ગાંધીનગર મહાનગરપાલિકામાં પ્રિન્ટિંગ અને સ્ટેશનરીની કામગીરીના ટેન્ડરમાં એલ1 આવેલી એજન્સી બેસ્ટ કોમ્પ્યુટર દ્વારા વધુ વપરાતી વસ્તુઓની કિંમત ઉંચી અને ઓછી વપરાતી વસ્તુઓની કિંમત વધુ ભરવામાં આવી હોવાની ગેરરીતિ પકડીને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ટેન્ડર રદ કરી એલ4 આવેલી એજન્સીને ટેન્ડર આપવાના નિર્ણયને બેસ્ટ કોમ્પ્યુટર દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા બાદ કેસની સુનાવણી બાદ હાઇકોર્ટે મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ લીધેલા નિર્ણયને માન્ય ઠેરવ્યો છે. હવે મહાનગરપાલિકા દ્વારા આ એજન્સી સામે બ્લેક લિસ્ટેડ કરવા સહિતના પગલાં લેવામાં આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે કહ્યું કે વર્ષ 2014થી બેસ્ટ કોમ્પ્યુટર દ્વારા સ્ટેશનરીની કામગીરી સંભાળવામાં આવતી હતી. દર વર્ષે નવું ટેન્ડર બહાર પાડવાને બદલે આ ટેન્ડર એક્સ્ટેન્ડ કરવામાં આવતું હતું. ચાલું વર્ષે અમે પ્રિન્ટીંગ સ્ટેશનરી અને ફ્લેક્સ બેનરનું ટેન્ડર અલગ અલગ કરવાનો નિર્ણય લેતા નવેસરથી ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં એલ1 તરીકે બેસ્ટ કોમ્પ્યુટરને ટેન્ડર સોંપવાની ભલામણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ સ્ટેન્ડીંગ કમિટીએ ભાવપત્રકનો અભ્યાસ કરતા બેસ્ટ કોમ્પ્યુટરે ચાલાકીપૂર્વક ભાવ ભર્યા હોવાનું જણાયું હતું. આ એજન્સી 10 વર્ષથી મહાનગરપાલિકામાં કામ કરતી હોવાથી તેને કઇ વસ્તુનો વધારે ઉપયોગ થાય છે તેની ખબર હતી જેથી તેવી વસ્તુની કિંમત ઘણી ઉંચી રાખવામાં આવી હતી.
આ ખ્યાલ આવતા તેનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું. હાઇકોર્ટનો ચૂકાદો આવ્યા બાદ 10 વર્ષથી આ એજન્સીએ મહાનગરપાલિકામાં કામ કર્યું હોવાથી અને આ પ્રકારની જગલરી કરીને નાણા વસૂલ કર્યા હોવાથી હવે તેની સામે તપાસ કરવામાં આવશે અને ભવિષ્યમાં બ્લેકલિસ્ટેડ કરવા સહિતના પગલાં અંગે વિચારણા કરવામાં આવશે તેમ પણ જશવંત પટેલે જણાવ્યું હતું.