સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે ‘પ્રાકૃતિક ખેતી અને સેવ સોઇલ’ પરિસંવાદ યોજાયો હતો, જેમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જિલ્લાના ખેડૂત સાથે વાર્તાલાપ કરી ખેડૂતોના અનુભવોની વિગતો મેળવી હતી
રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે, જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતાં કેન્સર, હ્રદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. મનુષ્યની સાથે પશુઓમાં પણ કેન્સર જેવા રોગ જોવા મળે છે. કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગનું કારણ પણ રાસાયણિક ખાતર છે. જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરિકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિએ ધાર્મિક ભાવ નહી, પરંતુ શુદ્ધ વિજ્ઞાન છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરિણામે જમીન બિનઉપજાઊ બની રહી છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે.
રાજ્યપાલશ્રીએ ખેડૂતોને ઓર્ગેનિક ( જૈવિક) ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવ્યો. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીનમાં જીવાણું, અળસિયા અને મિત્ર જીવ અસંખ્ય સંખ્યામાં જોવા મળે છે. જેને કારણે જમીનના ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે અને જમીન ઉપજાઊ અને ફળદ્રુપ બને છે, એવું દ્રષ્ટાંતો સહિત રાજ્યપાલશ્રીએ સમજાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવી પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ રહી છે. આત્માના અધિકારીઓ અને ખેડૂતો દ્વારા તાલીમ આપવાની કામગીરી કરાઈ રહી છે . રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં માસ્ટર ટ્રેઇનર તૈયાર થઈ રહ્યા છે. જેઓ ગામડાઓમાં જઈને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનજીવામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમબદ્ધ કરી રહ્યા છે
રાજ્યપાલશ્રીએ માનવતા અને જીવ કલ્યાણ માટે આરંભાયેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સૌ ખેડૂતોને આધુનિક ટેકનોલોજીના વિનિયોગ સાથે જોડાઇ ધરતી માતા અને કૃષિપેદાશોને ઝેરમુક્ત બનાવવા હાકલ કરી હતી.
ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી દેશને દિશા દર્શન કરી રહ્યું છે, તેમ જણાવતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને સમગ્ર દેશમાં રોલ મોડલ બનાવવામાં આવશે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શિરમોર બની દેશના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનું પ્રેરક બનશે એવો વિશ્વાસ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો
આ કાર્યક્રમમાં અન્ન નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર, ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર , જિલ્લા કલેકટર શ્રી એન.એન.દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ, સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ, પૂર્વ સરપંચ શ્રી હિમાંશુભાઈ પટેલ, સિદ્ધાર્થભાઈ પટેલ, સંત શ્રી સત્યજીત મુનિ બ્રહ્માકુમારીની બહેનો જિલ્લા ખેતીવાડી અધિકારી અને આત્મા પ્રોજેકટ નિયામકશ્રી વી.કે.પટેલ , જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.