RERA ઓર્થોરીટીમાં બે સભ્યો અને RERA ટ્રીબ્યુનલ ચેરપર્સન અને એક સભ્યની નિમણુંક મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ અનિરૂદ્ધ પી.માયીની ખંડપીઠે રાજ્ય સરકારની ભારે ઝાટકણી કાઢી હતી. ખંડપીઠે એવી વેધક ટકોર કરી હતી કે જો તમારે આવા ટ્રીબ્યુનલ ચલાવવા જ ન હોય તો શા માટે બનાવો છો? તમે કાયદાથી વિપરીત અને તમારા જ હિત વિરૂદ્ધ કાર્યવાહી કરો છો ? શું પ્રક્રિયા હોય છે અને તમને ખબર છે?
કાયદો કહે છે કે કમીટીનું ગઠન કરવુ, તમે કમિટી બનાવી અને પેપરવર્ક પુરૂ કરીને કહો છો કે તમારૂ કામ પુરૂ થઈ ગયુ ! કમીટી દ્વારા શું કરવાનું હોય છે? જે નામ કમીટીએ શોર્ટલીસ્ટ કરવાના હોય એ કયાં છે? આ નામ કઈ રીતે કલેકટ કરવાના હોય છે? અમે તમને પુરતો સમય આપ્યો હવે સોમવારે બતાવો કે તમારે શું કરવાનું છે? શુક્રવારે આ કેસની સુનાવણીમાં રાજય સરકાર તરફથી એડવોકેટે રજુઆત કરી હતી કે રેરા ઓથોરીટીમાં ચેરપર્સનની નિમણુંક કરી છે અને અન્ય સભ્યોની નિમણુંક મુદ્દે કંઈક નિર્ણય લેવાનો છે.
તેથી થોડો સમય આપવામાં આવે ત્યારે ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ અનિરૂદ્ધ માયીની ખંડપીઠે એવો સવાલ કર્યો હતો કે તમે સભ્યોના નામ કમીટી સમક્ષ મુકયા છે કે નહિં? રાજય સરકારે શું કરવુ જોઈએ ? જયારે આ કેસની સુનાવણી હોય ત્યારે કમીટી મામલો ધ્યાને લઈ રહી છે એવુ કહી દો છો. પરંતુ આગળ શું? તમે હજુ સુધી સભ્યો માટેના નામ એકત્ર કર્યા નથી અને કમીટીને મોકલ્યા નથી. આવા સંજોગોમાં કમીટી શું કરશે? ગત સુનાવણીમાં પણ સરકારે એવુ જ કહ્યું હતું કે તેઓ મામલો ધ્યાને લઈ રહ્યા છે. આ સમગ્ર મામલે કયાં અધિકારી જવાબદાર છે? ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે ગત વર્ષે હાઈકોર્ટ સમક્ષ જાહેર હીતની અરજી કરવામાં આવી હતી.
ત્યારબાદ હાલમાં જ રેરા ઓથોરીટીમાં ચેયરપર્સનની નિમણુંક થઈ ગઈ છે. તેથી આ અંગે અરજદાર તરફથી કોર્ટને માહીતી આપવામાં આવી હતી. જે બાદ હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે રાજય સરકાર તરફથી જણાવવામાં આવ્યુ છે કે ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીમાં સભ્યોની નિમણુંક માટે સિલેકશન કમીટીનું ગઠન કરી દેવાયું છે. હવે બાકીની પ્રક્રિયાનાં 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. બીજી તરફ સભ્યોની નિવૃતિના પગલે રેરા ટ્રીબ્યુનલ ભંગ થઈ જતા કોર્ટે વિવિધ આદેશ કર્યા હતા. જેમાં સરકારે ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો. પરંતુ આજદિન સુધી કોઈ નિમણુંક થઈ નથી તેથી આ સમગ્ર મામલે સરકાર સ્પષ્ટતા કરે. જોકે શુક્રવારે ફરી સરકારે સમય માંગતા હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો હતો.