સાળંગપૂર સ્થિત વડતાલ સ્વામિનારાયણ સાંપ્રદાય સંચાલિત કષ્ટભંજક દેવ હનુમાનની મંદિર પરિસરમાં રુદ્ર અવતાર હનુમાનજીના અપમાનજનક ભીંતચિત્ર મામલે આજે અમદાવાદમાં સરખેજ ખાતે મળેલી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની બેઠકમાં સાધુ સંતોએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત એકમના પ્રમુખ પદેથી હટાવી દીધા છે. સાળંગપુર વિવાદના પગલે લખનૌ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ કારોબારીની બેઠકમાં અગ્રણી સંતોએ હનુમાનજીના અપમાન સંદર્ભે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો જેના પ્રતિભાવ રૂપે નૌતમ સ્વામીને તાત્કાલિક અસરથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આજે સરખેજ વિસ્તારના આવેલા લંબે હનુમાન મંદિરમાં સાધુ સંતોની બેઠક મળી હતી જેમાં વડોદરાના મહંત જ્યોતિર્નાથે નૌતમ સ્વામીને તાત્કાલિક અસરથી હટાવવાના નિર્ણય અંગે જાણકારી આપી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમના પ્રવચનોમાં, સંપ્રદાયનાં ધાર્મિક પુસ્તકોમાં અને હવે જાહેર ભીંતચિત્રોમાં હિંદુ દેવતાઓના વારંવાર કરાતા અપમાન સામે કઠોર પગલાં લેવા માટે સરખેજ ખાતે બેઠક યોજાઈ હતી.નૌતમસ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ શાખાના અગ્રણી છે અને ભૂતકાળમાં પણ અનેક વિવાદમાં આવી ચૂક્યા છે.