રાજયના નાગરિકોને ધર આગણેજ શુધ્ધ પીવાનું પાણી મળી રહે એ માટે કેન્દ્રસરકાર દ્વારા અમલી નલ સે જલ યોજના હેઠળ ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી કરી છે. ગુજરાતની નારીશક્તિ દ્વારા કરાયેલ જલ શક્તિનું સંરક્ષણ રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે.ડાંગ જિલ્લાના માલેગામના ૩૩૦ ગામોના ઘરોમાં ‘નલ સે જલ’ યોજના પૂર્ણ કરવામાં આવી છે. જે સંદર્ભે તાજેતરમાં માલેગામના મહિલા સરપંચને સ્વચ્છ સુજલ શક્તિ સન્માન -૨૦૨૩ પારિતોષિક મહામહિમ રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં કેન્દ્રીય જલમંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યું છે.
રાજ્યના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ માટે પ્રખ્યાત સાપુતારાની તળેટીમાં આવેલ માલેગામના મહિલા સરપંચના શ્રીમતી તનમયબેન ઠાકરેના વહીવટે અહીં મહિલાઓની વ્યથાને અનુભવીને, અસરકારક વ્યવસ્થાપનના સથવારે નલ સે જલ આખી યોજનાને સફળ બનાવી. જેની નોંધ જિલ્લા મથક આહવા કે પાટનગર ગાંધીનગર જ નહીં, છેક રાજધાની દિલ્હી સુધી લેવામાં આવી છે. એટલું જ નહીં ભારત સરકારના જલશક્તિ મંત્રાલયે માલેગામ મહિલા સરપંચને ‘સ્વચ્છ સુજલ શક્તિ સન્માન-૨૦૨૩’ પારિતોષિક મહામહીમ રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં જલશક્તિ મંત્રીના હસ્તે અર્પણ કર્યું છે.
આ પારિતોષિક માટે ગુજરાતભરમાંથી માત્ર બે જ લોકોની પસંદગી થઈ છે, ડાંગ જિલ્લા ઉપરાંત કચ્છના એસએચજી ગ્રુપના પ્રતિનિધિ શ્રીમતી રાજીબેન વણકરને ગોબરધન, બાયોડિગ્રેડેબલ વેસ્ટ, અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે આ સન્માન મળવા પામ્યું છે. ત્યારે હમેશા પાણીની અછતનો સામનો કરતા ડાંગ જેવા પ્રદેશની સફળ વ્યવસ્થાની નોંધ, રાજધાનીમાં લેવામાં આવી, તે આપણા સૌના માટે ગૌરવની બાબત છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે,ગામડાઓમાં પીવાનું પાણી મેળવવા માટે મહિલાઓને લાંબુ અંતર કાપવું પડતું હતું.પીવાનાં પાણીની વ્યવસ્થા કરવામાં તેમનો ઘણો સમય લાગતો.આ સમસ્યાઓને દૂર કરવા માટે ભારત સરકારે ખાસ પગલાં લીધાં છે.
માલેગામમાં મહિલા સરંપચે કરેલી જળ વ્યવસ્થાપનની કામગીરી જાણવા જેવી છે. ગ્રુપ ગ્રામ પંચાયતના આ ગામમાં ચાર ગામોનો સમાવેશ થાય છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને અહીંના ઘણા લોકો સાપુતારા નજીક હોવાથી આજીવિકા મેળવવા માટે સાપુતારા જાય છે, વળી, ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે પાણીના સ્રોત મર્યાદિત હોવાના કારણે ગામની બહેનોને પાણી ભરવા માટે સવારના ૪ વાગ્યે ઘરેથી નીકળવું પડતું હતું.
આવા સમયે વાસ્મોની ડાંગ કચેરીના માર્ગદર્શન હેઠળ ગામના મહિલા સરપંચ અને પાણી સમિતિના અધ્યક્ષ શ્રીમતી તન્મયબેન દેવરામભાઈ ઠાકરે અને તેમની સમિતિના સહયોગથી કુલ ૩૩૦ ઘરો ધરાવતા ત્રણ ફળિયાના આ ખોબા જેવા ગામડા ગામમાં રૂા. ૨૧.૪૫ લાખના ખર્ચે ગામમાં ‘નલ સે જલ’ યોજના પૂર્ણ કરી અને યોજના બનાવવા કરતાં પણ યોજના નિયમિત અને સારી રીતે ચલાવી.
હાલ ગામમાં દરરોજ ત્રણેક કલાક નિયમિત રીતે પાણી આપવાની વ્યવસ્થા છે તથા નળ જોડાણ આપીને જ ફકત બેસી ન રહેતાં યોજના અસરકારક ટકાઉપણા માટે તન્મયબેન અને તેમની સમિતિ દ્વારા યોજના પૂર્ણ થયા બાદ પાણીવેરો નિયમિતિ ઉઘરાવવામાં આવે છે અને આ પાણીવેરામાંથી જ યોજનાની મરામત અને નિભાવણી અસરકારક રીતે કરવામાં આવી રહી છે.
ગામમાં પેયજળ યોજના નિયમિત કાર્યરત રહે માટે તન્મયબેને ઘણા જ પ્રયત્નો કર્યા છે જ્યાં પણ બહેનોના સંદેશો મળે છે કે અમારે ત્યાં ચકલી લાઈનમાં પાણી નથી આવતું ત્યાં તન્મય બેન જાતે પહોંચી જઈ યોજનાની ચકલી ફરીથી કાર્યરત કરે છે.
‘વિશ્વ મહિલા દિવસ’ નિમિત્તે ડાંગ જિલ્લાને ગૌરવ અપાવનાર માલેગામના આ મહિલા સરપંચ જણાવે છે કે, પાણી અને સ્વચ્છતા દરેક નાગરિકનાં જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે પરંતુ આ મુદ્દાઓ મહિલાઓને સૌથી વધુ અસર કરે છે. કારણ કે સામાન્ય રીતે મહિલાઓની એ જવાબદારી હોય છે, કે તેઓ તેમનાં ઘર માટે પીવાનાં પાણીની વ્યવસ્થા કરે. ત્યારે એક મહિલા સરપંચના નાતે આપણી એક જવાબદારી થઈ પડે છે, કે એટલીસ્ટ આપણા ગામની મહિલાઓને તો આ મુશ્કેલીમાંથી મુક્તિ મળે.
વર્ષ ૨૦૧૭થી સતત ગ્રામ વિકાસના અસરકારક કામોને શ્રીમતી તન્મયા બેન બીજી વખત સરપંચ તરીકે નિમાયા છે. તન્મયબેને ગ્રામજનોની સુખાકારી, કુદરતી સંશાધનોનો સમુચિત ઉપયોગ, અને પ્રજાકલ્યાણની તમામ યોજનાઓ લોકો સુધી બખૂબી પહોંચાડવાની નેમ સાથે કાર્ય કરી રહ્યા છે. તન્મયબેન અને તેમની સમિતિ બાદ ગામમાં પાણી બાદ પેવર બ્લોકના રસ્તાની સુવિધા, સ્ટ્રીટ લાઈટ, ગટર લાઇન, સ્મશાન સુધીના રસ્તા સહિત શાળા અને આંગણવાડીના બાળકો માટે રમતગમતના સાધનો ઉપરાંત ભીંત ચિત્રોથી સુશોભિત કરી ગામને સોહામણું બનાવ્યું છે.