ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણનાં કામ સિવાય અન્ય કામગીરી સોંપી દેવામાં આવતાં શિક્ષકો નારાજ થતાં હોવાનાં કિસ્સા રાજ્યમાં અવારનવાર સામે આવતાં રહે છે. તેવામાં અમદાવાદમાં વધુ એકવાર શિક્ષકો તંત્રથી નારાજ થયા છે. અમદાવાદ મ્યુનિસિપિલ સ્કૂલ બોર્ડનાં શિક્ષકોને શહેરની હોસ્પિટલોમાં હેલ્પ ડેસ્કની કામગીરી સોંપવામાં આવી છે. કોરોનાના સંકટ સમયમાં ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાના શિક્ષકોનો સહારો લઈ મહત્વની કામગીરી સોંપી છે. જેને લઇને સ્કૂલ બોર્ડ શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. કોર્પોરેશને તેની હસ્તક શાળાઓના શિક્ષકોને અમદાવાદ શહેરની 42 હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક પર કામગીરી કરવાનો આદેશ કર્યો છે. જેમાં ત્રણ શિફ્ટ મુજબ શિક્ષકોની કામગીરી સોંપવામાં આવી છે. એક શિફ્ટમાં બે શિક્ષકોને હેલ્પ ડેસ્ક પર કામ કરવાનું રહેશે. સવારે 7 થી 3, બપોરે 3થી 11 અને રાત્રે 11 થી સવારે 7 સુધી શિક્ષકોએ કામગીરી નિભાવવાની રહેશે. હેલ્પ ડેસ્કની કામગીરીને લઈને સ્કૂલ બોર્ડ શિક્ષક મંડળે વાંધો ઉઠાવ્યો છે. મંડળનું કહેવું છે કે, શિક્ષકો કોરોનાનાં સમયમાં સરકારને શક્ય એટલી મદદ કરી સરકારની સાથે મળીને કામ કર્યું છે. અનાજ વિતરણની વાત હોય, ટુ ડોર સર્વેની વાત હોય, વિદ્યાર્થીઓને સાહિત્ય પહોંચાડવાની વાત હોય, કે પછી અર્બન હેલ્થ સેન્ટર પર ફરજ નિભાવવાની વાત હોય. જેથી શિક્ષક મંડળે કોર્પોરેશનનાં વલણ સામે નારાજગી દર્શાવી છે, સાથે જ સરકારને આ બાબતે રજુઆત પણ કરશે.