ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકામાં સૌપ્રથમવાર ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં મચ્છરના ઉપદ્રવને નાથવા ડ્રોન મારફત દવા છંટકાવની અને સર્વેની કામગીરી ગાંધીનગરમાં કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ માન. મેયરશ્રી હિતેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં તથા ડે.મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ અને સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં વાવોલ ખાતેથી પ્રારંભ કરવામાં આવી. આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે લેટેસ્ટ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી નગરજનોને આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ પુરી પાડવા ગાંધીનગર મહાનગરપાલિકા કટિબદ્ધ છે.

અત્રે ઉલ્લેખનીય એ છે કે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વધારો થવાથી આસપાસના 18 જેટલા ગામો અને પેથાપુર નગરપાલિકાના સમાવેશ થયેલ છે. ગાંધીનગરના તમામ નાગરિકોનો સ્વાસ્થ્ય સારું રહે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહેલ છે. હાલમાં ચોમાસાની ઋતુના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ રહેવાના કિસ્સા ધ્યાને આવતા તેમજ શહેરમાં કન્સ્ટ્રકશનની કામગીરી ચાલતી હોય. આ પરિસ્થિતિમાં મચ્છરનો ઉપદ્રવને નાથવા ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડ્રોન દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા માટેના જવાબદાર પરિબળોનો સર્વે હાથ કરવામાં આવશે તેમજ ડ્રોન મારફત દવા છંટકાવ કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યમાં ગાંધીનગર એ મહેસાણા જિલ્લા પછી બીજા નંબરે તેમજ રાજ્યની મહાનગરપાલિકાઓમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમવાર ડ્રોન દ્વારા દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.

આ દરમિયાન ડે.મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે.ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, કાઉન્સિલરશ્રીઓ, હોદેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.