રાજ્ય સરકારે જંત્રીના બમણા દરો અમલી બનાવ્યા છે તેની અસર ગાંધીનગર શહેરમાં ધારાસભ્યો- સાંસદો, અધિકારી- કર્મચારીઓને રાહતદરે ફાળવાયેલા રહેણાંક પ્લોટના ટ્રાન્સફર વખતે ભરવાના થતા પ્રિમિયમ પર પણ પડશે. પ્રિમિયમ ગણતરી માટે ધ્યાને લેવામાં આવતા બજાર ભાવ જંત્રી વધતા વધ્યા હોવાથી પ્લોટના પ્રિમિયમની રકમમાં માતબર વધારો થશે. હાલ જોકે, વેચાણ મંજૂરી પર સ્ટે છે પરંતુ ટૂંક સમયમાં આ મામલે સુપ્રીમ કોર્ટમાંથી આખરી નિર્ણય જાહેર થાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.
ગાંધીનગર શહેરમાં એમપી-એમએલએ, અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવવામાં આવતા રાહતદરના પ્લોટ ઉંચી કિંમતે વેચી નફાખોરી કરવામાં આવતી હોવા મામલે પહેલા હાઇકોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ થઇ હતી જેથી આ પ્લોટ ફાળવવાથી લઇને ટ્રાન્સફર કરવા સહિતની તમામ ગતિવિધ પર સ્ટે મૂકવામાં આવ્યો છે. છેલ્લા 12 વર્ષથી આ મામલો કોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે. પરંતુ સૂત્રોના કહેવા પ્રમાણે આગામી ઓક્ટોબર મહિનામાં આ કેસનું લાસ્ટ હીયરીંગ છે અને તે પછી સુપ્રીમ કોર્ટ દ્વારા આખરી નિર્ણય જાહેર કરવામાં આવનાર છે.આ દરમિયાન વેચાણ મંજૂરી આપવા પર સ્ટે હોવાથી શહેરમાં પ્લોટ વેચવા માંગતા પ્લોટધારકો અગાઉ હાઇકોર્ટ અને હવે સુપ્રીમ કોર્ટમાંથી વેચાણ મંજૂરી મેળવી રહ્યા છે. તાજેતરમાં વિવિધ સેક્ટરના ત્રણ પ્લોટધારકો સુપ્રીમમાંથી વેચાણ મંજૂરી લઇને આવ્યા છે. જેના આધારે પ્રથમ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અને તે પછી કલેક્ટર કચેરી દ્વારા પ્રિમિયમની ગણતરી કરીને વેચાણ મંજૂરી આપવામાં આવશે. વેચાણ મંજૂરી માટે જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા વર્તમાન બજાર ભાવનો આધાર લેવામાં આવતો હોય છે. તાજેતરમાં જંત્રીના ભાવ બમણા થયા હોવાથી પ્રિમિયમની રકમમાં પણ વધારો થશે.
12 વર્ષથી ફાળવણીની પ્રક્રિયા બંધ છે ગાંધીનગરમાં રાહતદરે ફાળવવામાં આવેલા પ્લોટ પર પહેલા હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં રીટ થતા કોર્ટનો સ્ટે હોવાથી છેલ્લા 12 વર્ષથી રાહતદરના પ્લોટની નવી ફાળવણી, વેચાણ મંજૂરી, પ્લોટ તબદીલી સહિતની તમામ પ્રક્રિયા બંધ છે. બીજીતરફ કર્મચારીઓ દ્વારા નવી નીતિ બનાવીને પ્લોટની ફાળવણી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.