ગાંધીનગરના રાંદેસણનાં પ્રતીક મોલનાં કોમ્પ્યુટર કેર નામની દુકાનની આડમાં પ્લાસ્ટિકના કોઇન થકી ધમધમતા જુગારના અડ્ડાનો લોકલ ક્રાઇમ બ્રાંચ – 1 ની ટીમે ત્રાટકીને 11 – ખેલીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ રેઈડ દરમ્યાન મોંઘીદાટ કિંમતની ફોરેન બ્રાન્ડની વિદેશી દારૃ ની બોટલો પણ મળી આવતાં એલસીબીએ રૂ. 1.33 લાખ રોકડા, મોબાઈલ ફોન, વાહનો, પ્લાસ્ટિકના કોઇન નંગ – 400 સહિત કુલ રૂ. 36 લાખ 8 હજારનો મુદ્દામાલ જપ્ત કરી તમામ જુગારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરમાં પુર બહાર ખીલી ઉઠેલી શ્રાવણણીઓ જુગારની પ્રવૃતિઓ પર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી પોલીસે ધોંશ બોલાવવાનું શરૂ કરી દીધું છે. જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચ – 1ના પીઆઈ એચ પી પરમારની ટીમના પીએસઆઈ કે. કે. પાટડીયા સહીતની ટીમે પૂર્વ બાતમીના આધારે રાંદેસણનાં પ્રતીક મોલના ચોથા માળે કોમ્પ્યુટર કેર નામની ઓફિસની આડમાં પ્રિગ્નેશ ભરતભાઇ પટેલ તથા કૌશલેંદ્રસિંહ ગોવિંદસિંહ રાજપુત સંચાલિત જુગારના અડ્ડા ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો.
જ્યાં ઓફિસનો માહોલ જોઈને પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. અહીં દુકાન નંબર – 414 માં કોમ્પ્યુટર કેર નામની ઓફિસનાં ઓથાર હેઠળ જુગારીઓ કેસરી કલરના પ્લાસ્ટિકનાં કોઇનથી જુગારની બાઝી માંડીને બેઠા હતા. જેઓની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ પ્રિગ્નેશ ભરતભાઇ પટેલ (રહે- મકાન નંબર-104, ગ્રીધર શીલ્પ રેસીડેન્સી, રાંદેસણ, કૌશલેન્દ્રસિંહ ગોવિંદસિંહ રાજપુત(રહે- મકાન નંબર – 954/1, સેક્ટર -4/ડી, ગાંધીનગર), દિપ સમીરકુમાર પટેલ (રહે. સેકટર-3/ડી), યશ હસમુખભાઇ ગજ્જર( રહે -મકાન નંબર એ-204, શીખર પ્રાઈડ, કેના બંગ્લોઝ પાસે, મોટેરા),વિનીત ચિંતનભાઈ પટેલ રહે. સી-1001, દસમો માળ, ધરતી-સાંકેત હેવન, ન્યુ રાણીપ, ચેનપુર રોડ), રાજેશકુમાર જોઇતારામ પટેલ(રહે. મકાન નંબર સી-504, શ્રીધર શીલ્પ, રાયસણ), નરેશકુમાર ગોવિંદભાઇ પટેલ( રહે- મકાન નંબર 32, અદિતિ કૅનામેન્ટ, કે કે નગર રોડ, ઘાટલોડીયા),ઉમંગ હિતેશભાઈ પટેલ, (રહે. – પ્લોટ નંબર 334/1, શ્રેયશ સોસાયટી, સેક્ટર 26), હાર્દિક સુરેશભાઇ પટેલ(રહે- મકાન નંબર એ-204, નારાયણ એવન્યુ, ભાટ ગામ), સંજીવ મહેંદ્રભાઇ ગુપ્તા(રહે. મકાન નંબર સી-16, શ્રીજી કો .હા.સો.લી, ચાંદખેડા) તેમજ હાર્દિક જેસંગભાઇ પટેલ, રહે. – મકાન નંબર ડી-608, વ્રજ ગેલેક્ષી, હંસપુરા, નરોડા) હોવાનું જણાવ્યું હતું.
બાદમાં એલસીબીએ દુકાનની વધુ તલાશી લેતાં લાકડાના કબાટમાંથી મોંઘીદાટ કિંમતની ફોરેન બ્રાન્ડની વિદેશી દારૂની 12 હજારની કિંમતની ચાર બોટલો પણ મળી આવી હતી. જ્યારે પ્લાસ્ટીકનાં કેસરી કલરના ગોળ કોઇન અંગે પ્રિગ્નેશ ભરતભાઇ પટેલ તથા કૌશલેંદ્રસિંહ ગોવિંદસિંહ રાજપુતે કબૂલાત કરેલી કે, 1 લખેલ કોઇનને રૂ.100 ગણવામા આવે છે. જુગાર રમવા આવતાં જુગારીઓ રૂપિયા જમા કરાવે તે મુજબ પ્લાસ્ટિકના કોઇન આપવામાં આવતા હતા.
આ તમામ જુગારીની અંગ ઝડતી લેતા 70 હજાર 580 રોકડ, દાવ પરથી 62 હજાર 500, કોઈન નંગ – 400 તેમજ 33 લાખના ચાર વાહનો મળીને કુલ રૂ. 36 લાખ 8 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી એલસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.