હરિયાણાના પંચકુલામાં ખડક મંગોલી પાસે પૂજા કરવા આવેલી એક મહિલાની કાર નદીમાં ફસાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા તેની માતા સાથે મંદિરે દર્શન કરવા આવી હતી. આ દરમિયાન તેણે નદી કિનારે કાર પાર્ક કરી હતી અને ત્યારે જ પાણીનો પ્રવાહ તેજ થઈ ગયો હતો, જેના કારણે કાર સહિત મહિલા નદીમાં ફસાઈ ગઈ હતી. સદનસીબે કાર ઘગ્ગર પુલ નીચે થાંભલા સાથે અટકી ગઈ હતી. ત્યારે જ સ્થાનિક લોકોની નજર પડી અને બચાવવા દોડી આવ્યા.ખૂબ જ પ્રયત્નો બાદ લોકોએ દોરડાની મદદથી મહિલાને કારમાંથી બહાર કાઢી અને પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી કારને બહાર કાઢી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે નદીનું પાણી વધી ગયું છે જેના કારણે આ દુર્ઘટના બની છે.જીવ બચાવનારા વિક્રમ,અનિલ અને બબલુએ જણાવ્યું કે, મહિલા ફૂલ વહાવીને પાછી આવી રહી હતી ત્યારે અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો.મહિલાએ ગાડીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જોરદાર પાણીના કરંટના કારણે તે સફળ થઈ ન હતી. કાર ઘગ્ગર પુલ પરથી 50 ફૂટ નીચે ચાલી ગઈ હતી. હાલમાં મહિલાને પંચકુલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ નદીના પ્રવાહે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.