આયુષ્યમાન ભવ: અભિયાનનો ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કોઈપણ લાભાર્થી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાનો, અને આરોગ્યક્ષેત્રે લોકોને જાગૃત કરવાનો છે
ગાંધીનગર
મિશન “અંત્યોદય”ના સંકલ્પને અનુસરીને દરેક ગામમાં તમામ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓને સંતૃપ્ત કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે દેશના રાષ્ટ્રપતિ દ્વારા 13મી સપ્ટેમ્બરના રોજ વર્ચ્યુઅલ રીતે ભારત દેશમાં આયુષ્યમાન ભવ: કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. જેના અનુસંધાને અમદાવાદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. આયુષ્યમાન ભવ: કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓને તમામ આરોગ્યની યોજનાઓથી અવગત કરાવવા તેમજ યોજનાનો સંપૂર્ણ લાભ પહોંચાડવા માટે ૧૭મી સપ્ટેમ્બર થી આયુષ્યમાન ભવ: અભિયાન હાથ ધરાશે.
જેમાં ૧૭મી સપ્ટેમ્બરથી ૨જી ઓક્ટોબર દરમિયાન વિવિધ આરોગ્યને લગતી સેવા જેવી કે આયુષ્યમાન કાર્ડનો કેમ્પ રક્તદાન શિબિર તેમજ અંગદાન અને તમામ જાહેર આરોગ્ય કેન્દ્રો પર સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવશે.
આયુષ્યમાન ભવ: કાર્યક્રમ હેઠળ તમામ મુદ્દાઓનું સચોટ અમલીકરણ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવેલ છે. જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ યોજનાઓની માહિતી તેમજ મળવાપાત્ર લાભો લાભાર્થી સુધી પહોંચે અને એક પણ લાભાર્થી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. આયુષ્યમાન ભવ કાર્યક્રમ હેઠળ ‘આયુષ્યમાન આપ કે દ્વાર’ ત્રીજા તબક્કાનો કાર્યક્રમ કરાશે. જેમાં પી.એમ.જે.વાય. યોજના હેઠળ લાયક લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ માટે ૧૭મી સપ્ટેમ્બરે ઝુંબેશ રૂપે કાર્યવાહી કરવામાં આવશે સાથેજ એક પણ લાભાર્થી બાકી ન રહે તેની પણ ખાતરી કરવી તેમ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં જણાવાયુ છે. આ ઉપરાંત આયુષ્યમાન મેળા અને આયુષ્યમાન સભાઓનું પણ આયોજન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૭મી સપ્ટેમ્બરથી ૨જી ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડા તરીકે ઉજવાશે. આ સેવા પખવાડા દરમિયાન આરોગ્યની વિવિધ સેવાઓની પ્રવૃત્તિ સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારના તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓ પર સ્વચ્છતા અભિયાન, ઓર્ગન ડોનેશન ડ્રાઇવ અને રક્તદાન શિબિરની પણ પ્રવૃત્તિઓ કરવામાં આવશે.