આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ
પ્રાઇવેટ પ્રાથમિક શાળાને ટક્કર મારે તેવી શૈક્ષણિક સુવિધાઓ ઈંગોલી પ્રાથમિક શાળામાં ઉપલબ્ધ : ઈંગોલી પ્રાથમિક શાળાના આચાર્ય ધર્માંશુભાઈએ બાળકોને શિક્ષણ, સમજણ અને સ્વચ્છતાના શ્રેષ્ઠ પાઠ ભણાવ્યા : ડિજિટલ એજ્યુકેશન, મૂલ્યવર્ધિત પ્રવૃત્તિઓ, સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સહિત પર્યાવરણ સંવર્ધનના પાઠ શીખવીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી સરકારી શાળા
અમદાવાદ
કહેવાય છે કે ‘શિક્ષક સમાજનો ઘડવૈયો હોય છે’. વિદ્યાર્થીઓને શિક્ષણ, સમજણ અને સ્વચ્છતાના શ્રેષ્ઠ પાઠ ભણાવીને સમાજ સુધારણા અને સમાજ ઘડતરમાં મહત્ત્વનું યોગદાન આપીને એક શ્રેષ્ઠ શિક્ષકની પરિભાષા સાકાર કરી રહ્યા છે ધોળકા તાલુકાની ઈંગોલી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ધર્માંશુ પ્રજાપતિ. છેલ્લાં વીસ વર્ષથી ઈંગોલી પ્રાથમિક શાળામાં ફરજરત શ્રી ધર્માંશુ પ્રજાપતિએ શાળા અને વિદ્યાર્થીઓના વિકાસ થકી ગામ અને સમાજને વિકાસની રાહ ચીંધવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
સ્વચ્છતાના હિમાયતી અને આગ્રહી એવા ધર્માંશુભાઈ *’સ્વચ્છ શાળા, સ્વચ્છ ગામ, સ્વચ્છ સમાજ’* ના ધ્યેયમંત્રને સાર્થક કરવા સતત પ્રયાસરત રહ્યા છે. જેના ભાગરૂપે વર્ષ ૨૦૨૧-૨૨માં રાષ્ટ્રીય કક્ષાએ ચોથા ક્રમે રહેનાર ઈંગોલી પ્રાથમિક શાળાને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૧-૨૨માં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવીને જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર વિજેતા શાળા બની છે.
ધર્માંશુભાઈના *ગો ગ્રીન ઈનિશિયેટિવ* હેઠળ શાળામાં ૬૫૦ જેટલા છોડ અને ઝાડ, ઉત્તમ બગીચો અને ઇકોકલબ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી શાળા ગ્રીન સ્કૂલ બની છે. શાળામાં ટપક સિંચાઈ પદ્ધતિથી બાગ-બગીચાની માવજત કરવામાં આવે છે તથા શાળામાં વરસાદી પાણી સંગ્રહની સુવિધા વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત, બાળકોને શાળાકીય સમયથી જ કિચન ગાર્ડન, વર્ટિકલ ગાર્ડન, ઔષધિબાગ સહિત વિવિધ પર્યાવરણીય મુદ્દાઓ અંગે તલસ્પર્શી જ્ઞાન પૂરું પાડીને તેમને અત્યારથી જ પ્રકૃતિપ્રેમી બનાવીને પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે.
ટેકનોલોજીના આધુનિક સમયમાં ધર્માંશુ પ્રજાપતિ હંમેશાં શાળાના વિદ્યાર્થીઓ આવનારા સમયની માંગ પ્રમાણે આગળ વધે અને અત્યારથી જ ટેકનોલોજી તથા ડિજિટલાઈઝેશન અપનાવતા થાય તે માટે પ્રયત્નશીલ રહે છે. શાળામાં *ડિજિટલ એજયુકેશન માટેના અનેકવિધ ઉપક્રમો* ઉપલબ્ધ છે. શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ ધો. ૫થી ૮ના વિદ્યાર્થીઓને સ્માર્ટક્લાસ તથા આધુનિક કમ્પ્યૂટર લેબ દ્વારા ડિજિટલ વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે. શાળાનું સંપૂર્ણ કેમ્પસ વાઈફાઈ ઇન્ટરનેટની સુવિધા ધરાવે છે તથા ૩૨ સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ છે. વખતોવખત વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર દ્વારા થ્રીડી ચશ્માંથી ફિલ્મ બતાવવામાં આવે છે. શાળામાં શૈક્ષણિક કાર્યોમાં જી-શાળા સહિત વિવિધ શૈક્ષણિક એપ્લીકેશનોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે.
છેલ્લાં ૪ વર્ષથી શાળાના ધોરણ પ્રમાણે વોટસએપ ગ્રુપના માધ્યમથી વિદ્યાર્થીઓને નિયમિત ગૃહકાર્ય આપવામાં આવે છે. શાળાની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી અને માહિતી વાલીઓ અને લોકો સુધી પહોંચાડવા માટે વોટસએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. એક શહેરી પ્રાઇવેટ પ્રાથમિક શાળાને ટક્કર મારે તેવી શૈક્ષણિક સુવિધાઓ ઈંગોલી પ્રાથમિક શાળામાં ઉપલબ્ધ છે. જેના લીધે ત્રણ વર્ષમાં બાહ્ય પરીક્ષાઓ અને પ્રવૃત્તિઓમાં શાળાના ૨૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈને ૧૬૦૦થી વધુ શાળા, તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ સિદ્ધિઓ અંગેનાં પ્રમાણપત્રો મેળવી ચૂક્યા છે તેમજ મેરીટમાં પસંદગી પામી વિવિધ રીતે પુરસ્કૃત થયા છે.
ધર્માંશુભાઈના નેતૃત્વમાં શાળામાં મોબાઈલ પેટી, પ્રશ્નપેટી, સૂચન પેટી, બુલેટીન બોર્ડ, ખોયા પાયા, અક્ષયપાત્ર, જરૂરી સ્ટેશનરી માટે રામહાટ, પક્ષીચણ માટે ચબૂતરો, આજનો દીપક, આજનું ગુલાબ, પ્રજ્ઞા ટી.એલ.એમ. કિટનો મહત્તમ ઉપયોગ, મહત્તમ ૯૫% હાજરી હોય તે વિદ્યાર્થીઓનું સવિશેષ સન્માન જેવી *અનેકવિધ મૂલ્યવર્ધિત પ્રવૃત્તિઓ* દ્વારા વિદ્યાર્થીઓનું ઘડતર કરવામાં આવે છે.
ધર્માંશુ પ્રજાપતિ અને તેમની શાળાના ઉત્સાહી શિક્ષકોના સક્રિય પ્રયાસો દ્વારા શાળામાં ગ્રામજનો અને એન.જી.ઓ.ના સાથ-સહકાર અને અનુદાન થકી *વિવિધ માળખાકીય સુવિધાઓ* ઊભી કરવામાં આવી છે. જેમાં સ્વચ્છ કમ્પાઉન્ડ, સ્વચ્છ સેનિટેશન, આકર્ષક ગેટ, નવા ૪ વર્ગખંડ, શાળાના મેદાનમાં પેવરબ્લોક અને બેઠક વ્યવસ્થા, પ્રાર્થના સંમેલન અને મધ્યાહન ભોજન માટે અલગ શેડની વ્યવસ્થા, પીવાના પાણી માટે આર.ઓ.પ્લાન્ટ અને વોટરકુલરથી ઠંડા પાણીની સુવિધા, વિજ્ઞાન પ્રયોગ માટેના સાધનનો ઉપયોગ, રમત ગમતના માટેના સાધનનો ઉપયોગ, નવીન બાળ પુસ્તકાલય વગેરેનો સમાવેશ થાય છે.
શાળામાં અનેકવિધ સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ* થકી વિદ્યાર્થીઓને શિક્ષણ સિવાયના ક્ષેત્રોમાં પણ નિપુણ બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. આવી પ્રવૃતિઓમાં ટોય ફેર, ઇનોવેશન ફેર, કલા ઉત્સવ, સમર કેમ્પ, યૌગિક ક્રિયાઓ, સમાચાર વાંચન, અભિનય ગીત, પુસ્તક સમીક્ષા, ઘડીયાગાન, પ્રશ્નોત્તરીનો પ્રાર્થનાસભામાં સમાવેશ, બાળસભા, બાળસંસદ,બાળમેળો, જૂથકાર્ય, દિન વિશેષની ઉજવણી, સમૂહ સફાઈ, રમતગમત અને સાથે કૌશલ્યવર્ધક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વયં શિક્ષક દિન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.વર્ષ ૨૦૧૪થી ધર્માંશુ શિવરામ પ્રજાપતિ શાળાના આચાર્ય બન્યા બાદ છેલ્લા આઠ *ગુણોત્સવ* માં શાળાએ સતત A (એ) ગ્રેડ મેળવ્યો છે. વર્ષ ૨૦૨૨-૨૩ માં સમગ્ર રાજ્યમાં શાળાએ ચોથો ક્રમ હાંસલ કર્યો છે. એક સામાન્ય સરકારી શાળાને પ્રાઇવેટ શાળા સમકક્ષ બનાવવાના શ્રેષ્ઠ પ્રયાસોના ભાગરૂપે ધર્માંશુભાઈને વર્ષ ૨૦૨૦-૨૧નો જિલ્લા કક્ષાનો *શ્રેષ્ઠ શિક્ષક આચાર્ય કેટેગરી એવોર્ડ* અને વર્ષ ૨૦૨૧-૨૨નો રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક આચાર્ય કેટેગરી એવોર્ડ પ્રાપ્ત થયો છે. શાળા અને વિદ્યાર્થીઓના હિતમાં જ પોતાનું હિત જોતા ધર્માંશુભાઈએ પોતાના ઈનામની રકમ પણ શાળાના વિકાસ માટે જ દાન કરી દીધી છે, જે તેમની ઉચ્ચ કાર્યનિષ્ઠાની સાબિતી આપે છે.