મુંબઇમાં કોરોના (Corona) નાં માનવભક્ષી વિષાણુઓએ માર્ચમાં પગપેસારો કર્યો ત્યારથી અત્યાર સુધીમાં દસ વર્ષથી ઓછી વયના લગભગ ૭૦૦ બાળકોને આ વિષાણુનો ચેપ લાગ્યો છે. પરંતુ રાહતની બાબત એ છે કે આમાંના મોટા ભાગના બાળકો ટૂંક સમયમાં જ કોવિડને પરાજીત કરી શક્યા હતા અને કોવિડનો બાળમરણ દર સાવ નગણ્ય (ઓછો) રહ્યો છે. જો કે, ડોક્ટરોએ ચેતવણી આપી છે કે કેટલાક બાળકોમાં કદાચ મુખ્ત વયના દરદીમાં જોવા મળે તેવાં નહી પણ તેથી ભિન્ન ભિન્ન લક્ષણો દેખાય છે. મુંબઇમાં કોરોનાના કુલ દર્દીઓમાં દસ વર્ષ સુધીના બાળકોના કેસ લગભગ બે ટકા જેટલા એટલે 700 હોવાનું નોંધાયું છે. તથા આ વયના દર્દીઓમાં માત્ર એકનું મોત થયું હતું. જ્યારે ૧૧થી ૨૦ વર્ષની વયના કિશોર તથા તરુણોના ૧,૨૦૦ કેસ તથા બે જણાના મોત નોંધાયા છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે કોરોનાગ્રસ્ત મોટાબાગના બાળકોમાં આ બિમારીનાં લક્ષણો જણાયાં ન હતા. પરંતુ જેમનામાં જણાયા તેમાં મોટા ભાગનામાં તાવ, ખાંસી, તથા અમુક કેસમાં શ્વાસોશ્વાસની તકલીફ, પેટની ગરબડ ડિહાઇડ્રેશન (શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટવું) તથા કંપન જેવા લક્ષણો જણાયા હતા. આ માહિતી દર્શાવે છે કે મુખ્ત વયના દર્દીઓની તુલનાએ બાળકો કોરોનાની પીડામાંથી વહેલા બહાર આવી જાય છે. અધૂરા માસે જન્મેલા તથા જન્મ સમયે અત્યંત ઓછું વજન હોય તેવા શિશુઓ પણ સંપૂર્ણપણે સાજા થયાં છે એમ કોવિડ પોઝિટીવ મહિલાઓ માટે અલાયદા પ્રસિતૂગૃહ તરીકે મુકરર કરાયેલી પાલિકા સંચાલીત બી.એલ.નાયર હોસ્પિટલ સાથે કળાયેલા ડો. સુરભી રથીએ કહ્યું હતું. બાળકોના રોગોના નિષ્ણાત ડોક્ટરોએ જણાવ્યુ હતું કે કોરોના મહામારીમાં બાળકો ઝડપથી સાજા થાય છે. અને બાળ મરણદર ઓછો છે તે કોઇ ચમત્કાર નહી પણ બાળકોની પ્રતિકારશક્તિ વધુ તેજ હોવાનું પરિણામ છે. વળી આટલી નાની વયે બ્લડપ્રેસર, હૃદયરોગ, ડાયાબિટીઝ જેવી બિમારીઓ તેમને ન હોય તે પણ એક મહત્વનું પાસું છે.