સુરત શહેરના કામરેજ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં લોહીના સંબંધોમાં થયેલા વિશ્વાસઘાતની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. હકિકતમાં એનઆરઆઈ કાકાએ સગા ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની ઘટના બની છે. એનઆરઆઈ કાકા અમેરીકા હતા અને અહીં સુરતમાં ભત્રીજાએ નકલી સહી કરીને સુગર મિલના શેર પોતાના નામ પર કરી લેતા ફરિયાદ નોંધાઈ છે. વિદેશમાં રહેતા ભારતીયો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કામરેજ ખાતે રહેતા કાંતિભાઈ પટેલ છેલ્લા 40 વર્ષથી અમેરિકા ખાતે સ્થાયી થયા છે. પરંતુ એક વર્ષ પહેલાં કાંતિભાઈ કામરેજ વતન ખાતે પરત ફર્યા અને વડીલોપાર્જીત જમીનમાં ખેતી કરવા માટે સાયણ સુગર ખાતે નોંધણી કરવા માટે પહોંચ્યા. જોકે સુગર સંચાલકો તરફથી જાણવા મળ્યું કે તેમના નામ પર કોઈ સુગર મિલના શેર નથી જેથી કાંતિ ભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. તપાસ કરતા ખબર પડી કે તેમનો શેર તેમના સગા ભત્રીજા અમિતે કાંતિભાઈ અમેરિકા હતા દરમ્યાન બોગસ સહી કરી પોતાના નામ પર ટ્રાન્સફર કરી લીધો હતો. જેને લઇ કાંતિ ભાઈ દ્વારા તેમના વિરુદ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જોકે વાત આટલાથી અટકતી નથી માત્ર સાયણ સુગરનો શેર નહીં પણ કામરેજ સુગર મિલન પણ કાંતિભાઈ તથા તેમના અન્ય ભાઈઓ જે વિદેશમાં વસે છે તેમના શેર પણ અમિત અને તેના પિતાએ બારોબર વેચી દીધા હોવાના ગંભીર આક્ષેપ કાંતિ ભાઈએ કર્યા છે. સાથે સાથે વડીલોપાર્જિત જમીન અને ઘર માંથી પણ બહાર કાઢી મુક્ત હાલ કાંતિ ભાઈ ભાડાના મકાનમાં રહેવા મજબુર બન્યા છે. જોકે હાલ તો પોલીસે કાંતિ ભાઈની ફરિયાદ લઇ આગળની વધુ તપાસ હાથ ધરી છે.