ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ
વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વર્ષ ૨૦૨૩-૨૪ માટે સરકારી કોટામાં ૬૭ ટકા અને મેનેજમેન્ટ કોટામાં ૮૮ ટકા અને NRI કોટામાં ૩૦૦૦ ડોલરના અસહ્ય ફી વધારાને કારણે ડોક્ટર બનવું મુશ્કેલ બનશે
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ગુજરાત મેડીકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી (GMERS) ની રચના ૧૩ વર્ષ પહેલા કરવામાં આવી હતી અને તે સમયે ‘રાજ્ય સરકારે સતત એવી જાહેરાત કરી હતી કે, ઓછી ફીમાં ડોક્ટરો તૈયાર કરવામાં આવશે જે ગુજરાતની આરોગ્ય સેવાને મદદરૂપ થશે’ પરંતુ જે રીતે રાજ્ય સરકારે રાતોરાત GMERS ની મેડીકલ કોલેજોમાં જીંકાયેલો જંગી ફી વધારો જે તે સમયની રાજ્ય સરકારની જાહેરાતથી તદ્દન વિપરીત છે. હાલ રાજ્યમાં ૧૩ GMERS મેડીકલ કોલેજો છે. ગુજરાતમાં મોટા પાયે ડોક્ટરો, સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો, પેરા મેડીકલ સ્ટાફ, નર્સીસ, સહિતના મેડીકલ ક્ષેત્રે જોડાયેલા માનવબળની મોટા પાયે ઘટ છે ત્યારે ગુજરાતના મેડીકલ અભ્યાસ કરીને ડોક્ટર બનવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વર્ષ ૨૦૨૩-૨૪ માટે સરકારી કોટામાં ૬૭ ટકા અને મેનેજમેન્ટ કોટામાં ૮૮ ટકા અને NRI કોટામાં ૩૦૦૦ ડોલરના અસહ્ય ફી વધારાને કારણે ડોક્ટર બનવું મુશ્કેલ બનશે. મેડીકલ અભ્યાસ માટેનું રજીસ્ટ્રેશન શરૂ થયાના ઘણા દિવસો બાદ ફી વધારો જાહેર કરાયો છે. એક સાથે મેડીકલની ફીમાં ૬૭ થી ૮૮ ટકા સુધીના વધારાને કારણે વાલી-વિદ્યાર્થીઓ મોટી આર્થિક ચિંતામાં મુકાઈ ગયા છે. સોસાયટીની કોલેજોમાં જે રીતે રાજ્ય સરકારે ફી નો તોતીંગ વધારો કર્યો છે તેના લીધે નીટના ઉંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને GMERSની કોલેજોમાં પ્રવેશની શક્યતા હતી તે તમામ વિદ્યાર્થી-વાલીઓ માટે કેવી રીતે નાણાંકીય આયોજન કરવું તે ગંભીર પ્રશ્ન બની ગયો છે. ગુજરાતના વાલીઓ કે જેઓ પોતાના સંતાનોને મેડીકલમાં ગુજરાત ખાતે અભ્યાસ કરાવવા માંગે છે તેઓની રજુઆત કોંગ્રેસ પક્ષને મળી હતી. મેડીકલમાં જંગી ફી વધારા અંગેની વાલીઓની ચિંતા વ્યાજબી છે.રાજ્યની GMERS ની મેડીકલ કોલેજમાં કરવામાં આવેલો તોતીંગ ફી વધારો સત્વરે પાછો ખેંચવામાં આવે જેથી કરીને ગુજરાતના સામાન્ય – મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું શિક્ષણ લોન લઈને વિદેશમાં અભ્યાસ કરવાને બદલે રાજ્યમાંથી તેમનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે અને રાજ્યમાં ડોક્ટરોની ઘટ કઈક અંશે ઓછી થાય.