આગામી અંતરિક્ષ કાર્યક્રમો માટે શુભકામનાઓ પાઠવતો ઠરાવ સૌ સભ્યોએ પોતાના સ્થાન ઉપર ઉભા થઈને બન્ને હાથ ઉંચા કરી સન્માન-ગૌરવ ભેર ઠરાવને કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં પારીત કર્યો હતો. કોંગ્રેસ નેતાઓએ ચંદ્રયાન-૩ની સિધ્ધી – વૈજ્ઞાનિકોને અભિનંદન ઠરાવ કર્યો
કોઈ મહિલા ઉપર બળાત્કાર – હત્યા – અત્યાચારની ઘટનાઓ એ ભારતની આન,બાન, શાન પર પ્રહાર સમાન
અમદાવાદ
નવનિયુક્ત ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી, એ.આઈ.સી.સી. મહામંત્રી અને સાંસદ મુકુલ વાસનીકને ગુજરાત કોંગ્રેસ દ્વારા સરદાર પટેલ એરપોર્ટ થી રાજીવ ગાંધી ભવન સુધી બાઈક રેલી યોજી સ્વાગત કરાયું હતું. શ્રી મુકુલ વાસનીકે સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા અને સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી કરી આશીર્વાદ મેળવ્યાં હતાં ત્યારબાદ રાજીવ ગાંધી ભવન ખાતે વિસ્તૃત કારોબારીમાં ભાગ લીધો હતો.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીને સંબોધન કરતાં ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી અને સાંસદ મુકુલ વાસનીકે જણાવ્યું હતું કે, ગુજરાત સાથે મારો સંબંધ ઘણો જુનો છે. એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કામગીરી વખતે ગુજરાત આવવાનો અવસર મળ્યો હતો ત્યારથી લઈને છેલ્લા કેટલાય લાંબા સમયથી ગુજરાત સાથે જોડાયેલો છું. ગુજરાતે હંમેશા મને સ્નેહ અને પ્રેમ આપ્યો છે. આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસનું સંગઠન વધુ મજબુત બનાવવામાં આવશે તે માટે તાલુકા-જીલ્લા અને પ્રદેશ કક્ષા સ્તરે પણ ચોક્કસ જવાબદારી નક્કી કરવામાં આવશે. પ્રતિભા ધરાવતા લોકોને યોગ્ય કામગીરી-જવાબદારી સાથે સંગઠનમાં સ્થાન આપવામાં આવશે. આવનાર લોકસભાની ચૂંટણીમાં ૨૦૦૪માં આવેલા ચોકાવનારા પરિણામ જેવા જ સકારાત્મક પરિણામ આવશે તે માટે કોંગ્રેસ પક્ષ કટિબધ્ધતા રાખી ‘ગો ટુ ધ પીપલ’ એટલે કે જનસંપર્ક કાર્યક્રમો કરશે. ગુજરાતમાં ૨૭ વર્ષથી શાસન કરતી ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિઓને કારણે ગુજરાતના સામાન્ય, મધ્યમ વર્ગ, મહિલાઓ, ખેડૂતો, યુવાનો હેરાન – પરેશાન થયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી દલીત, આદિવાસી, વંચિત અને લઘુમતિ સમાજના લોકો પર અત્યાચારોની ઘટના વધી રહી છે. જ્યારે તેમાં કન્વીક્શન રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ખુબ ઓછો છે. મહિલા સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકારના શાસનમાં છડેચોક મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યાં છે. મણીપુરમાં મહિલાને નિવસ્ત્ર કરી પરેડ કરવામાં આવે જે ભારતના ઈતિહાસમાં ક્યારેય પણ આ પ્રકારની ઘટના થઈ નથી તેમ છતાં વડાપ્રધાનશ્રી હરફ ઉચ્ચારે નહીં એ ખુબ ગંભિર બાબત છે. જ્યારે પણ કોઈ મહિલા ઉપર બળાત્કાર – હત્યા – અત્યાચારની ઘટનાઓ એ ભારતની આન,બાન, શાન પર પ્રહાર સમાન છે.
રાજ્યમાં ટેટ-ટાટ, જુનિયર કલાર્ક, તલાટી, ઉર્જાવિભાગ સહિતના સરકારી ભરતીના પેપર ફૂટવાની ઘટનાને લીધે લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાની ઘટનામાં ભાજપના મોટા માથા સંડોવાયાનું ખુલી રહ્યું છે. તલાટી, ગ્રામ સેવક, સચિવાલય કલાર્ક, ગુજરાત વિદ્યુત બોર્ડ, નાયબ ચીટનીશ, મુખ્ય સેવિકાની ભરતીમાં મોટા પાયે ગેરરીતિની વ્યાપક ફરિયાદો મળી હોવા છતાં ભાજપ સરકાર ગેરરીતિ કરનારાઓને બચાવી રહી છે અને ફરિયાદ કરનારને આરોપી બનાવવાનો કારસો કરી રહી છે. મધ્યપ્રદેશના “વ્યાપમ કૌભાંડ” કરતા પણ વધુ “વ્યાપક ભરતી કૌભાંડ” ભાજપ શાસનમાં ગુજરાતમાં થઈ રહ્યો છે. આજે ગુજરાતના ૪૭.૫૧ લાખ ખેડૂતોના માથે કુલ ૧ લાખ કરોડ રૂપિયાથી વધુનું દેવું છે જ્યારે આખા દેશમાં લગભગ ૧૬ કરોડ ખેડૂતો ઉપર કુલ ૨૧ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશના પ્રત્યેક ખેડૂત પર સરેરાશ રૂ. ૧.૩૫ લાખ દેવું છે જ્યારે ગુજરાતના ખેડૂતો ઉપર માથાદીઠ ૫૬૮૬૮ દેવું છે. રાજ્યના યુવાનોને સન્માન સાથે રોજગાર મળે, સરકારી નોકરીઓમાં-ભરતીમાં ભ્રષ્ટાચાર-ગેરરીતિ બંધ થાય તે માટે તેમજ આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજનની બહેનો, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સીંગના નામે થતાં આર્થિક શોષણ સામે કોંગ્રેસ પક્ષ લડત આપશે.
ગુજરાત કોંગ્રેસ સંગઠનના નવનિયુક્ત પ્રભારી, કુશળ સંગઠક એવા એ.આઈ.સી.સી.ના વરિષ્ઠ મહામંત્રી અને સાંસદશ્રી મુકુલ વાસનીકજીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં ઉષ્માભેર આવકાર આપીને રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ‘મિત્ર’ ઉદ્યોગપતિઓના લાભાર્થે સરકારી તિજોરી લૂંટાવી રહી છે, કરોડો રૂપિયાના કૌભાંડ થાય અને સરકાર આંખ આડા કાન કરે ત્યારે તેનો હિસાબ માંગવાનો સમય આવી ગયો છે. નોટબંધીની લાંબી કતારો, જી.એસ.ટી.ની જાળમાં ફસાયેલા નાના વ્યાપારી હોય કે આત્મહત્યા કરતો ખેડૂત, પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. પૂજ્ય બાપુએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠ જેવી પવિત્ર સંસ્થા પર અપવિત્ર રીતે કબ્જો જમાવવો, ગણ્યાગાંઠ્યા સાનુકૂળ ઉદ્યોગપતિઓને સરકારી તિજોરીના ભોગે વધુ ન્યાલ કરવા, રાજ્યના અર્થતંત્રને ખાડે નાંખવું, ગરીબીમાં વધારો, શિક્ષણનું વ્યાપારીકરણ, મહિલાઓની અસલામતી, દલિત-આદિવાસી, બક્ષીપંચ અને લઘુમતિ સમાજના લોકો સાથે સતત દુર્વ્યવહાર અને ઉપેક્ષા ચિંતાનો વિષય છે. ગુડ ગવર્નન્સની, વિકાસ, ગતિશીલતાની માત્ર વાતો ભાજપના રાજમાં ગુજરાતના માટે ૩ લાખ કરોડ રૂપિયા જેવું અધધ દેવું થયું છે ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય કે વિકાસ કોનો ?
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારી મશીનરીનો બેફામ દુરુપયોગ કરી રહી છે. વિશેષતઃ પોલીસ તંત્રનો રાજકીય હાથા તરીકે ઉપયોગ કરીને રાજકીય દ્વેષ દાખવવામાં આવે છે. એક સમયે શાંતિ, કાયદો અને વ્યવસ્થા માટે સમગ્ર દેશના ઉદાહરણરૂપ આપણું ગુજરાત આજે સામાન્ય પ્રજાજનો માટે અસલામત બની ગયું છે. હત્યા, અપહરણ, બળાત્કાર, લૂંટ અને ચોરીના સમાચાર સામાન્ય બન્યા છે. પોલીસ ઉપર હુમલા થવાના બનાવો લગભગ રોજીંદા બની ગયા છે. બાળકો, મહિલા અને ખાસ કરીને નાની દિકરીઓના ગુમ થવાના આંકડા ચિંતાજનક છે. રાજ્યમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. સૌથી વધુ ભ્રષ્ટાચારવાળા ખાતાઓમાં ગૃહ વિભાગનો સમાવેશ થાય છે. જમીન-મકાન પચાવી પાડીને ભૂમાફિયાઓને ભાજપના અગ્રણીઓ દ્વારા રાજ્યાશ્રય આપવામાં આવે છે. ગાંધી-સરદારના ગુજરાતમાં કસ્ટોડીયલ ડેથના કિસ્સા ભયજનક રીતે વધી રહ્યા છે. સરકાર સામે અવાજ ઉઠાવનાર, સરકારી નીતિઓનો વિરોધ કરનારાઓને ગેરબંધારણીય રીતે કચડી નાખવામાં આવે છે.
“ચંદ્રયાન 3” ની સફળતા એ ભારતીયની સમુદાયિક સફળતાનું પ્રતીક છે. આ સફળતા આપણા સૌ માટે આનંદની વાત છે. છ દશકોની અંતરિક્ષ કાર્યક્રમમાં વધુ એક મોરપીંછ એ ૧૪૦ કરોડ ભારતીયો માટે ગર્વની બાબત છે. જય હિન્દ! જય વિજ્ઞાન! સાથે સૌ વૈજ્ઞાનિકો સ્પેસ એન્જિનિયર, શોધકો અને આ મિશનને સફળ બનાવવામાં યોગદાન આપનાર તમામ લોકોની લગન, સતત મહેનત અને સમર્પણને આદર આપીએ છીએ- બિરદાવીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ અને આગામી અંતરિક્ષ કાર્યક્રમો માટે શુભકામનાઓ પાઠવતો ઠરાવ સૌ સભ્યોએ પોતાના સ્થાન ઉપર ઉભા થઈને બન્ને હાથ ઉંચા કરી સન્માન-ગૌરવ ભેર ઠરાવને કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં પારીત કર્યો હતો. ચંદ્રયાન-૩ની સિધ્ધી – વૈજ્ઞાનિકોને અભિનંદન ઠરાવ અર્જુનભાઈ મોઢવાડીયા, ખેડૂત, ખેતી અને ગામડુ બચાવ અંગેનો ઠરાવ શ્રી પરેશભાઈ ધાનાણી, કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ – મહિલા સુરક્ષા અંગેનો ઠરાવ સિધ્ધાર્થભાઈ પટેલ, ગુજરાતમાં કથળતા શિક્ષણ અંગેનો ઠરાવ શ્રી મધુસુદનભાઈ મિસ્ત્રી, ગુજરાતમાં યુવાનોને રોજગારી અંગેનો ઠરાવ શ્રી દિપકભાઈ બાબરીયા, ભાજપ સરકારમાં દલિત-આદિવાસી સમાજ પરના વધતા અત્યાચાર અંગેનો ઠરાવ શ્રી સુખરામ રાઠવા, ભાજપના પ્રજાવિરોધી શાસન અને ગેરવહિવટ અંગેનો ઠરાવ શ્રી અમીબેન યાજ્ઞિકે રજુ કર્યા હતા અને આ ઠરાવોનું સમર્થન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષશ્રીઓ કર્યું હતું. જેનું અનુમોદન સમગ્ર વિસ્તૃત કારોબારીએ હાથ ઉચા કરીને આપી હતી.રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં સાંસદસભ્યશ્રીઓ, આ.આઈ.સી.સી. ડેલીગેટ, ધારાસભ્યશ્રીઓ, પી.સી.સી. ડેલીગેટ, પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, શહેર-જીલ્લા પ્રમુખશ્રીઓ, ફ્રન્ટલના વડાશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. વિસ્તૃત કારોબારીનું સફળ સંચાલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કર્યું હતું.