવસે ભાજપમાં રહેલો દાવાનળ ફૂટશે તે દિવસે ટાવરનો નટ અને બોલ્ટ શોધ્યો મળશે નહીં તેવી વિગતો ભાજપમાંથી બહાર આવી રહી છે.