કોરોના વાયરસનો ફેલાવો સમગ્ર દેશ અને રાજ્યમાં ખૂબ જ ઝડપથી થઈ રહેલ છે. રાજ્યમાં અગાઉ અમદાવાદ શહેર કોરોનાનું એપી સેન્ટર હતું. અમદાવાદ શહેરમાં સરકારી હોસ્પિટલો, કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને સરકારમાન્ય ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ હતી. હાલ અમદાવાદ શહેરમાં કોરોનાનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે ત્યારે આધારભુત મળતી માહિતી મુજબ, તા. 13-7-2020ના રોજ અમદાવાદ શહેરની સરકારી કોવિડ-19 હોસ્પિટલો જેમાં સિવિલ હોસ્પિટલમાં 900 બેડ, સોલા સિવિલમાં 200 બેડ, કેન્સર હોસ્પિટલમાં 250, ચેપીરોગ હોસ્પિટલમાં 40 બેડ મળી કુલ અંદાજીત 1400 બેડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં અંદાજીત 350 બેડ અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજીત 250 જેટલા બેડ એમ અમદાવાદ શહેરમાં અંદાજીત 2000 બેડ ખાલી છે.
હાલ રાજ્યમાં સુરત શહેર કોરોનાના સંક્રમિતોનું નવું હોટસ્પોટ બન્યું છે. સુરત શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા અતિશય હોવાના કારણે શહેરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોના મહામારી સામે લડતા સુરતીઓથી ઉભરાઈ રહી છે, પરિણામે સુરતમાં સરકારી અને સરકારમાન્ય ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે બેડ ઉપલબ્ધ નથી, જેના કારણે કોરોનાથી સંક્રમિત સામાન્ય માણસને સારવાર માટે ખૂબ મોટો સંઘર્ષ કરવો પડે છે અને તેઓ ભયભીત થઈ વતન ભણી જઈ રહ્યા છે. આવા દર્દીઓમાં સૌરાષ્ટ્રવાસીઓની સંખ્યા વધુ હોઈ કોરોનાની સીધી અસર સૌરાષ્ટ્ર પર પડવાની શક્યતા ખૂબ વધુ છે.
સૌરાષ્ટ્રના મહત્તમ જિલ્લાઓમાં કોરોનાની સારવાર અંગે પર્યાપ્ત વ્યવસ્થા નથી. સૌરાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં પૂરતા બેડની વ્યવસ્થા નથી, પૂરતા સાધનોનો અભાવ છે, અનુભવી ડોક્ટરોનો અભાવ છે ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓ કે જે સુરત ખાતેથી પોતાના વતન એવા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ તરફ જાય છે, તેના કારણે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અફરાતફરી ફેલાવાનો ભય રહેલો છે અને સૌરાષ્ટ્ર વિસ્તાર નજીકના ભવિષ્યમાં નવું હોટસ્પોટ બનશે એમાં શંકા નથી.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વધતું કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સુરતથી દર્દીઓને અમદાવાદ શહેરમાં આવેલ કોવિડ-19 હોસ્પિટલોમાં અંદાજીત 2000 જેટલા બેડ ખાલી છે ત્યાં દાખલ કરવા જોઈએ, જેથી સૌરાષ્ટ્રવાસીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાશે અને જીવનું જોખમ ઘટાડી શકાશે. રાજ્ય સરકારે તેના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલન કરાવીને સુરતના દર્દીઓને સીધા અમદાવાદ ટ્રાન્સફર કરવા જોઈએ, જેથી આવા દર્દીઓને અમદાવાદ ખાતે આધુનિક સારવારનો લાભ મળે અને અનુભવી ડોક્ટરોનો લાભ મળે અને તેમનું જીવન બચાવી શકાય.
આથી, સમગ્ર સૌરાષ્ટ્રને કોરોનાગ્રસ્ત બનતું અટકાવવા માટે સુરત શહેરના કોરોના સંક્રમિતોને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જતા રોકી સીધા જ અમદાવાદ ખાતેની કોવિડ-19ની સરકારી હોસ્પિટલો, કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને સરકારમાન્ય ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવાની વ્યવસ્થા કરવા મારી વિનંતી સહ ભલામણ છે.