ગાંધીનગર ખાતે આજે મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સુરત જિલ્લા આયોજન મંડળ અને સુરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ હતી.
સુરત જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે કુલ ૮૬૪ જેટલા વિકાસ કામો માટે રૂ. ૧૩.૭૫ કરોડનું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાએ રૂ.૧૫૦ લાખ, તાલુકા કક્ષાએ રૂ. ૧,૧૨૫ લાખ અને નગરપાલિકા કક્ષાએ રૂ. ૧૦૦ લાખના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે આ થઇ રહેલા વિકાસ કામોની ગુણવત્તા જળવાઈ રહે અને આ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને રૂબરૂ નિરીક્ષણ કરી સમયાંતરે અહેવાલ આપવા સુચના આપી હતી તેમજ પાણી અને શિક્ષણના કામોને અગ્રિમતા આપવા જણાવ્યું હતું.
સુરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની ન્યુ ગુજરાત પેટર્ન આયોજનની વર્ષ ૨૦૨૦-૨૧ની બેઠકમાં જિલ્લાના આદિજાતિઓના ઉત્કર્ષની વિવિધ યોજનાઓ માટે રૂ. ૩,૯૩૦ લાખના ૧,૧૬૫ જેટલા વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.
મંત્રીશ્રી પટેલે કોરોના મહામારી દરમિયાન અવિરત ફરજ નિભાવવા બદલ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.