દુનિયાભરમાં હજારો લોકોનાં જીવ લઇ ચુકેલા કોરોના વાયરસનો કહેર ભારતમાં પણ વધતો જઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી આ મહામારીથી 2547 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. આમાં 62 લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 478 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દિલ્હીનાં નિઝામુદ્દીનમાં ગત મહિને થયેલી તબલીગી જમાતનાં કાર્યક્રમ બાદ કોરોના સંક્રમણ આખા દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે.
નવા પોઝિટિવ કેસમાં મોટી સંખ્યામાં લોકો તબલીગી જમાતનાં અથવા તેમના સંપર્કમાં આવેલા લોકો છે. અહીંથી દેશભરમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. આ દરમિયાન જમાતનાં ચીફ મૌલાના સાદ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. તેમણે એક ઑડિયો જાહેર કરીને કહ્યું હતુ કે તેઓ ડૉક્ટોરોની સલાહ પર ક્વોરન્ટાઇનમાં જતા રહ્યા છે. ઑડિયોમાં તેઓ લોકોને લૉકડાઉનનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે.
મૌલાનાની શોધ ચાલી રહી છે. આ દરમિયાન તેમના ફાર્મ હાઉસની તસવીરો સામે આવી છે. તેમનું ફાર્મ હાઉસ સ્વીમિંગ પુલ સહિતની સુવિધાઓથી સજ્જ છે. ફાર્મ હાઉસની બહાર કારોનો લાંબો કાફલો જોવા મળી રહ્યો છે. મૌલાનાં ફાર્મ હાઉસમાં અનેક ગાડીઓ અને બાઇક જોવા મળી રહી છે. તબલીગી જમાતનાં કેટલાક લોકોની તો ભાળ મળી, પરંતુ જમાતનાં ચીફ મૌલાના સાદની અત્યાર સુધી કોઈ ભાળ મળી નથી.
ક્રાઇમ બ્રાન્ચ તેમની શોધમાં છે અને મૌલાનાની વિરુદ્ધ ગંભીર કલમો લગાવીને કેસ નોંધવામાં આવ્યો છે. એક દિવસ પહેલા જ તેમણે ઑડિયો જાહેર કરીને આઈસોલેશનમાં હોવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન મૌલાના મોહમ્મદ સાદને ક્રાઇમ બ્રાન્ચે નોટિસ ફટકારી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મરકઝને અનુલક્ષીને 26 પ્રશ્નોનાં જવાબ માંગ્યા છે. મૌલાનાની શોધમાં પોલીસનાં દરોડો ચાલું છે.