ગાંધીનગરના સેક્ટર 30 સર્કલથી થોડેક દૂર જ રોડ પર કારમાંથી ઉતરી મહિલા પાણી પી રહી હતી. એ વખતે રોડ બનાવવા માટેના ડામર પેવર મશીન વાહનના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી મહિલાને ટક્કર મારી હતી. આ અકસ્માત થતાં રોડ સાઈડની રેલીંગ અને ડામર પેવર વાહનની વચ્ચે મહિલા પીચકઈ જતાં પતિની નજર સામે જ … મોતને ભેટી હતી. આ અંગે સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ઘાટલોડિયા યશકુંજ સોસાયટી ખાતે રહેતા 57 વર્ષીય પરેશભાઈ બાલકૃષ્ણ શાહ સેટેલાઈટ સિન્થેસીસ સ્પેસલીન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. આજે સવારે છ વાગ્યાના અરસામાં પરેશભાઈ અને તેમના પત્ની બંસરીબેન વતન સાદરા ગામે કુળદેવીના દર્શન અર્થે ગયા હતા.
જ્યાં દર્શન કરી પતિ પત્ની કારમાં પરત ઘરે ફરી રહ્યા હતા. અને ગાંધીનગર સેક્ટર 30 સર્કલ પસાર કરી આશરે આશરે 100 મીટર દૂર પહોંચતા બંસરીબેનને ઉલ્ટી જેવું લાગ્યું હતું. આથી તેમને પાણી પીવું હોવાથી પરેશભાઈએ રોડની રેલીંગની નજીક કરી ઉભી રાખી હતી. બાદમાં પરેશભાઈની બાજુમાં બેઠેલા બંસરીબેન પાછળનાં દરવાજેથી ખાલી બાજુમાં ઉતરતા હતા.
બાદમાં રોડની રેલીંગની નજીક ઉભા રહ્યા હતા.ત્યારે રોડ બનાવવા માટે વપરાતું ડામર પેવર વાહનનાં ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને બંસરીબેનને ટક્કર મારી હતી. આ વિચિત્ર અકસ્માતથી બંસરીબેન રોડની રેલિંગ તથા ડામર પેવર વચ્ચે પિચકાઈ ગયા હતા. જેનાં કારણે તેમનો ડાબો હાથ છૂંદાઈને કપાઈ ગયો હતો. અને પેટના તથા આખા શરીરે પણ ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોતને ભેટયા હતા.
હજી તો કારમાંથી નીચે ઉતરતાની સાથે પળવારમાં જ પત્નીનું નજર સામે જ કમકમાટીભર્યું મોત થતાં પરેશભાઈ મદદ માટે બુમાબુમ કરતા આસપાસનાં લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. જ્યારે ચાલક ડામર પેવર વાહન સ્થળ પર મૂકીને નાસી ગયો હતો. આ બનાવની જાણ થતાં સેકટર – 21 પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
બાદમાં મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં પરેશભાઈના સ્વજનો દોડી આવ્યા હતા. ત્યારે જાણવા મળ્યું હતું કે, દંપતી ચારધામની યાત્રાએ જવાના હતા. એ પહેલાં વતન જક્ષણી માતાના દર્શન માટે સાદરા આવ્યા હતા.