ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનમાં કેટલાંક વર્ષો પહેલાં નિયમો નેવે મૂકીને મનસ્વી રીતે 79 કર્મચારીઓની કરાયેલી ભરતી કૌભાંડમાં રૂ.6 કરોડ, 44 લાખથી વધુ રકમ વસૂલવા માટે કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા હિલચાલ હાથ ધરવામાં આવી રહી છે. આ કૌભાંડમાં જવાબદાર અને કસૂરવાર ગણાતા ગુજકોમાસોલના તત્કાલીન ચેરમેન નટવરલાલ પટેલના વારસદારો અને ફેડરેશનના તત્કાલીન ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર મનોજ પટેલ પાસેથી રૂ. 6,44,22,500ની રકમ વસૂલવા માટેના ચક્રો ગતિમાન થઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. ગુજકો માસોલમાં 79 કર્મચારીઓની કરાયેલી ગેરકાયદે ભરતી વેળા પ્રત્યેક ઉમેદવાર- વ્યક્તિ પાસેથી રૂ. 8 લાખથી રૂ. 15 લાખ લેવામાં આવ્યા હોવાના કરાયેલા આક્ષેપોમાં સહકારી કાયદાની કલમ- 93 અન્વયે તપાસ કરાવાઈ હતી અને આ ભરતી કૌભાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કરાયો હતો. ગુજકો માસોલમાં 79 કર્મચારીઓની ભરતી કરવા માટે અખબારોમાં જાહેર ખબર આપ્યા વિના, રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્યની મંજૂરી મેળવ્યા વિના તેમજ બોર્ડમાં જરૂરી ઠરાવો મંજૂર કર્યા વિના અને પરીક્ષા લીધા વિના 79 કર્મચારીઓની ગેરકાયદેસર ભરતી કરવામાં આવી હતી. ગુજકો માસોલમાં 79 કર્મચારીઓની ગેરકાયદે ભરતી કૌભાંડ ઉપરાંત રૂ.20 કરોડ, 50 લાખના ખર્ચે નવું બિલ્ડિંગ ખરીદવા માટે પૂર્વ મંજૂરી મેળવાઈ નહોતી, મગ અને તુવેર અને ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરીને ગુજકો માસોલને રૂ.1 કરોડ, 75 લાખનું આર્થિક નુકસાન પહોંચાડાયું હોવાના આક્ષેપો પણ કરાયા હતા. આ કિસ્સામાં હાઈકોર્ટમાં કરાયેલી રીવીઝન અરજી રદ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા સરકારી વિભાગો અને સહકારી સંસ્થાઓમાં બદલી, બઢતી, ચીજવસ્તુઓની ખરીદી, વગેરે જેવી પ્રક્રિયાઓમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિને અનુસરીને કૌભાંડીઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે ગુજકો માસોલમાં વિવાદાસ્પદ ભરતી કૌભાંડમાં જવાબદારો અને કસૂરવારો સાથે આકરાં પગલાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ગુજકો માસોલમાં કર્મચારીઓની ભરીત અંગેના સહકારી કાયદા અંતર્ગત પૂર્વ મંજૂરી મેળવ્યા વિના અને જરૂરી પ્રોસીજરનો અમલ કર્યા વિના, બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ઠરાવ પસાર નહીં કરાવીને તેમજ અખબારોમાં જાહેરખબર આપ્યા વિના 79 કર્મચારીઓની ભરતી કરવાના પગલે ભારે વિવાદ સર્જાયો હતો. આ કર્મચારીઓની ભરતી કરવા માટે રોજગાર કચેરીઓમાંથી અરજદારોના નામો પણ મંગાવાયા નહોતા તેમજ કર્મચારીઓની ભરતી કરવા માટે લેખિત કે મૌખિક પરીક્ષા સુદ્ધાં લેવામાં આવી નહોતી. આમ, સહકારી કાયદા અંતર્ગત આવશ્યક પદ્ધતિને અનુસર્યા વિના તત્કાલીન ચેરમેનના આદેશ અને મંજૂરીથી ભરતી કરવામાં આવી હતી. ગુજકો માસોલ પાસે ફક્ત રૂ. 2 કરોડ,26 લાખ જેટલું બિલ્ડિંગ ફંડ હોવા છતાં રૂ. 20 કરોડ, 50 લાખના ખર્ચે નવું બિલ્ડિંગ ખરીદવામાં આવ્યું હતું અને આ હેતુસર કોઈપણ પ્રકારે પૂર્વ મંજૂરી મેળવવામાં આવી નહોતી. ગુજકો માસોલનું નવું બિલ્ડિંગ ખરીદવામાં રૂ. 16. 35 કરોડનો બાનાખત થયા પછી ખૂબ જ ટુંકા ગાળામાં નવું બિલ્ડિંગ રૂ. 20 કરોડ, 50 લાખમાં ખરીદી અંગેનો દસ્તાવેજ કરાવીને સંસ્થાને રૂ.4 કરોડ, 15 લાખનું જંગી નુકસાન કરાવાયું હતું.