કોરોનાને ફેલાતા અટકાવવા લોકડાઉન અમલમાં મુકાયું છે. હવે અનલોક – ૧ અમલમાં છે. જો કે, હવે લોકડાઉનને તબક્કાવાર ખોલવાની તૈયારી ચાલુ છે. આ કડીમાં હવે ૮ જૂનથી ધાર્મિક સ્થળો ખોલવા સરકારે મંજૂરી આપી છે. ત્યારે પાવાગઢ મહાકાળી મંદિર ખોલવાને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. મંદિર ખોલવા બાબતે ટ્રસ્ટ હવે ૨૦ જૂને અંતિમ નિર્ણય લેવામાં આવશે. મહાકાળી મંદિર ટ્રસ્ટ પોતાના લેટરપેડ પર જણાવ્યું કે, આગામી ૨૦ જૂન સુધી ટ્રસ્ટે મંદિર નહીં ખોલવાનો નિર્ણય લીધો છે જેના કારણે ભક્તોએ માં મહાકાળીના દર્શન માટે કાગડોળે રાહ જોવી પડશે. મંદિર દ્વારા એવું કારણ આપવામાં આવ્યું છે કે, મંદિરના નવ નિર્માણનું કાર્ય ચાલુ હોવાથી આખરી નિર્ણય ૨૦મી જૂને લેવાશે. જણાવી દઈએ કે, વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરના કમાડ ૮મી જૂનથી ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકાશે. જોકે સરકારની માર્ગદર્શિકા મુજબ આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કેટલાક તકેદારીના પગલાં પણ લેવાયા છે. જે મુજબ ભક્તોને દર્શન માટે એક માત્ર શક્તિ દ્વારથી જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આરતી દરમિયાન ભક્તોને પ્રવેશ અને પ્રસાદ પણ આપવામાં નહીં આવે.