વિદેશથી આવેલાં કે અને તે લોકોનાં સંપર્કમાં આવેલાં લોકોને હાલ હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. જેમાંથી કેટલાય લોકોનો હોમ ક્વોરન્ટાઈનનો સમય પણ પુર્ણ થઈ ચૂક્યો છે. ત્યારે ગુજરાતમાં હોમ ક્વોરન્ટાઈનને લઈ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં હોમ ક્વોરન્ટાઈન થયેલાં એક વ્યક્તિએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી સત્યમ સોસાયટીમાં એક વ્યક્તિ હોમ ક્વોરન્ટાઈન હતો. અને આજે તેની હોમ ક્વોરન્ટાઈનની મુદત પુરી થતી હતી. તેવામાં આ વ્યક્તિએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જો કે આ મામલે પાલનપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. હોમ ક્વોરન્ટાઈન એટલે કે 14 દિવસ સુધી ઘરબંધીમાં રહેવું એ એક માનસિક ચેલેન્જ છે. અને ઘરમાં જ નજરકેદ રહેવું ઘણા લોકો માટે કઠિન બની જાય છે. ત્યારે પાલનપુરમાં હોમ ક્વોરન્ટાઈન વ્યક્તિએ આપઘાત કરી લીધો હોય તેવો આ કદાચ પહેલો કિસ્સો છે. આ અગાઉ ગુજરાતમાં લોકડાઉનને કારણે બહાર જવા ન મળતાં એક યુવકે આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.